ક્રાઇમ જામનગરના બાલાજી પાર્કમાં પોલીસ પર પથ્થરમારો, 4.72 કિલો ગાંજો ઝડપાયો
જામનગર શહેરમાં નશાના કારોબાર સામે કાર્યવાહી કરવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. શહેરના સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા બાલાજી પાર્કમાં પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હિલચાલ કરતા ચાર શખ્સોને પોલીસે અટકાવી પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કોથળામાં શું છે તે અંગે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતાં ચારેય શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં એક પોલીસ કોન્સ્ટેબલને ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, જિલ્લા એન્ટી નાર્કોટિક્સ સ્ક્વોડના પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ અને હરવિજયસિંહ બાતમીના આધારે બાલાજી પાર્ક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન ઠાકોર કલમ ડામોર, ધર્મેન્દ્ર કલમ ડામોર, રાધા કલમ ડામોર અને મીરા સુનીલભાઈ બિલવા નામના ચાર શખ્સો સિમેન્ટના કોથળા જેવા બેગ સાથે શંકાસ્પદ હિલચાલ કરતા જોવા મળ્યા હતા. જેથી પોલીસ કર્મચારીઓએ તેમની પાસે જઈ પોતાની ઓળખ આપી કોથળામાં શું છે તે અંગે પૂછપરછ શરૂ કરી હતી. જોકે, પોલીસની પૂછપરછથી ઉશ્કેરાયેલા શખ્સોએ અચાનક પથ્થરમારો શરૂ કરી દીધો હતો.
પોલીસ પર થયેલા આ હુમલામાં એક કોન્સ્ટેબલને ઈજાઓ પહોંચી હતી. બીજી તરફ, પોલીસ દ્વારા શંકાસ્પદ કોથળાની તપાસ કરવામાં આવતાં તેમાંથી નશાકારક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન કોથળામાંથી કુલ 4 કિલો 725 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની અંદાજિત બજાર કિંમત રૂ.2,36,250 આંકવામાં આવી છે. આમ, પોલીસ પર હુમલાની ઘટના દરમિયાન નશાના ગેરકાયદે કારોબારનો પણ પર્દાફાશ થયો હતો. પોલીસે ગાંજાનો સમગ્ર જથ્થો કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર મામલે સી ડિવિઝન પોલીસ દ્વારા રાધા ડામોર અને મીરા ડામોરને ઝડપી લઈ તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જ્યારે પોલીસ પર હુમલો કરીને ફરાર થઈ ગયેલા ઠાકોર ડામોર અને ધર્મેન્દ્ર ડામોરને પકડવા માટે પોલીસે શોધખોળ હાથ ધરી છે. આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને આ નશાના કારોબારમાં અન્ય કોઈ શખ્સોની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
આ બનાવ અંગે જામનગર શહેરના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, બાલાજી પાર્ક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ કોથળા સાથે મળી આવેલા ચાર શખ્સોની પૂછપરછ કરવા જતાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તપાસમાં કોથળામાંથી 4 કિલો 725 ગ્રામ ગાંજો મળી આવ્યો છે, જેની કિંમત રૂ.2,36,250 થાય છે. હાલ બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને અન્ય બે ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસની તપાસ ચાલુ છે. જામનગરમાં પોલીસ પર હુમલા સાથે ગાંજાનો જથ્થો ઝડપાવાની આ ઘટનાએ ચકચાર જગાવી છે.