અકસ્માત ધ્રોલ-વાગુદળ રોડ પર અગરબત્તીના કારખાનામાં ભીષણ આગ, લાખોનો માલ બળીને ખાખ
ધ્રોલ-વાગુદળ રોડ પર આવેલા ‘શિવ અગરબત્તી’ કારખાનામાં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. કારખાનામાં આગ લાગતાં અગરબત્તીનો તૈયાર જથ્થો તેમજ મોટી માત્રામાં કાચો માલ આગની ઝપેટમાં આવી ગયો હતો અને બળીને ખાખ થઈ ગયો હતો.
કારખાનામાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા આસપાસના લોકોમાં પણ ચિંતા ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં ધ્રોલ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
કારખાનામાં અગરબત્તી અને તેનો કાચો માલ મોટી માત્રામાં હોવાથી આગ પર કાબૂ મેળવવામાં ફાયર ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. લાંબી કામગીરી બાદ ફાયર ટીમે આગને કાબૂમાં લીધી હતી અને આગ વધુ વિસ્તારમાં ફેલાય તે પહેલાં સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું.
આગની ઘટનામાં કારખાનામાં રહેલો અગરબત્તીનો જથ્થો અને કાચો માલ બળીને ખાખ થઈ જતાં મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જોકે, આગ કયા કારણોસર લાગી તે અંગેની ચોક્કસ માહિતી સામે આવી નથી. આગનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર ટીમની સમયસર કામગીરીના કારણે આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. બનાવને પગલે ધ્રોલ-વાગુદળ રોડ વિસ્તારમાં થોડા સમય માટે ચિંતા અને દોડધામનો માહોલ સર્જાયો હતો.