જાહેરાત
તાજા સમાચાર
પાછા મુખ્ય સમાચાર પર
ક્રાઇમ ૩૭ વાર જોવાયેલ એક કલાક પેહલા

ક્રાઇમ જૂનાગઢમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો.

જૂનાગઢમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો.

જૂનાગઢ જિલ્લામાં દારૂબંધીના કાયદાના અમલને લઈને સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે SMC દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભેંસાણ તાલુકાના ઉમરાળી ગામ નજીક આવેલા એક ફાર્મ હાઉસમાં SMCની ટીમે દરોડો પાડી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, આ દરોડામાં આશરે 1015 પેટી વિદેશી દારૂ અને બિયર મળી આવ્યા છે. સમગ્ર કાર્યવાહીમાં દારૂના જથ્થા સાથે ત્રણ વાહનો સહિત કુલ રૂ.1.53 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, ધારી–ગુંદાળી રોડ પર આવેલા ફાર્મ હાઉસમાં મોટા પાયે દારૂનું કટીંગ અને સંગ્રહ થતો હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી. બાતમીના આધારે ગાંધીનગરથી આવેલી SMCની ટીમે સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચને જાણ કર્યા વિના અચાનક દરોડો પાડ્યો હતો. ટીમ ફાર્મ હાઉસમાં ત્રાટકતા ત્યાં હાજર શખ્સોમાં ફફડાટ ફેલાયો હતો. દરોડા દરમિયાન ફાર્મ હાઉસમાંથી વિદેશી દારૂ તથા બિયરની આશરે 1015 પેટી મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

 

આ સમગ્ર કાર્યવાહીમાં દારૂના જથ્થાની અંદાજિત કિંમત રૂ.1.22 કરોડ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત દારૂની હેરાફેરી અને કટીંગ માટે ઉપયોગમાં લેવાતા ત્રણ વાહનો પણ કબજે કરવામાં આવ્યા છે. દારૂ તથા વાહનો સહિત કુલ રૂ.1.53 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. SMCએ સ્થળ પરથી પ્રકાશ ખુમાન અને જયવીર ખુમાન નામના બે શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે સમગ્ર નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય 13 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

 

SMCની પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોના ઈશારે સંગ્રહ કરવામાં આવ્યો હતો અને ક્યાં વિસ્તારોમાં તેનું કટીંગ થવાનું હતું તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં દારૂના સપ્લાયર, વાહનચાલકો, કટીંગ કરનારાઓ અને સમગ્ર નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકોના નામ બહાર આવે તેવી શક્યતા છે. વોન્ટેડ જાહેર કરાયેલા 13 આરોપીઓને ઝડપી પાડવા માટે SMCની ટીમે અલગ-અલગ દિશામાં શોધખોળ શરૂ કરી છે.

 

આ કાર્યવાહી બાદ જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ગાંધીનગરની SMC ટીમને જો ભેંસાણ તાલુકામાં કરોડો રૂપિયાનો દારૂ કટીંગ થતો હોવાની બાતમી મળી શકે છે, તો સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચને આ અંગે જાણ કેમ ન થઈ તેવો સવાલ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. શું સ્થાનિક પોલીસની નજર સામે જ આટલા મોટા પ્રમાણમાં દારૂનો સંગ્રહ થતો હતો? કે પછી કોઈક સ્તરે આંખ આડા કાન કરવામાં આવ્યા હતા? આવા અનેક સવાલો હવે ઉઠી રહ્યા છે.

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી SMC દ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. સાતમ–આઠમના તહેવારો દરમિયાન પણ SMCએ જુગારધામો પર દરોડા પાડી મોટી કાર્યવાહી કરી હતી. થોડા સમય અગાઉ ભેંસાણ વિસ્તારમાંથી પણ SMC દ્વારા દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. વારંવાર ગાંધીનગરની ટીમ દ્વારા સ્થાનિક પોલીસના વિસ્તારમાં કાર્યવાહી થતી હોવાને કારણે સ્થાનિક તંત્રની કામગીરી અને દેખરેખ સામે ચર્ચાઓ તેજ બની છે.

હાલમાં SMC દ્વારા ઝડપાયેલા રૂ.1.53 કરોડના મુદ્દામાલની તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. ધરપકડ કરાયેલા બંને આરોપીઓની પૂછપરછના આધારે દારૂના સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે. ફરાર જાહેર કરાયેલા 13 આરોપીઓને ઝડપી પાડવા દરોડા અને શોધખોળ ચાલુ છે. આ કાર્યવાહીથી દારૂના ગેરકાયદેસર વેપાર સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે તપાસ દરમિયાન સ્થાનિક સ્તરે કોની બેદરકારી સામે આવે છે અને આ નેટવર્કના મુખ્ય સૂત્રધારો સુધી તપાસ એજન્સી ક્યારે પહોંચે છે.

 

રિપોર્ટ કાસમ હોથી જુનાગઢ.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ