મારું શહેર જેતપુર સિવિલ હોસ્પિટલનું ટ્રોમા સેન્ટર બન્યું નરકાગાર! 8 દિવસથી ગટરના ગંદા પાણી વચ્ચે સારવાર લેવા મજબૂર દર્દીઓ, તંત્ર સામે ઉગ્ર રોષ.
રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે આવેલી સરકારી સિવિલ હોસ્પિટલમાં તંત્રની ગંભીર બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં દર્દીઓ સ્વસ્થ થવાની આશા લઈને આવે છે, તે જ હોસ્પિટલનું ટ્રોમા સેન્ટર છેલ્લા આઠ દિવસથી ગટર અને શૌચાલયના ગંદા પાણીથી તરબતર બની ગયું છે. હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ, ડોક્ટર્સ રૂમ અને નર્સિંગ સ્ટાફના રૂમમાં ગંદુ પાણી ભરાઈ જતાં દર્દીઓ, તેમના સ્વજનો તેમજ હોસ્પિટલ સ્ટાફ ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ ટ્રોમા સેન્ટરની પાછળ આવેલા શૌચાલય અને હાથ ધોવાની વ્યવસ્થાના ડ્રેનેજમાં ગંભીર બ્લોકેજ સર્જાતા ગટરનું દૂષિત પાણી પાછું ફરીને હોસ્પિટલના મુખ્ય વિભાગોમાં ઘૂસી ગયું છે. પરિણામે તાત્કાલિક સારવાર માટે આવતા ગંભીર દર્દીઓ, અકસ્માતગ્રસ્તો અને ઝેરી જનાવર કરડવાના કેસોમાં આવેલા દર્દીઓને ગંદા પાણી વચ્ચેથી પસાર થઈ સારવાર મેળવવી પડી રહી છે.

ટ્રોમા સેન્ટર જેવા અત્યંત સંવેદનશીલ વિભાગમાં ગંદકી અને અસહ્ય દુર્ગંધ ફેલાતા દર્દીઓ માટે સારવાર લેવી મુશ્કેલ બની ગઈ છે. ઇમરજન્સી વોર્ડમાં દાખલ દર્દીઓ અને તેમના પરિવારજનોને ચેપજન્ય રોગો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે. હોસ્પિટલના ઓબ્ઝર્વેશન વોર્ડમાં પણ દુર્ગંધના કારણે દર્દીઓને આરામ કરવો મુશ્કેલ બન્યો છે.
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક દર્દીના સ્વજન ત્રિકભાઈ રાઠોડે તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, "મારા પરિવારના સભ્યને ઝેરી જનાવર કરડતાં અહીં દાખલ કરવામાં આવ્યા છે. પરંતુ છેલ્લા ઘણા દિવસોથી ઇમરજન્સી વોર્ડમાં ગટરનું પાણી ભરાયેલું છે. ગંભીર હાલતમાં આવતા દર્દીઓ અથવા તેમના સ્વજનો ગંદા પાણીમાં લપસી પડે તો તેની જવાબદારી કોણ લેશે? આઠ દિવસથી સ્થિતિ યથાવત છે છતાં કોઈ કાર્યવાહી થતી નથી."

આ સમગ્ર મામલે હોસ્પિટલના ઇન્ચાર્જ આર.એમ.ઓ. ડો. આકાશ ગેડીયાએ પણ પરિસ્થિતિની ગંભીરતા સ્વીકારી છે. તેમણે જણાવ્યું કે શૌચાલય અને ડ્રેનેજ લાઇનમાં બ્લોકેજ સર્જાતા ગંદુ પાણી ઇમરજન્સી વિભાગ, ડોક્ટર્સ રૂમ અને નર્સિંગ સ્ટાફ રૂમ સુધી પહોંચી ગયું છે. આ અંગે સંબંધિત PIU વિભાગને અનેક વખત ટેલિફોનિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.
હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફ માટે પણ આ સ્થિતિ જોખમી બની છે. ઇમરજન્સી સેવાઓ દરમિયાન સતત દોડધામ રહેતી હોવાથી ગંદા પાણીમાં લપસી જવાથી કોઈ મોટો અકસ્માત સર્જાય તેવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આરોગ્ય સેવાઓ આપતી સંસ્થામાં જ આવી ગંદકી હોવાને કારણે દર્દીઓમાં તંત્ર પ્રત્યે નારાજગી વધી રહી છે.

સ્થાનિક લોકો અને દર્દીઓના પરિવારોનું કહેવું છે કે હોસ્પિટલ જેવી જાહેર અને સંવેદનશીલ જગ્યાએ ગટરનું પાણી ભરાઈ રહેવું અત્યંત શરમજનક બાબત છે. જો સમયસર સફાઈ અને પાણીના નિકાલની કામગીરી નહીં થાય તો ચેપજન્ય રોગચાળો ફેલાવાનો પણ ખતરો ઊભો થઈ શકે છે.
હાલમાં હોસ્પિટલ પ્રશાસન અને જવાબદાર વિભાગ વચ્ચે પત્રવ્યવહાર ચાલી રહ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે, પરંતુ આઠ દિવસ વીતી ગયા છતાં સ્થિતિમાં કોઈ સુધારો ન આવતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હવે લોકોની માંગ છે કે ગંદા પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે, જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે અને દર્દીઓને સ્વચ્છ તથા સુરક્ષિત આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવામાં આવે.