હવામાન ગુજરાતમાં મેઘતાંડવ: ઉકાઈમાં 11.81 ઈંચ વરસાદથી જળબંબાકાર 193 તાલુકામાં મેઘમહેર.
આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તાપી જિલ્લાના ઉકાઈ તાલુકામાં સૌથી વધુ 11.81 ઈંચ એટલે કે 300 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે સુરતના ઉમરપાડામાં 8.35 ઈંચ અને ડાંગના સુબિરમાં 5.71 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યના કુલ 193 તાલુકામાં મેઘમહેર નોંધાતા ચોમાસું ફરી સક્રિય બન્યું છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું સૌથી વધુ જોર જોવા મળ્યું છે. ડાંગ જિલ્લાના વાઘઈમાં 5.67 ઈંચ, તાપીના સોનગઢમાં 5.51 ઈંચ અને ઉચ્છલમાં 3.98 ઈંચ વરસાદ નોંધાયો છે. સુરતના ચોર્યાસીમાં 4.41 ઈંચ, જ્યારે ઓલપાડ અને સુરત શહેરમાં આશરે પોણા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ડાંગ-આહવામાં પણ 4.37 ઈંચ પાણી પડ્યું છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે સ્થાનિક જનજીવન પર પણ અસર જોવા મળી રહી છે.
નર્મદા જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ડેડીયાપાડામાં 4.25 ઈંચ, ચીકડામાં 3.46 ઈંચ, તિલકવાડામાં 3.19 ઈંચ અને સાગબારામાં 2.76 ઈંચ વરસાદ નોંધાયો છે. નંદોડમાં 2.48 ઈંચ વરસાદ પડ્યો છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં 3.35 ઈંચ, ભરૂચ શહેરમાં 2.87 ઈંચ, હાંસોટમાં 2.76 ઈંચ અને વાલિયામાં 2.64 ઈંચ વરસાદ વરસ્યો છે. નવસારીના વાંસદામાં પણ 2.80 ઈંચ વરસાદ નોંધાતા દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પાણીની આવકમાં વધારો થયો છે.
મધ્ય ગુજરાત અને ભાવનગર પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ભાવનગરના ઘોઘામાં 3.23 ઈંચ અને ભાવનગર શહેરમાં 1.77 ઈંચ વરસાદ નોંધાયો છે. ખેડાના નડિયાદમાં 2.48 ઈંચ તથા આણંદમાં 2.36 ઈંચ વરસાદ પડ્યો છે. પંચમહાલના મોરવા હડફમાં 2.05 ઈંચ અને છોટાઉદેપુરના નસવાડીમાં 1.77 ઈંચ વરસાદ નોંધાયો છે. આ વરસાદથી લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
અમદાવાદ શહેરમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. પાલડી, વિશાલા, વાસણા, બોડકદેવ, રાણીપ, નવાવાડજ, અખબારનગર, મકરબા, સરખેજ અને એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં છે. બીજી તરફ છોટાઉદેપુર જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતોમાં રાહત પ્રસરી છે. છોટાઉદેપુર, પાનવડ અને બોડેલી પંથકમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ થયો છે. મહીસાગરના લુણાવાડામાં પણ વરસાદી ઝાપટું પડતાં ખેડૂતોમાં આનંદ છવાયો છે.
પંચમહાલના ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ એક મહિનાના વિરામ બાદ મેઘરાજાની રી-એન્ટ્રી થઈ છે. વરસાદ ખેંચાતા ચિંતિત બનેલા ખેડૂતોને હવે પાકને જીવનદાન મળવાની આશા જાગી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના જાફરાબાદના ટીંબી, છેલાણા સહિતના ગામોમાં હળવા વરસાદી ઝાપટાં નોંધાયા છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોકે, કચ્છ-સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદની ઘટ યથાવત્ છે.
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. 12થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. લો-પ્રેશર, મોનસૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ચાર વરસાદી સિસ્ટમ સક્રિય બનતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર સહિત આશરે 20 જિલ્લામાં મેઘતાંડવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને ભારે વરસાદ દરમિયાન અનાવશ્યક મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે.