જાહેરાત
તાજા સમાચાર
આઈ.ટી.આઈ. જામનગર ખાતે ‘નશા મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ તાલીમાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ, વ્યસનમુક્તિના શપથ સાથે કાર્યક્રમનું સમાપન. | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વસઈ ગ્રામ પંચાયતમાં વિશેષ કાર્યક્રમ ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અંતર્ગત દીકરી વધામણા કીટનું વિતરણ. | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વાત્સલ્ય ધામ વૃદ્ધાશ્રમમાં સ્નેહમિલન વડાપ્રધાન મોદીના જન્મદિને વડીલોને સોમનાથ મંદિરની પવિત્ર વસ્ત્ર પ્રસાદી અર્પણ. | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જામનગરમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ ‘બેટી બચાવો, બેટી પઢાવો’ના સંદેશ સાથે દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે દિવ્ય સંકલ્પ. | વડાપ્રધાન મોદીના જન્મદિવસે ગુજરાતની 71,894 દીકરીઓનું HPV રસીકરણ 16 સપ્ટેમ્બર સુધીમાં 6.25 લાખથી વધુ કિશોરીઓને કેન્સર સામે સુરક્ષાકવચ. | સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ગુજરાતની હરણફાળ યથાવત. | માધવપુરમાં સ્વચ્છતા અભિયાન. | જામનગરમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ યોજાયો. | જોડિયા તાલુકાના ખેડૂતોની પાણી માટે રજૂઆત. | ગણેશોત્સવ વચ્ચે રણબીર કપૂરનો જૂનો વીડિયો વાયરલ, પ્રસાદ ન લેતા સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ |
પાછા મુખ્ય સમાચાર પર
મારું ગુજરાત ૧૬ વાર જોવાયેલ 55 મિનિટ પેહલા

મારું ગુજરાત સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ગુજરાતની હરણફાળ યથાવત.

સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ગુજરાતની હરણફાળ યથાવત.

ગુજરાતના સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે યોજાયેલા ‘સેમિકોન ઇન્ડિયા 2026’ કાર્યક્રમ દરમિયાન 17 સપ્ટેમ્બર 2026ના રોજ વર્ચ્યુઅલ માધ્યમથી સુરત જિલ્લાના પલસાણા ખાતે આવેલા સૂચિ સેમિકોનના અત્યાધુનિક સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ એટલે કે OSAT પ્લાન્ટમાં કોમર્શિયલ ઉત્પાદનનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્લાન્ટ કાર્યરત થતાં ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉત્પાદન અને સપ્લાય ચેઇન ક્ષેત્રે વિશ્વસનીય કેન્દ્ર બનાવવાના પ્રયાસોને વધુ મજબૂતી મળશે.

સૂચિ સેમિકોનનો આ પ્લાન્ટ ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને નવી ગતિ આપનાર પ્રોજેક્ટ તરીકે જોવામાં આવી રહ્યો છે. સેમિકન્ડક્ટર ચિપ્સ આજના આધુનિક યુગમાં મોબાઇલ, વાહનો, કમ્પ્યુટર, ઉદ્યોગો, વીજ ઉપકરણો અને વિવિધ ડિજિટલ સિસ્ટમ્સ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં ભારતમાં ચિપ્સનું એસેમ્બલી, પેકેજિંગ અને ટેસ્ટિંગ થવાથી દેશની આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં તથા સ્થાનિક ઉત્પાદન ક્ષમતા વધારવામાં મદદ મળી શકે છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વિકસાવવા માટે થઈ રહેલા પ્રયાસોમાં આ પ્રોજેક્ટને મહત્વનું સ્થાન મળ્યું છે.

સૂચિ સેમિકોનના આ પ્રોજેક્ટને મે 2026માં કેન્દ્રીય કેબિનેટ દ્વારા ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત મંજૂરી આપવામાં આવી હતી. અંદાજે રૂ.868 કરોડના રોકાણ સાથે વિકસાવવામાં આવેલા આ યુનિટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 1,033.20 મિલિયન એટલે કે આશરે 103.32 કરોડ સેમિકન્ડક્ટર ચિપ્સની છે. આ ક્ષમતા ભારતના વધતા ઇલેક્ટ્રોનિક્સ અને ટેક્નોલોજી ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ ગણાય છે. પ્લાન્ટમાં મોટી સંખ્યામાં ચિપ્સનું એસેમ્બલી, અદ્યતન પેકેજિંગ અને ગુણવત્તા પરીક્ષણ કરવામાં આવશે.

આ અત્યાધુનિક સુવિધામાં SOIC, QFN તથા એડવાન્સ્ડ IC પેકેજિંગ જેવી ટેક્નોલોજીકલ ક્ષમતાઓ વિકસાવવામાં આવી છે. આ પ્રકારની પેકેજિંગ ટેક્નોલોજી ચિપ્સને સુરક્ષિત રીતે તૈયાર કરવા, તેમની કાર્યક્ષમતા જાળવવા અને વિવિધ ઉપકરણોમાં ઉપયોગ માટે યોગ્ય બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અહીં તૈયાર થનારી ચિપ્સનો ઉપયોગ પાવર ઇલેક્ટ્રોનિક્સ, એનાલોગ ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ, ઓટોમોટિવ અને ઇલેક્ટ્રિક વાહનો, ઔદ્યોગિક ઓટોમેશન, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ તેમજ ઊર્જા અને વીજ વ્યવસ્થાપન સાથે જોડાયેલા ઉપકરણોમાં થવાનો છે.

પ્લાન્ટમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ક્લીનરૂમ પણ કાર્યરત કરવામાં આવ્યા છે, જે સેમિકન્ડક્ટર ઉત્પાદન પ્રક્રિયામાં અત્યંત મહત્વપૂર્ણ છે. કંપનીએ ભારતમાંથી પ્રથમ કન્ઝ્યુમર શિપમેન્ટ વિદેશમાં મોકલ્યાની માહિતી પણ આપી છે. વૈશ્વિક ગુણવત્તાના ધોરણો અને અદ્યતન ટેક્નોલોજી અપનાવવા માટે સૂચિ સેમિકોને જાપાનની અગ્રણી સેમિકન્ડક્ટર કંપની ROHM સાથે ટેક્નોલોજી સહયોગ કર્યો છે. આ સહયોગથી ઉત્પાદનની ગુણવત્તા, વિશ્વસનીયતા અને આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધાત્મકતા વધારવાનો માર્ગ ખુલશે.

સુરતના પલસાણા ખાતેનો આ પ્લાન્ટ ગુજરાતમાં ઝડપથી વિકસતી સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે. ધોલેરા ખાતે ટાટા–PSMC સેમિકન્ડક્ટર ફેબ, સાણંદમાં માઈક્રોન, સીજી સેમિ અને કેઈન્સ સેમિકોન જેવા પ્રોજેક્ટ્સ બાદ હવે સુરત પણ સેમિકન્ડક્ટર ક્ષેત્રે પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ સમગ્ર ઇકોસિસ્ટમથી ટેક્નોલોજી આધારિત રોજગારી, કુશળ માનવબળનું નિર્માણ, સ્થાનિક સપ્લાય ચેઇન અને શૈક્ષણિક સંસ્થાઓ સાથેના સહયોગને પ્રોત્સાહન મળવાની શક્યતા છે.

સૂચિ સેમિકોને આ પ્રોજેક્ટને સાકાર કરવામાં સહયોગ બદલ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. કંપનીએ ગુજરાતમાં ટેક્નોલોજી, કૌશલ્ય વિકાસ, સ્થાનિક સપ્લાય ચેઇન અને શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી મજબૂત સેમિકન્ડક્ટર પેકેજિંગ તથા ટેસ્ટિંગ ઇકોસિસ્ટમ વિકસાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. સુરતમાં કોમર્શિયલ ઉત્પાદનનો પ્રારંભ ગુજરાત માટે ઔદ્યોગિક વિકાસની સાથે ટેક્નોલોજીકલ આત્મનિર્ભરતાની દિશામાં પણ મહત્વપૂર્ણ પગલું છે. હવે આ પ્લાન્ટના ઉત્પાદન અને નિકાસથી ભારતના સેમિકન્ડક્ટર ક્ષેત્રને વૈશ્વિક સ્તરે વધુ ઓળખ મળવાની અપેક્ષા છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ