જાહેરાત
તાજા સમાચાર
ગાંધીનગરમાં GSFCના સાત નવા કૃષિ ઉત્પાદનોનું લોન્ચિંગ. | 5 મહિનામાં 18.03 લાખ વિના ટિકિટ મુસાફરો ઝડપાયા. | ભાજપના સંગઠનમાં મોટો ફેરફાર, નવા પ્રભારી-સહ પ્રભારીઓની જાહેરાત. | ગુજરાતમાં હવે સરકારી તંત્રને મળશે AIની ‘GPU પાવર’ | ગુજરાતમાં 63.35 લાખથી વધુ ખેડૂતો ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધાયા. | કેશોદવાસીઓ માટે ખુશખબર, વેરાવળ–હરિદ્વાર ટ્રેનને કેશોદ સ્ટોપની મંજૂરી. | કેશોદમાં પ્રેમ પ્રકરણને લઈને સામસામે FIR. | જામનગરના ૩ ખેલાડીઓ રાષ્ટ્રીય અન્ડર-૧૪ બાસ્કેટબોલમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. | પવનચક્કીથી લાલપુર બાયપાસ સુધી મનપાની સંયુક્ત કામગીરી. | જામનગર પંચેશ્વર ટાવર પાસે દબાણ હટાવવાની કાર્યવાહી. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૨૬ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું શહેર કેશોદમાં પ્રેમ પ્રકરણને લઈને સામસામે FIR.

કેશોદમાં પ્રેમ પ્રકરણને લઈને સામસામે FIR.

કેશોદ શહેરમાં પ્રેમ પ્રકરણને લઈને થયેલી મારામારીની ઘટનામાં હવે સામસામે બે ફરિયાદ નોંધાઈ છે. બાબા પાનની ગલીમાં થયેલી આ ઘટનાને લઈને અગાઉ નીલેશભાઈ હરદાસભાઈ માલમ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ હવે દીપકભાઈ ભીખાભાઈ આત્રોલીયા, ઉંમર ૩૧ વર્ષ, રહે. કેશોદ દ્વારા કેશોદ પોલીસ મથકમાં સામા પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બીજી ફરિયાદમાં પણ ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધાતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.

ફરિયાદી દીપકભાઈ આત્રોલીયાના જણાવ્યા મુજબ, સમગ્ર વિવાદની પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું જણાવાયું છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેમની બહેન અસ્મીતાબેનનો પીખોર ગામના રાજુભાઈ જમોડ સાથે પ્રેમ સંબંધ છે. આ સંબંધને લઈને નીલેશભાઈ હરદાસભાઈ માલમ સાથે અગાઉથી અણબનાવ ચાલતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ જ મુદ્દાને લઈને બંને પક્ષ વચ્ચે વિવાદ વધ્યો હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.

ફરિયાદ મુજબ, ઘટનાના સમયે રાજુભાઈ જમોડ, રોહીત, ભૂપેશ જમોડ અને ફરિયાદી દીપકભાઈ આત્રોલીયા કેશોદની બાબા પાન નામની દુકાનવાળી ગલીમાં ઉભા હતા. તે દરમિયાન નીલેશભાઈ માલમ, તેમના પુત્ર ધવલ નીલેશભાઈ માલમ અને મહેશ કેતનભાઈ માલમ સ્વીફ્ટ કાર નંબર GJ-03-ER-3771માં ત્યાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ત્યારબાદ વાહન સાઈડમાં રાખીને બોલાચાલી શરૂ થઈ હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, ભાવીનભાઈ આજકીયા પણ મોટરસાયકલ લઈને ત્યાં આવ્યા હતા. ત્યારબાદ રાજુભાઈ જમોડ સાથે બોલાચાલી અને ગાળાગાળી થઈ હોવાનું ફરિયાદી તરફથી જણાવાયું છે. પરિસ્થિતિ ઉગ્ર બનતા નીલેશભાઈએ પાવડાનો હાથો અને મહેશભાઈએ લોખંડનો પાઈપ હાથમાં લીધો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, ભૂપેશભાઈના હાથમાં પાવડાના હાથાથી અને દીપકભાઈને ખભાના ભાગે લોખંડના પાઈપથી માર મારવામાં આવ્યો હતો.

ફરિયાદી તરફથી કરવામાં આવેલા આક્ષેપ મુજબ, ધવલભાઈએ રાજુભાઈ જમોડ સાથે મારામારી કરી હતી, જ્યારે ભાવીનભાઈએ પણ ઢીકાપાટુનો માર માર્યો હતો. સમગ્ર ઘટનામાં બંને પક્ષ વચ્ચે થયેલી બોલાચાલી બાદ મારામારીની સ્થિતિ સર્જાઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદી દીપકભાઈના જણાવ્યા પ્રમાણે, ત્યારબાદ બંને પક્ષ વચ્ચે સમાધાન અંગે વાતચીત ચાલી રહી હોવાથી તેમણે દવાખાને સારવાર લીધી ન હોવાનું પણ પોલીસ સમક્ષ જણાવાયું છે.

આ ફરિયાદના આધારે કેશોદ પોલીસે નીલેશભાઈ હરદાસભાઈ માલમ, ધવલ નીલેશભાઈ માલમ, મહેશ કેતનભાઈ માલમ અને ભાવીનભાઈ દેવાભાઈ આજકીયા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોના આધારે પોલીસે ચારેય આરોપીઓની અટકાયત કરી હોવાનું જણાવાયું છે. પોલીસે સમગ્ર મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે અને ઘટનાની પરિસ્થિતિ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે આ જ ઘટનાને લઈને અગાઉ નીલેશભાઈ માલમ દ્વારા પણ ચાર લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આમ, પ્રેમ પ્રકરણને લઈને થયેલી આ મારામારીના મામલે કેશોદ પોલીસમાં હવે સામસામે બે FIR નોંધાઈ છે. બંને પક્ષ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અને ફરિયાદમાં જણાવાયેલી વિગતોના આધારે પોલીસ તપાસ આગળ વધારી રહી છે. સમગ્ર મામલે કયા સંજોગોમાં વિવાદ થયો અને ઘટનાક્રમ કેવી રીતે બન્યો તેની તપાસ બાદ હકીકત વધુ સ્પષ્ટ થશે.

 

રિપોર્ટર શોભના બાલસ કેશોદ

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ