મારું ગુજરાત ગુજરાત સરકારની ‘અટલ સુશાસન પુરસ્કાર’ યોજના અમલમાં.
ગુજરાતના વહીવટી તંત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અધિકારીઓને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે ‘અટલ સુશાસન પુરસ્કાર’ યોજના અમલમાં મૂકવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ યોજના ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬થી લાગુ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ નાગરિકલક્ષી વહીવટ, કાર્યક્ષમતા અને સુશાસન સાથે જોડાયેલી શ્રેષ્ઠ કામગીરીને ઓળખ આપવાનો છે. પસંદગી પામેલા અધિકારીઓને રોકડ પુરસ્કાર ઉપરાંત પ્રમાણપત્રથી પણ સન્માનિત કરવામાં આવશે.
સરકારી ઠરાવ મુજબ દર વર્ષે અધિકારીઓની કામગીરીનું મૂલ્યાંકન ૧ એપ્રિલથી ૩૧ માર્ચ સુધીના સમયગાળા દરમિયાન કરવામાં આવશે. આ યોજના ૨૫ ડિસેમ્બર, ૨૦૨૪થી શરૂ થયેલી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ૧૦૦મી જન્મજયંતિ વર્ષની ઉજવણી દરમિયાન સુશાસનને પ્રોત્સાહન આપવા હાથ ધરાયેલી પહેલોના અનુસંધાનમાં અમલમાં મૂકવામાં આવી છે. એટલે કે જિલ્લા અને તાલુકા સ્તરે લોકો સાથે સીધા સંપર્કમાં રહેતા અધિકારીઓની કામગીરીને વ્યવસ્થિત રીતે માપવા અને તેમની શ્રેષ્ઠ કામગીરીને સન્માનિત કરવા માટે એક સંસ્થાકીય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
‘અટલ સુશાસન પુરસ્કાર’ માટે પ્રજા સાથે સીધા જોડાયેલા કુલ સાત મહત્વના વિભાગોને આવરી લેવામાં આવ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાંથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, શિક્ષણ વિભાગમાંથી જિલ્લા શિક્ષણાધિકારી અથવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, માર્ગ અને મકાન વિભાગમાંથી કાર્યપાલક ઈજનેર તથા અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગમાંથી જિલ્લા પુરવઠા અધિકારીને વર્ગ-૧ના અધિકારી તરીકે આવરી લેવાયા છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના જિલ્લા રમતગમત અધિકારી, પંચાયત વિભાગના તાલુકા વિકાસ અધિકારી અને મહેસૂલ વિભાગના મામલતદારને પણ યોજના હેઠળ સ્થાન આપવામાં આવ્યું છે.
પુરસ્કારની રકમ અધિકારીઓના વર્ગ પ્રમાણે નક્કી કરવામાં આવી છે. વર્ગ-૧ના પસંદગી પામેલા અધિકારીને રૂ.૩૧,૦૦૦નું રોકડ પુરસ્કાર આપવામાં આવશે, જ્યારે વર્ગ-૨ના અધિકારીને રૂ.૨૧,૦૦૦નું રોકડ ઇનામ મળશે. આ સાથે દરેક વિજેતા અધિકારીને ‘Certificate of Excellence – Atal Good Governance Award’ પણ એનાયત કરવામાં આવશે. પ્રમાણપત્ર દ્વારા જાહેર સેવા પ્રત્યેની નિષ્ઠા, નાગરિકકેન્દ્રિત વહીવટ અને સુશાસન માટેના યોગદાનને સત્તાવાર માન્યતા આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
અધિકારીઓની પસંદગી માત્ર સામાન્ય કામગીરીના આધારે નહીં, પરંતુ સંબંધિત વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલા મૂલ્યાંકન માપદંડોના આધારે કરવામાં આવશે. પ્રથમ પાંચ અધિકારી સંવર્ગ માટે સંબંધિત વિભાગના સચિવની અધ્યક્ષતામાં મૂલ્યાંકન સમિતિની રચના કરવાની જોગવાઈ છે. તેમાં સંબંધિત ખાતાના વડા તેમજ મહેકમના અધિક સચિવ, સંયુક્ત સચિવ અથવા નાયબ સચિવનો સમાવેશ કરવામાં આવશે. જ્યારે તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારની કામગીરી માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં અલગ સમિતિ રહેશે, જેમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક અને નિવાસી નાયબ કલેક્ટરનો સમાવેશ થશે.
નિર્ધારિત માપદંડો અનુસાર મૂલ્યાંકન પૂર્ણ થયા બાદ શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓને પ્રથમથી ત્રીજા ક્રમ સુધી સ્થાન આપવામાં આવશે. સંબંધિત વિભાગોએ દર વર્ષે ૩૦ નવેમ્બર સુધીમાં મૂલ્યાંકન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ત્યારબાદ વિજેતા અધિકારીઓના નામ, પ્રમાણપત્ર અને પુરસ્કારના ચેક સહિતની વિગતો ૧૦ ડિસેમ્બર પહેલાં સામાન્ય વહીવટ વિભાગની સંબંધિત શાખાને મોકલવાની રહેશે. આ સમયમર્યાદા દ્વારા પુરસ્કાર પ્રક્રિયાને સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ યોજનાનો અંતિમ મહત્વનો તબક્કો ૨૫ ડિસેમ્બરના ‘સુશાસન દિવસ’ના કાર્યક્રમ સાથે જોડવામાં આવ્યો છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિના દિવસે યોજાતા કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓને પુરસ્કાર અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવશે. પુરસ્કારનો ખર્ચ સંબંધિત વિભાગના બજેટમાં ‘૦૫૦૦ - Awards’ હેઠળ મંજૂર ગ્રાન્ટમાંથી કરવાનો રહેશે. આમ, ‘અટલ સુશાસન પુરસ્કાર’ યોજના દ્વારા આરોગ્ય, શિક્ષણ, માળખાકીય વિકાસ, પુરવઠો, રમતગમત, પંચાયત અને મહેસૂલ જેવા ક્ષેત્રોમાં કામગીરી કરનારા અધિકારીઓને વાર્ષિક મૂલ્યાંકન અને સત્તાવાર સન્માન સાથે જોડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.