મારું શહેર નાગેશ્વર-મૂળવાસર રોડ પર ફાયરબ્રિગેડની ગાડી પલટી, ભેંસોના બચાવ દરમિયાન અકસ્માત.
દ્વારકા: જામનગરથી ઓખા તરફ જઈ રહેલી ઓખા નગરપાલિકાની ફાયરબ્રિગેડની ગાડી નાગેશ્વર-મૂળવાસર ગામના રોડ પર અકસ્માતગ્રસ્ત બની હતી. રસ્તા પર આવેલી ભેંસોના બચાવ દરમિયાન ફાયરબ્રિગેડની ગાડી રોડ પરથી નીચે ઉતરી પલટી ગઈ હતી.
ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પલટી ગયેલી ફાયરબ્રિગેડની ગાડીને બહાર કાઢવા માટે ફોર્કલિફ્ટ, ક્રેન અને હિટાચી મશીનની મદદ લેવામાં આવી હતી. ફાયરબ્રિગેડના સ્ટાફે પણ ભારે જહેમત ઉઠાવી ગાડીને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, ફાયરબ્રિગેડની ટીમ ભેંસોના બચાવ માટે કામગીરી કરી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઈજાની વિગતો હાલ સામે આવી નથી. ઘટનાને પગલે સ્થાનિક લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા.
લાંબા સમય સુધી ચાલેલી કામગીરી બાદ ભારે સાધનોની મદદથી પલટી ગયેલી ફાયરબ્રિગેડની ગાડીને રોડ પર લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે નાગેશ્વર-મૂળવાસર રોડ પર લોકોના ટોળા એકઠા થયા હતા.
તસવીર : મુનાભા માણેક. નાગેશ્વર