મારું શહેર જુનાગઢમાં SMCનો મોટો જુગાર દરોડો: સામરડામાં 10 જુગારીઓ ઝડપાયા, 25 વોન્ટેડ.
જુનાગઢ જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે SMC દ્વારા જુગારના અડ્ડા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. માંગરોળ તાલુકાના સામરડા ગામમાં રામાપીર મંદિર નજીક ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે SMCની ટીમે દરોડો પાડ્યો હતો. તા. 23 સપ્ટેમ્બર 2026ના રોજ શીલ પોલીસ સ્ટેશનની હદમાં કરવામાં આવેલી આ કાર્યવાહીમાં ઘટનાસ્થળેથી 10 જેટલા શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે દરોડા દરમિયાન સ્થળ પરથી નાસી છૂટેલા અન્ય 25 લોકોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા રૂ. 8 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવતા જુગાર રમતા શખ્સોમાં ફફડાટ ફેલાયો હતો.
મળતી માહિતી મુજબ, સામરડા ગામમાં રામાપીર મંદિર નજીક ખુલ્લા મેદાનમાં મોટા પાયે જુગાર રમાતો હોવાની માહિતી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી. આ બાતમીના આધારે PSI જે.એચ. સિસોદીયાની આગેવાની હેઠળ SMCની ટીમે સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ ટીમે સ્થળને કોર્ડન કરી જુગાર રમતા શખ્સોને ઝડપી પાડવાની કાર્યવાહી કરી હતી. પોલીસની અચાનક એન્ટ્રી થતાં જુગાર રમતા કેટલાક લોકોમાં નાસભાગ મચી હતી અને કેટલાક શખ્સો પોતાની બાઈક તથા અન્ય વાહનો સ્થળ પર જ છોડીને ભાગી છૂટ્યા હતા. જોકે, SMCની ટીમે સ્થળ પરથી 10 આરોપીઓને ઝડપી લીધા હતા અને બાકીના શખ્સોની ઓળખ માટે વાહનો તથા અન્ય પુરાવાના આધારે તપાસ શરૂ કરી હતી.
દરોડાની કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ રૂ. 8,37,100નો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું સામે આવ્યું છે. તેમાં રોકડ રકમ રૂ. 1,47,100નો સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્થળ પરથી કુલ 19 મોટરસાયકલ મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂ. 6,05,000 હોવાનું જણાવાયું છે. સાથે જ પોલીસે 10 મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે, જેની કુલ કિંમત આશરે રૂ. 85,000 હોવાનું સામે આવ્યું છે. આમ, રોકડ રકમ, વાહનો અને મોબાઈલ ફોન સહિત પોલીસે કુલ રૂ. 8.37 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મુદ્દામાલ હવે કેસની તપાસમાં મહત્વના પુરાવા તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે.
પકડાયેલા 10 આરોપીઓમાં સામરડા અને મેખડી ગામના સ્થાનિક શખ્સો ઉપરાંત પોરબંદર, માધવપુર અને કેશોદના દિપાલીનગર વિસ્તારના લોકોનો પણ સમાવેશ થાય છે. પોલીસે ઝડપી લીધેલા આરોપીઓની ઓળખ અને તેમની ભૂમિકા અંગે વધુ તપાસ હાથ ધરી છે. તેમાં કેશોદના રહેવાસી જયેન્દ્ર લખમણભાઈ જોરાનો પણ સમાવેશ થાય છે. પોલીસ દ્વારા તમામ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે કે તેઓ આ જુગારના સ્થળે કેવી રીતે પહોંચ્યા હતા અને સમગ્ર પ્રવૃત્તિ સાથે તેમનો શું સંબંધ હતો. સાથે જ આ સ્થળે અગાઉ પણ જુગારની પ્રવૃત્તિ ચાલતી હતી કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ કેસમાં પોલીસે કુલ 25 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસ તપાસમાં મુખ્ય આરોપી તરીકે સામરડા ગામના કરણ સોમાભાઈ વાસણનું નામ સામે આવ્યું છે. તેની સાથે તેના ભાગીદારો તરીકે ભરત ગારેજા અને દિલીપ ભુતિયાનાં નામ પણ સામે આવ્યા છે. દરોડા દરમિયાન કેટલાક શખ્સો પોલીસને જોઈને પોતાની બાઈક, એક્ટિવા અને ઈલેક્ટ્રિક સ્કૂટર સ્થળ પર છોડીને ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી મળી આવેલા વાહનોના નંબરના આધારે તેમના માલિકો અને સંભવિત સંડોવાયેલા શખ્સોની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. આ ઉપરાંત બે મોબાઈલ ફોનના IMEI નંબરના આધારે પણ તેના માલિકો સુધી પહોંચવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસે આ સમગ્ર મામલે જુગાર પ્રતિબંધક ધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. SMCની ટીમ દ્વારા દરોડા દરમિયાન કબજે કરાયેલા વાહનો, રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિતના મુદ્દામાલની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન જુગારના આયોજન, સ્થળની પસંદગી અને અન્ય સંભવિત સંડોવાયેલા લોકો અંગે વધુ માહિતી સામે આવે તેવી શક્યતા છે. ખાસ કરીને ફરાર થયેલા 25 વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા માટે સ્થાનિક પોલીસની મદદથી તપાસ આગળ વધારવામાં આવી રહી છે. આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિ ચલાવતા તત્વોમાં ચકચાર મચી છે.
હાલમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જપ્ત કરવામાં આવેલો સમગ્ર મુદ્દામાલ તેમજ ઝડપાયેલા 10 આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે શીલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. હવે શીલ પોલીસ દ્વારા કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ તપાસમાં ફરાર આરોપીઓની ભૂમિકા, જુગારધામનું સંચાલન કોણ કરતું હતું અને આ પ્રવૃત્તિ સાથે અન્ય કોઈ લોકો સંકળાયેલા હતા કે કેમ તે અંગેની વિગતો બહાર આવી શકે છે. સામરડા ગામમાં રામાપીર મંદિર નજીક થયેલી આ કાર્યવાહી SMCની જુગાર વિરોધી કામગીરીનો વધુ એક દાખલો બની છે. હાલ પોલીસની નજર વોન્ટેડ જાહેર કરાયેલા 25 શખ્સોને ઝડપી લેવા અને સમગ્ર નેટવર્ક અંગે વધુ વિગતો મેળવવા પર છે.
રિપોર્ટર શોભના બાલસ કેશોદ