મારું શહેર જામનગરના સત્યસાઈ નગરમાં બાળકો માટે ભવ્ય યોગ સમર કેમ્પનું આયોજન.
15 દિવસીય કાર્યક્રમમાં યોગ, સંસ્કાર અને રમતગમતનો સમન્વય
જામનગર શહેરના સત્યસાઈ નગર વિસ્તારમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે એક ભવ્ય અને શૈક્ષણિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારની પહેલ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોને મોબાઈલથી દૂર રાખી તંદુરસ્ત જીવનશૈલી તરફ પ્રેરિત કરવાનો અને યોગ તથા શારીરિક-માનસિક વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો.
આ સમર કેમ્પ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં 300 જેટલા સ્થળોએ આયોજિત કરવામાં આવ્યો છે. તેના ભાગરૂપે જામનગરના સત્યસાઈ નગર ખાતે યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં 5 થી 15 વર્ષના બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
કેમ્પ દરમિયાન બાળકો માટે 15 દિવસ સુધી યોગ, પ્રાણાયામ, સૂર્યનમસ્કાર, ધ્યાન, શ્વાસની કસરતો, તેમજ વિવિધ શારીરિક અને માનસિક વિકાસ માટેની રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત બાળકોમાં સંસ્કાર, એકાગ્રતા અને આધ્યાત્મિક જાગૃતિ વધે તે માટે ભગવદ ગીતા શ્લોકોનું ઉચ્ચારણ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ સામેલ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોની યાદશક્તિ, પાચનશક્તિ અને એકાગ્રતા વધારવાનો હતો. સાથે સાથે શાળાની રજાઓ દરમિયાન બાળકોનો સમય સકારાત્મક પ્રવૃત્તિઓમાં વીતે અને તેઓ ટેકનોલોજીના અતિરેક ઉપયોગથી દૂર રહે તે બાબત પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું.
કેમ્પ દરમિયાન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી ભાગ લેનાર તમામ બાળકોને ડ્રોઈંગ બુક, કેપ અને યોગ સંબંધિત પુસ્તકો પણ આપવામાં આવ્યા હતા, જેથી તેઓ ઘરે પણ યોગાભ્યાસ ચાલુ રાખી શકે.
આ સાથે એબીએનએસ ન્યૂઝ એજન્સી અને ભારત ખબર કેસરી અખબારની જામનગર ટીમ તેમજ વિવિધ દાતાઓ દ્વારા બાળકોને પ્રોત્સાહનરૂપે ગિફ્ટ આપવામાં આવી હતી, જેના કારણે બાળકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિંજલ વાડોલિયા (મુખ્ય સંચાલક), મનીષા રાજમુલાની (સહ સંચાલક), તેજલ વડનગરા, જિલ્લા કોર્ડિનેટર હર્ષિતા મહેતા અને અલ્પા વસોયાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
કેમ્પના અંતિમ દિવસે સમાપન સમારોહ યોજાયો હતો, જેમાં શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી તેમજ વોર્ડ નંબર 11ના પ્રભારી ભરતસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળકોને પ્રોત્સાહન પ્રમાણપત્રો એનાયત કરીને તેમના ઉત્સાહને વધાવ્યો હતો.
અધિકારીઓ અને આયોજકોના જણાવ્યા મુજબ આવા યોગ કેમ્પ બાળકોના સર્વાંગી વિકાસ માટે અત્યંત લાભદાયી સાબિત થાય છે. યોગ, સંસ્કાર અને શારીરિક પ્રવૃત્તિઓના સમન્વયથી બાળકોમાં સ્વસ્થ જીવનશૈલી અને સકારાત્મક વિચારધારા વિકસે છે.

આ સમર યોગ કેમ્પે જામનગરમાં બાળકો માટે એક શિસ્તબદ્ધ, આરોગ્યપ્રદ અને શૈક્ષણિક અનુભવ પૂરું પાડ્યો છે, જેને કારણે વાલીઓ અને સમાજમાં પણ વ્યાપક પ્રશંસા જોવા મળી રહી છે.
સંજીવ રાજપૂત