મારું શહેર હડાદ તાલુકામાં PM પોષણ યોજનાના ૨ કેન્દ્રો માટે સંચાલકોની ભરતી ૨૪ જુલાઈ સુધી સ્થાનિક લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવાઈ.
હડાદ: હડાદ તાલુકામાં પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના (PM પોષણ યોજના) એટલે કે મધ્યાહ્ન ભોજન યોજના અંતર્ગત શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭ માટે બે કેન્દ્રોમાં સંચાલકોની જગ્યાઓ ખાલી હોવાથી નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ અંગે હડાદ મામલતદાર કચેરી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી લાયકાત ધરાવતા સ્થાનિક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.
જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ હડાદ તાલુકાના બિડાણ મુજબના બે PM પોષણ યોજના કેન્દ્રો માટે સંચાલકોની નિમણૂક કરવામાં આવશે. આ માટે ઇચ્છુક ઉમેદવારોએ તા. ૧૦ જુલાઈ ૨૦૨૬થી તા. ૨૪ જુલાઈ ૨૦૨૬ સુધી નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. મળેલી અરજીઓની ચકાસણી કર્યા બાદ સરકારના પ્રવર્તમાન નિયમો અને નક્કી કરાયેલી લાયકાતના આધારે યોગ્ય ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.
જાહેરનામા મુજબ અરજી કરનાર ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી ૨૦ વર્ષ અને વધુમાં વધુ ૬૦ વર્ષ હોવી જરૂરી છે. તેમજ ઉમેદવાર ઓછામાં ઓછું ધોરણ-૧૦ પાસ હોવો આવશ્યક રહેશે. ઉમેદવારે જે PM પોષણ કેન્દ્ર માટે અરજી કરી હોય તેનું નામ અરજીમાં સ્પષ્ટ રીતે દર્શાવવાનું રહેશે.
આ ભરતી પ્રક્રિયામાં કેટલીક કેટેગરીના લોકોને પાત્ર ગણવામાં આવશે નહીં. જેમાં આંગણવાડી કાર્યકર, સસ્તા અનાજના દુકાનદાર તેમજ કોઈપણ રાજકીય હોદ્દો ધરાવતા વ્યક્તિઓનો સમાવેશ થાય છે. જ્યારે સ્થાનિક ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે. સ્થાનિક હોવાનો પુરાવો આપવા માટે તલાટીશ્રીની સહી-સિક્કાવાળો રહેઠાણનો દાખલો રજૂ કરવો ફરજિયાત રહેશે.
અરજી સાથે ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો પણ જોડવાના રહેશે. જેમાં રહેઠાણનો દાખલો, શૈક્ષણિક લાયકાતના પુરાવા, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ચૂંટણીકાર્ડ, રેશનકાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો, આધારકાર્ડ, બેંક ઓફ બરોડાની પાસબુકની નકલ તેમજ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ સામેલ છે.
આ ઉપરાંત ઉમેદવારે કોઈપણ પ્રકારનો ધંધો કે વેપાર કરતા ન હોવાનો તથા જાહેરનામામાં દર્શાવેલી તમામ લાયકાત પૂર્ણ કરતા હોવાનો સોગંદનામું પણ રજૂ કરવાનું રહેશે. અધૂરી માહિતી ધરાવતી અરજીઓ અથવા જરૂરી આધાર પુરાવા વગરની અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં.
નિયમો મુજબ વિધવા, ત્યક્તા અને નિરાધાર મહિલાઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો, આર્થિક રીતે નબળા વર્ગના અરજદારો તેમજ ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોને નિમણૂક પ્રક્રિયામાં અગ્રતા આપવામાં આવશે.
મામલતદાર કચેરી, હડાદ દ્વારા ઉમેદવારોને અરજીમાં પોતાનો ચાલુ મોબાઇલ નંબર અને સંપૂર્ણ સરનામું ફરજિયાત દર્શાવવા સૂચના આપવામાં આવી છે. PM પોષણ યોજના કેન્દ્રોના સંચાલન માટે રસ ધરાવતા લાયક સ્થાનિક ઉમેદવારો વધુ માહિતી અને અરજીના નિયત નમૂના માટે હડાદ મામલતદાર કચેરીનો સંપર્ક કરી શકશે.