મારું શહેર રંગમતી નદીના નવા બ્રિજની કામગીરી ફરી શરૂ, કોન્ટ્રાક્ટરને કમિશનરની આખરી ચેતવણી
જામનગરમાં રંગમતી નદી પર નિર્માણ પામી રહેલા નવા બ્રિજનું કામ લાંબા સમયથી અટકી રહેતા આખરે મહાનગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. જુલાઈ મહિનાથી બંધ પડેલી કામગીરી ફરી શરૂ કરાવવા માટે કમિશનર દીપેશ કેડિયાએ કોન્ટ્રાક્ટર સામે કડક વલણ અપનાવ્યું છે. ત્રણ વખત નોટિસ આપ્યા બાદ રૂબરૂ સુનાવણી પણ કરવામાં આવી હતી. આ કાર્યવાહી અને ચેતવણી બાદ 21 નવેમ્બરથી બ્રિજની સાઇટ પર મજૂરો અને સાધનોની મદદથી કામગીરીનો પ્રારંભ થયો છે. જોકે, હાલમાં કામની ગતિ ધીમી હોવાથી સ્થાનિક લોકોમાં વહેલી તકે બ્રિજ તૈયાર થશે કે કેમ તે અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે. બીજી તરફ, બ્રિજનું કામ અટકવાને કારણે દરરોજ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરતા વાહનચાલકોને હજુ રાહત મળી નથી.
આ બ્રિજનો ઇતિહાસ પણ જૂનો છે. વર્ષ 1978માં બનાવવામાં આવેલો રંગમતી નદીનો જૂનો બ્રિજ સમય જતાં જર્જરિત બની ગયો હતો. વાહનવ્યવહારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જૂના બ્રિજને તોડી પાડીને તેના સ્થાને નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ માટે માર્ચ મહિનામાં રૂ.19.48 કરોડના ખર્ચની મંજૂરી આપવામાં આવી હતી. નવી સુવિધા ઊભી થવાની આશાએ શહેરીજનોમાં ખુશી જોવા મળી હતી, પરંતુ બાંધકામની ધીમી પ્રક્રિયાએ લોકોની મુશ્કેલી વધારી દીધી છે. ખાસ કરીને નદીના મધ્યભાગમાં બનાવવામાં આવનારા પિલરો માટે પાઇલિંગ અને કોંક્રિટનું કામ પૂર્ણ થયા બાદ જુલાઈ મહિનાથી સાઇટ પર કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નહોતી.
બ્રિજનું બાંધકામ અટકી જતાં વાહનવ્યવહાર માટે નદી પર બનાવવામાં આવેલા ડાયવર્ઝન અને સર્વિસ રોડનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. પરિણામે આ માર્ગ પરથી પસાર થતા વાહનોની સંખ્યામાં વધારો થતાં સવાર અને સાંજના પીક અવર્સમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. આસપાસની સોસાયટીઓના રહીશો તેમજ રોજિંદા કામકાજ માટે અવરજવર કરતા નાગરિકોને પણ લાંબો સમય ટ્રાફિકમાં અટવાવાની ફરજ પડે છે. ખાસ કરીને ઓફિસે જતા કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય વાહનચાલકો માટે આ માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. નવા બ્રિજનું કામ વહેલી તકે પૂર્ણ કરવાની માગણી સ્થાનિક સ્તરે સતત ઊઠી રહી છે.
આ મામલે મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયાએ કોન્ટ્રાક્ટર પેઢી પાસેથી કામગીરી બંધ રાખવા અંગે જવાબ માગ્યો હતો. આ માટે પેઢીને ત્રણ વખત શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યારબાદ 20 નવેમ્બરના રોજ કોન્ટ્રાક્ટરનું રૂબરૂ હિયરીંગ યોજવામાં આવ્યું હતું. કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, વિકાસકામોમાં બિનજરૂરી વિલંબ કે બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. નક્કી કરેલા સમયપત્રક પ્રમાણે કામ પૂર્ણ કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની છે. જો કામગીરીમાં ફરી ઢીલાશ દાખવવામાં આવશે તો પેઢીને બ્લેકલિસ્ટ કરવા સહિતના કડક પગલાં લેવામાં આવી શકે છે. શહેર ઈજનેર દ્વારા પણ ત્રણ નોટિસ આપવામાં આવી હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.
બીજી તરફ, જામનગરના ગાંધીનગર વિસ્તારના છેડે કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાના હેતુથી ઊભો કરવામાં આવેલો પ્લાન્ટ માર્ચ-2025થી બંધ હાલતમાં છે. આ મામલે પણ નોટિસો આપવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર પરિણામ સામે આવ્યું નથી. સરકારી જમીન પર આવેલો આ પ્લાન્ટ લાંબા સમયથી બંધ રહેતા મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઊઠી રહ્યા છે. એક તરફ કરોડોના ખર્ચે હાથ ધરાયેલા વિકાસપ્રોજેક્ટો અટવાઈ રહ્યા છે, તો બીજી તરફ કોન્ટ્રાક્ટરો સામે સમયસર દંડાત્મક કાર્યવાહી ન થતી હોવાની ચર્ચા છે. હવે રંગમતી બ્રિજની કામગીરી ફરી શરૂ થયા બાદ તે કેટલી ઝડપથી આગળ વધે છે અને વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી ક્યારે મુક્તિ મળે છે તેના પર સૌની નજર મંડાઈ છે.