ઈન્ડિયા આધાર કાર્ડ જન્મતારીખનો અંતિમ પુરાવો નથી: દિલ્હી હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
આધાર કાર્ડને લઈને દિલ્હી હાઈકોર્ટે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. હાઈકોર્ટે જણાવ્યું છે કે આધાર કાર્ડ પોતે જન્મતારીખનો અંતિમ અને નિર્ણાયક પુરાવો ગણી શકાય નહીં. આધાર કાર્ડનો મુખ્ય હેતુ વ્યક્તિની ઓળખ સ્થાપિત કરવાનો છે, જન્મતારીખની કાયદેસર પુષ્ટિ કરવાનો નહીં. જસ્ટિસ મનોજ કુમાર ઓહરીએ 13 નવેમ્બરે આપેલા એક ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે આધાર એક્ટ, 2016 હેઠળ આધાર કાર્ડ માત્ર ઓળખના પુરાવા તરીકે માન્ય છે. આ ચુકાદો ખાસ કરીને નોકરી, નિવૃત્તિ અને કર્મચારીની જન્મતારીખના વિવાદોમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. હાઈકોર્ટની આ સ્પષ્ટતાથી માત્ર આધાર કાર્ડના આધારે કર્મચારીઓની નિવૃત્તિની ઉંમર નક્કી કરવાની પ્રક્રિયા સામે પણ કાનૂની સ્થિતિ સ્પષ્ટ થઈ છે.
દિલ્હી હાઈકોર્ટમાં પહોંચેલા આ કેસમાં એક મહિલા કર્મચારીની નિવૃત્તિની ઉંમરને લઈને વિવાદ ઊભો થયો હતો. કર્મચારીના ESIC રેકોર્ડમાં તેમની જન્મતારીખ 20 મે, 1960 નોંધાયેલી હતી. જોકે, નોકરી પૂર્ણ થવાના માત્ર બે મહિના પહેલાં કર્મચારીએ રજૂ કરેલા આધાર કાર્ડમાં જન્મતારીખ 20 મે, 1959 દર્શાવવામાં આવી હતી. એટલે કે, આધાર કાર્ડમાં દર્શાવેલી જન્મતારીખ પ્રમાણે કર્મચારી એક વર્ષ વહેલાં નિવૃત્તિની ઉંમરે પહોંચતા હતા. કંપનીએ આધાર કાર્ડમાં દર્શાવેલી તારીખને આધારે કર્મચારીને વહેલાં નોકરીમાંથી છૂટા કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયને મહિલા કર્મચારીએ પડકાર્યો હતો અને મામલો દિલ્હી હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો.
આ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે UIDAI દ્વારા 20 ડિસેમ્બર, 2018ના રોજ જાહેર કરવામાં આવેલા પરિપત્ર તેમજ સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આધાર કાર્ડનો ઉપયોગ વ્યક્તિની ઓળખ માટે થઈ શકે છે, પરંતુ જન્મતારીખ સાબિત કરવા માટે તેને એકમાત્ર અને અંતિમ દસ્તાવેજ ગણી શકાય નહીં. જન્મતારીખ અંગે વિવાદ હોય ત્યારે સ્વતંત્ર અને કાયદેસર રીતે માન્ય દસ્તાવેજોના આધારે નિર્ણય લેવો જરૂરી છે. કોર્ટે એ બાબતને પણ ધ્યાનમાં લીધી હતી કે કર્મચારીના ESIC રજિસ્ટ્રેશન સમયે કંપની દ્વારા જ તેમની જન્મતારીખ 20 મે, 1960 નોંધાવવામાં આવી હતી. આવી સ્થિતિમાં કંપની હવે માત્ર આધાર કાર્ડમાં દર્શાવેલી અલગ તારીખના આધારે કર્મચારીને એક વર્ષ વહેલાં નિવૃત્ત કરી શકે નહીં.
હાઈકોર્ટે વધુમાં નોંધ્યું હતું કે મહિલા કર્મચારીની વાસ્તવિક નિવૃત્તિની વય પૂર્ણ થઈ ન હોવા છતાં તેમને નોકરીમાંથી છૂટા કરવાનો નિર્ણય કાયદેસર નથી. આ કાર્યવાહી ઔદ્યોગિક વિવાદ ધારા (Industrial Disputes Act)ની કલમ 25-F હેઠળ ગેરકાયદે છટણી સમાન ગણાય છે. પરિણામે કંપનીને કર્મચારીનું બાકી વેતન ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કોર્ટના આ ચુકાદાથી નોકરીદાતાઓ માટે પણ સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે કર્મચારીની જન્મતારીખ અને નિવૃત્તિ સંબંધિત નિર્ણય લેતી વખતે અગાઉના અધિકૃત રેકોર્ડ તથા માન્ય દસ્તાવેજોને અવગણી શકાય નહીં. માત્ર આધાર કાર્ડમાં થયેલા ફેરફારના આધારે કર્મચારીના રોજગાર પર અસર કરી શકાય નહીં.
નોંધનીય છે કે આધાર કાર્ડને જન્મતારીખના અંતિમ પુરાવા તરીકે સ્વીકારવા અંગે અલ્લાહાબાદ હાઈકોર્ટ પણ અગાઉ આવો જ અભિપ્રાય વ્યક્ત કરી ચૂકી છે. દિલ્હી હાઈકોર્ટના આ તાજેતરના ચુકાદાથી ફરી એકવાર સ્પષ્ટ થયું છે કે આધાર કાર્ડ મુખ્યત્વે ઓળખનો દસ્તાવેજ છે અને દરેક કાનૂની હેતુ માટે તેને જન્મતારીખનો નિર્ણાયક પુરાવો ગણી શકાય નહીં. ખાસ કરીને સરકારી અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ ચુકાદો મહત્વપૂર્ણ છે, કારણ કે નિવૃત્તિની ઉંમર નક્કી કરતી વખતે સંબંધિત વિભાગ કે કંપનીએ માન્ય દસ્તાવેજો અને અધિકૃત રેકોર્ડને પ્રાથમિકતા આપવી જરૂરી છે.