મારું શહેર રોટરી ક્લબ ઓફ જામનગરનું જળસંચય અભિયાન સફળ: 25 ગામોના તળાવો ઊંડા ઉતારી 36 કરોડ લીટરથી વધુ વરસાદી પાણીના સંગ્રહનો માર્ગ મોકળો.
જામનગર જિલ્લામાં છેલ્લા 78 વર્ષથી લોકકલ્યાણના વિવિધ કાર્યો માટે અગ્રેસર રહેલી રોટરી ક્લબ ઓફ જામનગર દ્વારા વર્ષ 2026માં પર્યાવરણ સંરક્ષણ અને જળસંચયને કેન્દ્રમાં રાખીને હાથ ધરાયેલું તળાવો ઊંડા ઉતારવાનું મહાઅભિયાન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. ચોમાસા પૂર્વે શરૂ કરાયેલા આ અભિયાન હેઠળ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ 25 ગામોના તળાવો ઊંડા ઉતારવામાં આવ્યા છે. આ કામગીરીના પરિણામે 36 કરોડ લીટરથી વધુ વરસાદી પાણીના સંચયની ક્ષમતા ઊભી થઈ છે, જે આવનારા વર્ષોમાં જળસંકટ સામે લડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. સમગ્ર પ્રોજેક્ટ પાછળ રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ની ગ્લોબલ ગ્રાન્ટ, સ્થાનિક દાતાઓ, CSR ફંડ અને ગ્રામજનોના સહયોગથી કુલ રૂ. 1.22 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું નેતૃત્વ પ્રોજેક્ટ ચેરમેન રોટેરિયન મિલન સી. શાહે કર્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ રોટરી ક્લબના પ્રમુખ રોટેરિયન હિતેશ ચંદરિયા, સેક્રેટરી રોટેરિયન નિહાર માલદે, રોટેરિયન શરદ શેઠ, રોટેરિયન બ્રિજેશ ઝવેરી સહિતના સભ્યોએ સક્રિય ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત બી.જે.એસ. તરફથી જીગ્નેશ શાહ અને નવીન કોઠારી સહિત અનેક કાર્યકરો અને સહયોગી દાતાઓએ પણ અભિયાનને સફળ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સૌના સંયુક્ત પ્રયાસોથી ટૂંકા સમયમાં આ વિશાળ કામગીરી પૂર્ણ કરવામાં સફળતા મળી છે.
પ્રોજેક્ટ માટે જરૂરી ભંડોળ વિવિધ સ્ત્રોતોમાંથી એકત્ર કરવામાં આવ્યું હતું. તેમાં રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ની આંતરરાષ્ટ્રીય રોટરી ગ્લોબલ ગ્રાન્ટમાંથી રૂ. 20 લાખ, રો. પરાગ શેઠ તરફથી રૂ. 15 લાખ, રોટરી ક્લબ ઓફ જામનગર તરફથી રૂ. 71 લાખ ઉપરાંત વિવિધ ઉદ્યોગગૃહોના CSR ફંડ, દુબઈ રોટરી ક્લબ, બી.જે.એસ., સ્થાનિક દાતાઓ અને ગ્રામજનોના સહયોગથી કુલ રૂ. 1.22 કરોડનું ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં સરકારી સહાય પર નિર્ભર રહેવાના બદલે સમાજના વિવિધ વર્ગોએ સ્વૈચ્છિક રીતે સહભાગી બનીને જળસંચયના કાર્યને લોકઆંદોલનનું સ્વરૂપ આપ્યું હતું.

5 માર્ચ, 2026ના રોજ રાવલસર ગામથી શરૂ થયેલું આ અભિયાન હવે સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ અભિયાન અંતર્ગત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાવલસર, ડબાસંગ, ફૂલનાથ, બુટાવદર, નેસડા, ચાવડા, ખારવા, કાનવીરડી, કજુરડા, મચ્છુ-બેરાજા, ધુન-ધોરાજી, બાલાચડી, રસનાળ, હડિયાણા, ઠેબા, જામવંથલી, વડાલીયા સિંહણ, આરીખાણા, આરબલુસ, લીંબુડા, ખીરી, સડોદર સહિત કુલ 25 ગામોના તળાવોમાંથી માટી અને કાંપ દૂર કરવામાં આવ્યા છે. આ કામગીરીથી તળાવોની પાણી સંગ્રહ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે અને આશરે 29.40 કરોડ લીટર જેટલી વધારાની સંગ્રહ ક્ષમતા ઊભી થઈ છે. ચોમાસા દરમિયાન તેમાં 36 કરોડ લીટરથી વધુ વરસાદી પાણીનો સંચય થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ પ્રોજેક્ટનો સૌથી મોટો લાભ ખેડૂતોને પણ મળ્યો છે. તળાવોમાંથી નીકળેલી ફળદ્રુપ માટી ખેડૂતો પોતાના ખર્ચે ખેતરોમાં લઈ ગયા છે, જેના કારણે જમીનની ગુણવત્તામાં સુધારો થશે અને પાક ઉત્પાદન વધશે. સામાન્ય રીતે વર્ષો સુધી તળાવમાં જમા થતો કાંપ પાણીની સંગ્રહ ક્ષમતા ઘટાડે છે, પરંતુ તેને દૂર કરવાથી એક તરફ તળાવ વધુ પાણી સંગ્રહી શકશે અને બીજી તરફ તે જ માટી ખેડૂતો માટે કુદરતી ખાતર સમાન બની રહેશે. પરિણામે કૃષિ ઉત્પાદન વધવાની સાથે ખેડૂતોની આવકમાં પણ વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ચોમાસા પહેલાં આ કામગીરી પૂર્ણ થતાં વરસાદનું કરોડો લીટર પાણી હવે વ્યર્થ વહી જવાને બદલે ગામોના તળાવોમાં જ સંચિત થશે. પાણીથી ભરાયેલા તળાવો માત્ર પીવાના પાણી અથવા સિંચાઈ માટે જ નહીં, પરંતુ પશુઓ, પક્ષીઓ અને અન્ય જીવસૃષ્ટિ માટે પણ જીવનદાયી સાબિત થશે. ઉપરાંત તળાવોમાં પાણી લાંબા સમય સુધી સંગ્રહિત રહેવાના કારણે આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તરમાં વધારો થશે, જેના પરિણામે કૂવા, બોરવેલ અને અન્ય જળસ્ત્રોતોમાં પણ પાણીનું સ્તર ઊંચું આવશે. આ કામગીરી પર્યાવરણના સંરક્ષણ અને જળસંપત્તિના લાંબા ગાળાના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.
રોટરી ક્લબ ઓફ જામનગર દ્વારા હાથ ધરાયેલું આ જળસંચય અભિયાન સમાજસેવા, પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને લોકભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. સરકારી યોજનાઓની સાથે સામાજિક સંસ્થાઓ, દાતાઓ, CSR સંસ્થાઓ અને ગ્રામજનોના સહયોગથી જો આવા પ્રયાસો સતત ચાલુ રહેશે તો પાણીની અછત જેવી સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય છે. આવનારા વર્ષોમાં પણ વધુ ગામોમાં તળાવો ઊંડા ઉતારવા અને વરસાદી પાણીના મહત્તમ સંચય માટે આવા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર અભિયાન ગ્રામ્ય સમૃદ્ધિ, જળસુરક્ષા અને પર્યાવરણ સંરક્ષણ તરફનું એક પ્રેરણાદાયી મોડેલ બની રહ્યું છે.