મારું શહેર જામનગરના ૩ ખેલાડીઓ રાષ્ટ્રીય અન્ડર-૧૪ બાસ્કેટબોલમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
જામનગરના રમતપ્રેમીઓ અને રમતવીરો માટે ગૌરવની ક્ષણ સામે આવી છે. આંધ્રપ્રદેશના વિજયવાડા ખાતે આગામી તા. ૨૬ સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય કક્ષાની અન્ડર-૧૪ બાસ્કેટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ નેશનલ લેવલની સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી આશરે ૬૦ જેટલી ટીમો ભાગ લેશે. ગુજરાત રાજ્યમાંથી ગર્લ્સ અને બોયઝ એમ બે ટીમોની પસંદગી કરવામાં આવી છે, જે વિજયવાડા ખાતે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
ગુજરાતની બંને ટીમોની પસંદગી માટે જામનગર ખાતે ૧૦ દિવસનો કોચિંગ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પ દરમિયાન ખેલાડીઓને બાસ્કેટબોલની રમતની વિવિધ બાબતો અંગે તાલીમ આપવામાં આવી હતી. ફિટનેસ, ટીમ વર્ક, રમતની ટેકનિક અને સતત પ્રેક્ટિસ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ કોચિંગ કેમ્પમાંથી જામનગરના ત્રણ ખેલાડીઓની ગુજરાતની અન્ડર-૧૪ ટીમમાં પસંદગી થઈ છે, જે હવે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પોતાના રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે.
ગુજરાતની ગર્લ્સ અને બોયઝ ટીમમાં કુલ ૨૪ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બંને ટીમો હવે આંધ્રપ્રદેશના વિજયવાડા ખાતે યોજાનારી રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા માટે રવાના થશે. નાની ઉંમરે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં રમવાની તક મળવી ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ અનુભવ માનવામાં આવે છે. ખાસ કરીને જામનગરના ત્રણ ખેલાડીઓની પસંદગીથી જિલ્લામાં રમતગમત ક્ષેત્રે પ્રતિભા ધરાવતા યુવાનોને પ્રોત્સાહન મળ્યું છે.
ટીમો રવાના થાય તે પહેલાં જિલ્લા કલેક્ટરશ્રી પી.બી. પંડ્યાએ ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોચિંગ સેન્ટર ખાતે ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. કલેક્ટરશ્રીએ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ આપી હતી. આ પ્રસંગે તેમણે ખેલાડીઓ સાથે વાતચીત કરી તેમની તૈયારી અને સ્પર્ધા અંગેની માહિતી પણ મેળવી હતી. રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહેલા ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
કલેક્ટરશ્રી પી.બી. પંડ્યાએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે જામનગર જિલ્લાના યુવાનો રમતગમત ક્ષેત્રે સારું પ્રદર્શન કરી રહ્યા છે તે સમગ્ર જિલ્લા માટે ગૌરવની બાબત છે. ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ટીમ વર્ક અને શિસ્ત સાથે રમત રમવી જોઈએ તથા પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે સતત પ્રયત્ન કરવો જોઈએ તેવી શુભકામનાઓ પાઠવી હતી. સાથે જ તેમણે ફિટનેસ, મહેનત અને નિયમિત પ્રેક્ટિસને મહત્વ આપીને આગળ વધવા માટે ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર તરફથી ખેલાડીઓને જરૂરી સહયોગ આપવાની ખાતરી પણ આપવામાં આવી હતી. ખેલાડીઓએ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓ તેમજ જામનગર રમત પ્રશિક્ષણ કેન્દ્ર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલી તાલીમ અને સુવિધાઓ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ખેલાડીઓ માટે ઉપલબ્ધ તાલીમ અને માર્ગદર્શનથી તેમને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે તૈયારી કરવામાં મદદ મળી હોવાનું પણ જણાવાયું હતું.
આ પ્રસંગે જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી બી.જે. રાવલીયા, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી વિપુલ મહેતા, કોચ તથા ખેલાડીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હવે જામનગરના ત્રણ ખેલાડીઓ સહિત ગુજરાતની બંને ટીમો વિજયવાડા ખાતે યોજાનારી અન્ડર-૧૪ રાષ્ટ્રીય બાસ્કેટબોલ ટુર્નામેન્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરી જામનગર અને ગુજરાતનું નામ રોશન કરે તેવી રમતપ્રેમીઓ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.