મારું શહેર પોરબંદરમાં રૂ.20 કરોડના ખર્ચે ‘સર્વોદય વન’નું લોકાર્પણ.
પોરબંદરના ઓડેદરા ખાતે 77મા રાજ્યકક્ષાના વન મહોત્સવ અંતર્ગત ‘સર્વોદય વન’નું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં વિકસાવવામાં આવેલું આ સર્વોદય વન 14 હેક્ટર વિસ્તારમાં અંદાજે રૂ.20 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. અહીં 70 જેટલી વિવિધ પ્રજાતિના દોઢ લાખથી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ વન-પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવિણકુમાર માળીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક પદાધિકારીઓ, અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વન મહોત્સવ માત્ર વૃક્ષારોપણ પૂરતો સીમિત કાર્યક્રમ નથી, પરંતુ પર્યાવરણ અને વિકાસને સાથે લઈને આગળ વધવાનો સંકલ્પ ઉત્સવ છે. તેમણે પર્યાવરણના ભોગે વિકાસ નહીં, પરંતુ પર્યાવરણના જતન અને સંવર્ધન સાથે વિકાસ કરવાની દિશા પર ભાર મૂક્યો હતો. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પર્યાવરણ સંરક્ષણના પ્રયાસોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાં પર્યાવરણ સંરક્ષણની વિવિધ પહેલો દ્વારા ગ્રીન કવર વધારવા અને વન્યજીવ સંરક્ષણ માટે કામગીરી કરવામાં આવી રહી છે. પોરબંદરમાં સર્વોદય વનનું નિર્માણ આ દિશામાં મહત્વપૂર્ણ ઉમેરો હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ પોરબંદર જિલ્લાને રૂ.113 કરોડના 14 જેટલા વિવિધ વિકાસ કામોની ભેટ પણ આપી હતી. વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ઉપરાંત વિચરતી જાતિના પરિવારોને આવાસ માટે વિનામૂલ્યે પ્લોટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય પણ આપવામાં આવી હતી. સાથે જ વન ઉપજ ચેકનું સંબંધિત ગ્રામ અને તાલુકાને વિતરણ કરવામાં આવ્યું હતું. આમ, વન મહોત્સવના કાર્યક્રમ સાથે પર્યાવરણ, વિકાસ અને સામાજિક કલ્યાણને જોડતી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ રાજ્યમાં વૃક્ષારોપણ અને વન વિસ્તાર વધારવા માટે હાથ ધરાયેલી વિવિધ પહેલોની માહિતી આપતાં જણાવ્યું હતું કે પાછલા ત્રણ વર્ષમાં રાજ્યવ્યાપી 789 વન કવચનું 1140 હેક્ટર વિસ્તારમાં નિર્માણ કરવામાં આવ્યું છે. ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત પણ મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. રાજ્યમાં છેલ્લા બે દાયકામાં ફોરેસ્ટ કવરમાં 70.64 ચોરસ કિલોમીટરનો વધારો થયો હોવાનું પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આ સાથે વૃક્ષ વાવેતર, ગ્રીન કવર અને મેન્ગ્રુવ વિસ્તારમાં થયેલા વધારાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. વન્યજીવોના સંરક્ષણ અંગે વાત કરતાં તેમણે ગુજરાતમાં સિંહોની સંખ્યા વધવા તેમજ તેમના વિચરણ વિસ્તારમાં થયેલા વિસ્તરણનો ઉલ્લેખ કર્યો હતો.

વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદરના છેલ્લા ત્રણ વર્ષના વિકાસકાર્યોની માહિતી રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બરડા ડુંગર વિસ્તારમાં વર્ષ 2023માં પ્રથમ સિંહ આવ્યા બાદ હાલમાં ત્યાં સિંહોની હાજરી નોંધાઈ છે. પોરબંદરમાં જંગલ સફારી અને સફારી પાર્ક માટેની કામગીરી, પક્ષી અભયારણ્ય તેમજ મેઢા ક્રીક ખાતે બર્ડ સેન્ચ્યુરીના આયોજન સહિતના પર્યાવરણ સંબંધિત પ્રોજેક્ટ્સનો તેમણે ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત કુછડી ખાતે શિપ બિલ્ડિંગ યાર્ડ અને પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો મળવા સહિતના વિવિધ વિકાસકાર્યોની પણ તેમણે માહિતી આપી હતી.

વન-પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ પોરબંદર જિલ્લાની પ્રાકૃતિક વિશેષતાઓ અંગે વાત કરી હતી. દરિયાઈ પ્રકૃતિ, રાયણ-શરૂ સહિતના વૃક્ષો અને બરડા અભયારણ્યમાં જોવા મળતા દુર્લભ વન્યજીવનો ઉલ્લેખ કરીને તેમણે જિલ્લાના પર્યાવરણનું મહત્વ સમજાવ્યું હતું. વિવિધ પ્રજાતિના વૃક્ષોથી સમૃદ્ધ બનાવવામાં આવેલું સર્વોદય વન પોરબંદરની પ્રાકૃતિક સંપદામાં એક નવો ઉમેરો હોવાનું તેમણે જણાવ્યું હતું. વન તૈયાર કરવા માટે કામગીરી કરનાર વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન વિવિધ પુસ્તિકાઓનું વિમોચન કરવામાં આવ્યું હતું. ‘નમો વડ વન’, ‘ફ્રૉમ વન ટૂ વંદન’, બરડા ડુંગરના પુનરુત્થાનને રજૂ કરતું ‘બરડા-અ લેન્ડસ્કેપ ઓફ હોપ’ સહિતની પ્રકાશિત સામગ્રીનું વિમોચન કરવામાં આવ્યું હતું. નરારા અને આસપાસના ટાપુઓના દરિયાઈ સસ્તન પ્રાણીઓ અને સીગ્રાસ હેબિટાટ અંગેના અભ્યાસ સાથે જોડાયેલી પુસ્તિકાનું પણ વિમોચન કરાયું હતું. પી.પી.પી. ધોરણે મેગા નર્સરીના નિર્માણ માટે સાત કંપની સાથે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. પોરબંદરના સાંસદ તથા કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ વર્ચ્યુઅલ માધ્યમથી વન મહોત્સવ નિમિત્તે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, મેયર સાગરભાઈ મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા, ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા સહિતના પદાધિકારીઓ, વન વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.