મારું શહેર ચંદ્રાવાડા ગામના પૂજારીના ઘરે ગાંજાનું વાવેતર ઝડપાયું: દેવભૂમિ દ્વારકા SOGની કાર્યવાહી, ₹2.35 લાખનો મુદ્દામાલ જપ્ત
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નશીલા પદાર્થો સામે પોલીસે વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામમાં દરોડો પાડી ગાંજાના વાવેતરનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કેસમાં સેવા-પૂજાનું કાર્ય કરતા એક વ્યક્તિના રહેણાંક મકાનમાંથી ગાંજાના છોડ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ દેવભૂમિ દ્વારકા SOGના પીઆઈ વી. એ. રાણાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ સજુભા હમીરજી જાડેજા અને કાનાભાઈ માડમને ચોક્કસ બાતમી મળી હતી કે ચંદ્રાવાડા ગામના બસ સ્ટેન્ડ નજીક રહેતા વિજય વાસુદેવભાઈ રણછોડભાઈ કાપડી પોતાના મકાનના ફળિયામાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
પોલીસ દ્વારા મકાનની તપાસ દરમિયાન ફળિયામાં ઉગાડવામાં આવેલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. તપાસમાં કુલ 4 કિલો 710 ગ્રામ ગાંજો, જેની અંદાજિત કિંમત ₹2,35,500 થાય છે, તે કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ગાંજાનો જથ્થો જપ્ત કરીને જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી હતી.
આ સમગ્ર કાર્યવાહી બાદ જપ્ત કરાયેલ મુદ્દામાલ અને આરોપીને લગતી તમામ કાર્યવાહી આગળની તપાસ માટે કલ્યાણપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. પોલીસે આરોપી સામે NDPS Act હેઠળ ગુનો નોંધ્યો છે અને ગાંજાનું વાવેતર ક્યાંથી શરૂ કરવામાં આવ્યું, તેમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે નહીં તેમજ આ ગાંજાનો ઉપયોગ કે વેચાણ માટેનો હેતુ શું હતો તે સહિતના મુદ્દાઓની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થો સામે સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે જિલ્લામાં ગેરકાયદેસર નશીલા પદાર્થોના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. આ કેસમાં પણ તપાસના આધારે જો અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી સામે આવશે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.