ઈન્ડિયા હવે ગુજરાતના શહેરો બનશે વધુ સ્માર્ટ, સુંદર અને સુરક્ષિત.
“ગુજરાત વાયર ફ્રી સિટી મિશન”ને કેબિનેટની મંજૂરી, વર્ષ 2030 સુધી તમામ શહેરી વિસ્તારોમાં વીજ લાઈનો થશે અંડરગ્રાઉન્ડ
ગાંધીનગર: ગુજરાતના શહેરી વિકાસના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં “ગુજરાત વાયર ફ્રી સિટી મિશન”ને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ગ્રીન અને સ્માર્ટ સિટી’ના વિઝનને સાકાર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવનાર આ મહત્ત્વાકાંક્ષી મિશન હેઠળ વર્ષ 2030 સુધીમાં ગુજરાતના તમામ શહેરી વિસ્તારોને તબક્કાવાર વાયર ફ્રી બનાવવામાં આવશે.
કેબિનેટના આ ઐતિહાસિક નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આ મિશનના પ્રારંભિક તબક્કા માટે રૂ. 500 કરોડની જોગવાઈને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ માત્ર વીજ વિતરણ વ્યવસ્થામાં પરિવર્તન લાવવાનો પ્રયાસ નથી, પરંતુ ગુજરાતના શહેરોને વધુ સુરક્ષિત, આધુનિક અને વિશ્વસ્તરીય બનાવવા તરફનું એક મોટું પગલું છે.
17 મહાનગરપાલિકા અને 151 નગરપાલિકાઓને મળશે લાભ
“ગુજરાત વાયર ફ્રી સિટી મિશન” હેઠળ રાજ્યની તમામ 17 મહાનગરપાલિકાઓ તેમજ 151 નગરપાલિકા વિસ્તારોને આવરી લેવામાં આવશે. હાલમાં શહેરોમાં જોવા મળતા વીજતારના જાળાને દૂર કરીને સમગ્ર વીજ વિતરણ વ્યવસ્થાને ભૂમિગત કેબલ નેટવર્કમાં રૂપાંતરિત કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ શહેરોની સુંદરતામાં નોંધપાત્ર વધારો થશે. રસ્તાઓ ઉપર વીજ તારના જાળાથી મુક્તિ મળશે અને શહેરો વધુ વ્યવસ્થિત તેમજ આધુનિક દેખાશે.
46 હજાર કિલોમીટરથી વધુ વીજ નેટવર્ક થશે ભૂમિગત
મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ મિશન અંતર્ગત રાજ્યમાં હાલ કાર્યરત 14,600 સર્કિટ કિલોમીટરથી વધુ હાઈ ટેન્શન (HT) ઓવરહેડ વીજ નેટવર્ક અને 31,400 સર્કિટ કિલોમીટરથી વધુ લો ટેન્શન (LT) ઓવરહેડ વીજ નેટવર્કને તબક્કાવાર અંડરગ્રાઉન્ડ કેબલિંગમાં રૂપાંતરિત કરવામાં આવશે.
પ્રથમ તબક્કામાં 11 કે.વી. ઓવરહેડ લાઈનોને ભૂમિગત કરવામાં આવશે. ત્યારબાદ નીચા દબાણની (LT) વીજ લાઈનોને પણ અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્ક સાથે જોડવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ રાજ્યના શહેરી વિસ્તારોમાં વીજ પુરવઠાની વ્યવસ્થા વધુ મજબૂત અને વિશ્વસનીય બનશે.
કુદરતી આફતો સામે વધશે સુરક્ષા
ગુજરાત દરિયાકાંઠાનો રાજ્ય હોવાથી વાવાઝોડા અને ભારે પવન જેવી કુદરતી આફતોનો સામનો કરવો પડે છે. આવી પરિસ્થિતિઓમાં ઓવરહેડ વીજ લાઈનોને ભારે નુકસાન થતું હોય છે, જેના કારણે વીજ પુરવઠો ખોરવાય છે અને અકસ્માતો સર્જાવાનો ભય રહે છે.
અંડરગ્રાઉન્ડ કેબલિંગ વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ વાવાઝોડા, ભારે વરસાદ અને અન્ય કુદરતી આફતો દરમિયાન વીજ વાયર તૂટવાની, શોર્ટ સર્કિટ થવાની અને વીજ અકસ્માતોની શક્યતા ઘણી હદ સુધી ઘટી જશે. પરિણામે જનજીવન વધુ સુરક્ષિત બનશે અને વીજ પુરવઠો પણ વધુ સ્થિર રહેશે.
નાગરિકોને મળશે અવિરત અને ગુણવત્તાસભર વીજળી
આ મિશનનો સૌથી મોટો લાભ સામાન્ય નાગરિકોને મળશે. અંડરગ્રાઉન્ડ વીજ નેટવર્કને કારણે ટેકનિકલ ફોલ્ટમાં ઘટાડો થશે, વીજ પુરવઠામાં થતા વારંવારના વિક્ષેપો ઓછા થશે અને ગ્રાહકોને ગુણવત્તાસભર તથા અવિરત વીજળી મળી શકશે.
શહેરોમાં વીજ પુરવઠાની વિશ્વસનીયતા વધવાથી રહેણાંક વિસ્તારો ઉપરાંત ઉદ્યોગો, વેપાર-ધંધા અને સેવા ક્ષેત્રને પણ મોટો ફાયદો થશે. સ્માર્ટ સિટી અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ આ યોજના મહત્વપૂર્ણ સાબિત થશે.
સ્માર્ટ અને સેફ ગુજરાત તરફ ઐતિહાસિક પગલું
પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, “ગુજરાત વાયર ફ્રી સિટી મિશન” માત્ર વીજ લાઈનોને જમીનમાં ઉતારવાનો સામાન્ય પ્રોજેક્ટ નથી. આ યોજના 21મી સદીના સ્માર્ટ, સુંદર અને સુરક્ષિત ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકારની દીર્ઘદ્રષ્ટિ દર્શાવે છે.
રાજ્ય સરકારનું માનવું છે કે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પર્યાવરણમૈત્રી વિકાસ અને ટેક્નોલોજી આધારિત સેવાઓ દ્વારા ગુજરાતના શહેરોને વૈશ્વિક ધોરણો મુજબ વિકસાવવામાં આવશે. વર્ષ 2030 સુધીમાં આ મિશન પૂર્ણ થતાં ગુજરાતના શહેરો દેશના સૌથી આધુનિક અને સુરક્ષિત શહેરી વિસ્તારોમાં સ્થાન મેળવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
“ગુજરાત વાયર ફ્રી સિટી મિશન” રાજ્યના શહેરી વિકાસમાં એક નવા યુગની શરૂઆત સમાન બની રહેશે અને ગુજરાતને વધુ સ્માર્ટ, સુંદર તથા સુરક્ષિત બનાવવાના સંકલ્પને નવી દિશા આપશે.