જાહેરાત
તાજા સમાચાર
રાજકોટનું ભક્તિનગર રેલવે સ્ટેશન બન્યું આધુનિક સુવિધાઓથી સજ્જ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 75 પુનઃવિકસિત રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું. | ‘OMG 2’ના આઈડિયા પર પરેશ રાવલનો મોટો ખુલાસો: કહ્યું- અસલી વાર્તા મેં અને અમિત રાયે તૈયાર કરી હતી, ક્રેડિટ ન મળ્યાનું દુઃખ | ગિફ્ટ સિટીમાં HCL ટેકનું ગ્લોબલ ટેકનોલોજી સેન્ટર શરૂ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું લોકાર્પણ, ગુજરાતના યુવાનો માટે ખુલશે IT ક્ષેત્રની નવી તકો. | કેનેડાનો ભારતીયોને મોટો ઝટકો: હવે માતા-પિતા માટે PR સ્પોન્સરશિપ બંધ, માત્ર સુપર વિઝાનો જ વિકલ્પ | GPSCની નવી પહેલ ‘અવસર’: સ્પર્ધાત્મક પરીક્ષામાં અસફળ છતાં તેજસ્વી ઉમેદવારો માટે ખુલશે રોજગારીના નવા દ્વાર છેલ્લા પાંચ વર્ષમાં વર્ગ-1.... | પીવી સિંધુ જાપાન ઓપન સુપર-750ની સેમિફાઇનલમાં, ત્રણ વર્ષ બાદ ફરી મોટી સિદ્ધિ | 75 વર્ષ બાદ જમીન કાયદામાં ઐતિહાસિક ફેરફાર: ગુજરાત સરકારે ટુકડા ધારા-1947માં કર્યો મોટો સુધારો, રાજ્યભરમાં 10 ગુંઠાનો એકસમાન નિયમ લાગુ | ગુજરાત સાયબર ક્રાઈમનું ‘ઓપરેશન મ્યુલહન્ટ 2.0’ સફળ: 18 રાજ્યોમાં ફેલાયેલા સાયબર ફ્રોડ નેટવર્કના 3 મુખ્ય સૂત્રધારો ઝડપાયા, ₹2.86 કરોડથી વધુની છેતરપિંડીનો પર્દાફાશ. | રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ: 87 રેસ્ટોરન્ટ-પેઢીઓમાં ચેકિંગ, 59 કિલો અખાદ્ય ખોરાકનો નાશ, 2 એકમ સીલ, 10 નમૂના લેબમાં મોકલાયા. | ભાણવડમાં દેવભૂમિ દ્વારકા SOGનો મોટો દરોડો: પોલીસ સ્ટેશન નજીકથી ગાંજો, અંગ્રેજી દારૂ અને પ્રતિબંધિત ગોગો પેપર સાથે એક શખ્સ ઝડપાયો. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું ગુજરાત ૧૯ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું ગુજરાત GPSCની નવી પહેલ ‘અવસર’: સ્પર્ધાત્મક પરીક્ષામાં અસફળ છતાં તેજસ્વી ઉમેદવારો માટે ખુલશે રોજગારીના નવા દ્વાર છેલ્લા પાંચ વર્ષમાં વર્ગ-1....

GPSCની નવી પહેલ ‘અવસર’: સ્પર્ધાત્મક પરીક્ષામાં અસફળ છતાં તેજસ્વી ઉમેદવારો માટે ખુલશે રોજગારીના નવા દ્વાર છેલ્લા પાંચ વર્ષમાં વર્ગ-1....

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્યના તેજસ્વી અને મહેનતુ ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પહેલ શરૂ કરવામાં આવી છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં અંતિમ તબક્કા સુધી પહોંચ્યા બાદ પણ સફળતા મેળવી ન શકેલા ઉમેદવારોને હવે રોજગારીની નવી તકો મળી શકે તે માટે GPSC દ્વારા ‘અવસર’ મોડ્યૂલ વિકસાવવામાં આવ્યું છે. આ પહેલ દ્વારા GPSC ઉમેદવારો અને રોજગારીની તક વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવશે.

ગાંધીનગર ખાતે ગુજરાત જાહેર સેવા આયોગના સચિવ શ્રી સુધીર પટેલે આ મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ઘણી વખત GPSCની વર્ગ-1 અને વર્ગ-2ની ભરતી પ્રક્રિયામાં અનેક ઉમેદવારો પ્રિલિમ્સ અને મેઈન્સ પરીક્ષા પાસ કરીને ઈન્ટરવ્યૂ સુધી પહોંચે છે. આવા ઉમેદવારોમાં જ્ઞાન, ક્ષમતા અને પ્રતિભા હોવા છતાં અંતિમ પસંદગી મર્યાદિત બેઠકોના કારણે થઈ શકતી નથી. પરિણામે આવા તેજસ્વી ઉમેદવારોની પ્રતિભાનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને GPSC દ્વારા ‘અવસર’ મોડ્યૂલ શરૂ કરવામાં આવ્યું છે, જે આવા ઉમેદવારોને વૈકલ્પિક રોજગારીની ઉત્તમ તકો ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ બનશે.

GPSCના સચિવ શ્રી સુધીર પટેલે જણાવ્યું હતું કે, આ મોડ્યૂલનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્ય અને દેશના વિવિધ જાહેર સાહસો, સરકારી સંસ્થાઓ, સહકારી ક્ષેત્ર તેમજ પ્રતિષ્ઠિત ખાનગી સંસ્થાઓને લાયકાત ધરાવતા અને પ્રતિભાશાળી માનવ સંસાધન ઉપલબ્ધ કરાવવાનો છે. આ યોજના હેઠળ GPSC ભરતી પ્રક્રિયાના આખરી પરિણામોમાં અસફળ રહેલા તેમજ પ્રતીક્ષાયાદીમાં સમાવિષ્ટ થયેલા ઉમેદવારોની માહિતી તેમની પૂર્વ સંમતિ બાદ સંબંધિત સંસ્થાઓ સાથે શેર કરશે. આ રીતે આયોગ માત્ર મધ્યસ્થી તરીકે કાર્ય કરશે અને ઉમેદવારોને તેમની ક્ષમતા મુજબ રોજગારીની વૈકલ્પિક તકો પ્રાપ્ત કરવામાં મદદ કરશે.

18 હજારથી વધુ ઉમેદવારોને મળશે લાભ

GPSC દ્વારા જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં એટલે કે 1 જુલાઈ, 2026 પહેલાં પૂર્ણ થયેલી વર્ગ-1 અને વર્ગ-2ની 415થી વધુ ભરતી પ્રક્રિયાના અંતિમ પરિણામોમાં અસફળ રહેલા અથવા પ્રતીક્ષાયાદીમાં રહેલા 18 હજારથી વધુ ઉમેદવારો આ ‘અવસર’ મોડ્યૂલનો લાભ લઈ શકશે.

આ માટે ઉમેદવારોએ GPSC-OJAS પોર્ટલ પર જઈને પોતાની સંમતિ આપવાની રહેશે. ઉમેદવારની સંમતિ બાદ જ તેમની વિગતો જેમ કે નામ, મોબાઈલ નંબર, ઈ-મેલ આઈડી અને શૈક્ષણિક લાયકાત સંબંધિત સંસ્થાઓ સાથે શેર કરવામાં આવશે. સુરક્ષાના ભાગરૂપે સમગ્ર પ્રક્રિયામાં OTP આધારિત ચકાસણીની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કોઈ અન્ય વ્યક્તિ ઉમેદવારની જગ્યાએ ખોટી માહિતી આપી ન શકે.

GPSC દ્વારા વહીવટી, તબીબી, શૈક્ષણિક અને ટેકનિકલ કેડર મુજબ ઉમેદવારોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં યોજાનારી ભરતી પ્રક્રિયામાં પણ ઉમેદવારોને અરજી કરતી વખતે જ ‘અવસર’ માટે સંમતિ આપવાનો વિકલ્પ આપવામાં આવશે.

રોજગારી આપતી સંસ્થાઓને પણ મળશે ગુણવત્તાયુક્ત માનવબળ

GPSCના જણાવ્યા અનુસાર ‘અવસર’ મોડ્યૂલ માત્ર ઉમેદવારો માટે જ નહીં પરંતુ વિવિધ સંસ્થાઓ માટે પણ ઉપયોગી સાબિત થશે. સરકારી વિભાગો, જાહેર સાહસો (PSU), સહકારી સંસ્થાઓ અને માન્ય ખાનગી કંપનીઓને તેમની જરૂરિયાત મુજબ કુશળ અને પરીક્ષિત ઉમેદવારો ઉપલબ્ધ થશે.

સ્પર્ધાત્મક પરીક્ષાની કઠિન પ્રક્રિયામાંથી પસાર થયેલા ઉમેદવારોમાં વિશેષ જ્ઞાન, મહેનત કરવાની ક્ષમતા અને સ્પર્ધાત્મક વલણ હોય છે. આવા ઉમેદવારોને યોગ્ય પ્લેટફોર્મ મળવાથી તેઓ પોતાની કારકિર્દીમાં આગળ વધી શકશે, જ્યારે સંસ્થાઓને પણ લાયક અને પ્રતિભાશાળી કર્મચારીઓ મળી શકશે.

ડેટા પ્રાઈવસી અંગે GPSCની ખાસ વ્યવસ્થા

GPSCએ ઉમેદવારોની માહિતીની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરી છે. આયોગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઉમેદવારોનો ડેટા મેળવનાર કોઈપણ સંસ્થા તેનો ઉપયોગ માત્ર રોજગારી આપવાના હેતુ માટે જ કરી શકશે. આ માહિતી અન્ય કોઈ હેતુ માટે ઉપયોગમાં લઈ શકાશે નહીં તેમજ કોઈ ત્રીજા પક્ષ સાથે શેર કરી શકાશે નહીં.

ઉમેદવારોની વિગતો માત્ર આયોગ દ્વારા માન્ય અને પાત્ર સંસ્થાઓને નિયંત્રિત એક્સેસ મારફતે ઉપલબ્ધ કરાવવામાં આવશે. સંબંધિત સંસ્થા ઉમેદવારની માહિતી મેળવ્યા બાદ પોતાની ભરતી પ્રક્રિયા મુજબ ઉમેદવારની પસંદગી કરશે.

GPSCએ સ્પષ્ટ કર્યું છે કે ‘અવસર’ પ્લેટફોર્મ દ્વારા મળનારી નોકરીના વેતન, સેવા શરતો, નિયમો અથવા કોઈપણ કાનૂની વિવાદ માટે આયોગની સીધી જવાબદારી રહેશે નહીં. આયોગ માત્ર ઉમેદવાર અને સંસ્થા વચ્ચે એક સેતુ તરીકે કાર્ય કરશે.

ઉમેદવારો માટે સરળ પ્રક્રિયા

‘અવસર’નો લાભ લેવા ઇચ્છતા ઉમેદવારોએ GPSC-OJAS પોર્ટલ પર જઈને ઓનલાઈન સંમતિ આપવાની રહેશે. ઉમેદવારે પોતાની સંબંધિત જાહેરાતનો ક્રમાંક અને કન્ફર્મેશન નંબર દાખલ કરવાનો રહેશે. જો ઉમેદવાર કન્ફર્મેશન નંબર ભૂલી ગયા હોય તો તેને મેળવવાની વ્યવસ્થા પણ પોર્ટલ પર ઉપલબ્ધ કરવામાં આવી છે.

સંમતિ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ઉમેદવારના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી પર OTP મોકલવામાં આવશે. OTP દાખલ કર્યા બાદ જ ઉમેદવારની સંમતિ માન્ય ગણાશે.

GPSCની નવી પહેલથી યુવાનોમાં નવી આશા

ગુજરાતમાં દર વર્ષે હજારો યુવાનો સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપે છે. તેમાંના ઘણા ઉમેદવારો અંતિમ તબક્કા સુધી પહોંચે છે પરંતુ મર્યાદિત બેઠકોને કારણે પસંદગીથી વંચિત રહી જાય છે. આવા ઉમેદવારો માટે GPSCનું ‘અવસર’ મોડ્યૂલ નવી આશા લઈને આવ્યું છે.

આ પહેલ દ્વારા યુવાનોની મહેનત અને પ્રતિભાને યોગ્ય દિશા મળશે તેમજ સરકારી અને ખાનગી ક્ષેત્રને પણ કુશળ માનવબળ મળશે. GPSC દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલ રાજ્યમાં રોજગારીના નવા માર્ગો ખોલવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

GPSCએ તમામ લાયક ઉમેદવારોને આ યોજનાની વધુ માહિતી માટે આયોગની સત્તાવાર વેબસાઇટ અને GPSC-OJAS પોર્ટલ નિયમિત રીતે જોવાની અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ