રાજકારણ એસ.ટી. બસમાં મુસાફરી કરીને કેશરગંજ પહોંચેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આપ્યો સાદગી.
‘એક પેડ માઁ કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ, ગામના ચોકમાં સ્વચ્છતા અભિયાનમાં જોડાયા, અનુસૂચિત જાતિ પરિવારના ઘરે લીધું સાદું રાત્રિભોજન
સાબરકાંઠા, તા. ૨ જૂન:
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સાબરકાંઠા જિલ્લાના કેશરગંજ ગામની બે દિવસીય મુલાકાત દરમિયાન સાદગી, સ્વચ્છતા અને પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો અનોખો સંદેશ આપ્યો હતો. પરંપરાગત સરકારી પ્રોટોકોલથી અલગ રહીને તેમણે સામાન્ય મુસાફરની જેમ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.)ની બસમાં મુસાફરી કરીને ગામમાં આગમન કર્યું હતું, જે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યું છે.
રાજ્યપાલશ્રીએ ગાંધીનગરથી કેશરગંજ સુધીની મુસાફરી એસ.ટી. બસ મારફતે કરી હતી. આકરી ગરમી વચ્ચે કોઈ મોટા કાફલા કે વિશેષ સુવિધા વિના સામાન્ય નાગરિકોની જેમ કરાયેલી તેમની મુસાફરીએ સાદગીપૂર્ણ જાહેર જીવનનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બસ મુસાફરી દરમિયાન તેમણે સહ-મુસાફરો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો અને તેમની સમસ્યાઓ તેમજ જીવનશૈલી વિશે માહિતી મેળવી હતી.
કેશરગંજ ગામે પહોંચ્યા બાદ રાજ્યપાલશ્રી સીધા ગામના મુખ્ય ચોકમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્વચ્છતા અભિયાનમાં સક્રિય ભાગ લીધો હતો. તેમણે ગ્રામજનો સાથે મળીને સફાઈ કામગીરી હાથ ધરી અને સ્વચ્છતા અંગે જનજાગૃતિનો સંદેશ આપ્યો હતો.

ગ્રામજનોને સંબોધતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં સ્વચ્છતા અભિયાન જનઆંદોલન બની રહ્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે સ્વચ્છતા માત્ર સરકારી જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. જ્યારે દરેક વ્યક્તિ પોતાના ઘરની સાથે પોતાના ગામ અને આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવાનો સંકલ્પ કરશે ત્યારે જ સ્વચ્છ ભારતનું સ્વપ્ન સાકાર થશે.
મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપતા ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત કેશરગંજની ગૌચર જમીનમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે વૃક્ષોના મહત્વ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે વધતું પ્રદૂષણ અને આબોહવા પરિવર્તન માનવજાત માટે ગંભીર પડકાર છે. વૃક્ષો માત્ર ઓક્સિજન પૂરાં પાડતા નથી, પરંતુ પર્યાવરણનું સંતુલન જાળવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિ અને પ્રેરણાથી ગામના આશરે ૨૦૦ જેટલા ગ્રામજનો પણ વૃક્ષારોપણ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ગ્રામજનો દ્વારા વિવિધ જાતના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

મુલાકાતનો સૌથી સ્પર્શક અને માનવીય પાસો ત્યારે જોવા મળ્યો જ્યારે રાજ્યપાલશ્રીએ રાત્રિભોજન માટે કોઈ સરકારી ગેસ્ટહાઉસ કે વિશેષ વ્યવસ્થા પસંદ કરવાની જગ્યાએ ગામના અનુસૂચિત જાતિ પરિવારના પ્રગતિશીલ ખેડૂત લવજીભાઈ લખાભાઈ વણકરના ઘરે જવાનું પસંદ કર્યું હતું.
પરિવાર દ્વારા રાજ્યપાલશ્રીને અત્યંત સાદું પરંતુ પ્રેમભર્યું ભોજન પીરસવામાં આવ્યું હતું. જેમાં દુધીનું શાક, દાળ, રોટલી, સલાડ અને શીરાનો સમાવેશ થતો હતો. રાજ્યપાલશ્રીએ પરિવારજનો સાથે જમીન પર બેસીને ભોજન લીધું હતું અને તેમની સાથે આત્મીય વાતચીત કરી હતી.
ભોજન દરમિયાન તેમણે પરિવારના બાળકો સાથે ખાસ સંવાદ કર્યો હતો અને તેમને શિક્ષણના મહત્વ વિશે સમજાવ્યું હતું. રાજ્યપાલશ્રીએ બાળકોને મહેનતપૂર્વક અભ્યાસ કરીને જીવનમાં આગળ વધવા અને સમાજ માટે ઉપયોગી નાગરિક બનવાની પ્રેરણા આપી હતી. પરિવારજનો સાથેનો તેમનો સરળ અને નિખાલસ વ્યવહાર સૌના હૃદયને સ્પર્શી ગયો હતો.
રાજ્યપાલશ્રીની આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, ધારાસભ્ય રમણભાઈ વોરા, લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી એચ. પી. પટેલ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની આ મુલાકાત માત્ર ઔપચારિક સરકારી કાર્યક્રમ પૂરતી મર્યાદિત રહી નહોતી, પરંતુ તેમાં સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ, સામાજિક સમરસતા અને સાદગીભર્યા જીવનના મૂલ્યોનો જીવંત સંદેશ સમાયેલો હતો. એસ.ટી. બસમાં મુસાફરીથી લઈને સામાન્ય ખેડૂતના ઘરે ભોજન સુધીના તેમના દરેક પગલાંએ ગ્રામજનો અને જનસામાન્યમાં સકારાત્મક સંદેશ પ્રસરાવ્યો હતો.