જાહેરાત
તાજા સમાચાર
રાજકોટમાં હોસ્ટેલની સગીરા સાથે માનવતાને શરમાવે તેવી ક્રૂરતા: પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ, ન્યૂડ ફોટાથી બ્લેકમેઇલ કરી ગર્ભપાત કરાવ્યાનો ગંભીર આરોપ. | અયોધ્યા પછી હવે બદ્રીનાથ-કેદારનાથમાં પણ દાન વિવાદના આક્ષેપો: શું ભક્તોની આસ્થા સુરક્ષિત છે? | મિત્રને છોડાવવા વચ્ચે પડવું પડ્યું ભારે: જામનગરમાં યુવાન પર છરીથી જીવલેણ હુમલો, ચાર શખ્સો સામે ગુનો નોંધાયો. | તાજિયા માટે રાખેલા લોખંડના પિંજરાને લઈને વિવાદ: જામનગરમાં ત્રણ ભાઈઓએ યુવાન પર કર્યો હુમલો, | ધ્રોલથી ખંભાળીડા સુધી પોલીસનો પ્રોહિબિશન પર પ્રહાર: ત્રણ દરોડામાં ૧૦૬ ચપટા વિદેશી દારૂ સાથે ત્રણ આરોપી ઝડપાયા, એક સપ્લાયર ફરાર. | ગીર સોમનાથ જિલ્લા પંચાયતના જિલ્લા કારોબારી ચેરમેન તરીકે મહેન્દ્રભાઈ પીઠયાની નિમણૂક. | ‘ઓપરેશન મિલાપ’માં ગુજરાત પોલીસની વધુ એક મોટી સફળતા: માત્ર 10 દિવસમાં 500 ગુમ થયેલા નાગરિકોને શોધી પરિવારો સાથે કરાવ્યું પુનઃમિલન. | ગુજરાતમાં મેઘમહેરનો કહેર: માંગરોળમાં માત્ર 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, 225 તાલુકાઓમાં વરસાદ; NDRF-SDRF એલર્ટ મોડ પર. | ગુજરાત બન્યું દેશનું સેમિકન્ડક્ટર હબ... | હારીજની આશાપુરા સોસાયટીમાં સામાન્ય વરસાદે ખોલી પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ... |
પાછા મુખ્ય સમાચાર પર
ટેક્નોલોજી ૪૨ વાર જોવાયેલ 2 કલાક પેહલા

ટેક્નોલોજી ગુજરાત બન્યું દેશનું સેમિકન્ડક્ટર હબ...

ગુજરાત બન્યું દેશનું સેમિકન્ડક્ટર હબ...

₹1.24 લાખ કરોડના 6 મેગા પ્રોજેક્ટ્સથી 50 હજારથી વધુ રોજગારીનું સર્જન, સમગ્ર ઇકોસિસ્ટમ ઝડપથી વિકસી રહી છે

ભારતને સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવામાં ગુજરાત આજે દેશનું અગ્રણી રાજ્ય બની રહ્યું છે. સ્માર્ટફોન, કમ્પ્યુટર, ઇલેક્ટ્રિક વાહનો, ટેલિકોમ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મેડિકલ સાધનો તેમજ સંરક્ષણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતી સેમિકન્ડક્ટર ચિપ્સનું વ્યૂહાત્મક મહત્વ સતત વધી રહ્યું છે. આ પરિસ્થિતિમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે વ્યાપક નીતિ અમલમાં મૂકી છે. વિશેષ નોંધનીય બાબત એ છે કે સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે સમર્પિત પોલિસી જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. રાજ્યમાં હાલમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ મંજૂર થયેલા 6 મોટા પ્રોજેક્ટ્સમાં કુલ અંદાજે ₹1.24 લાખ કરોડનું રોકાણ થઈ રહ્યું છે, જેના પરિણામે આગામી સમયમાં 50,000થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો સર્જાવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા **ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM)**નો મુખ્ય ઉદ્દેશ દેશમાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન, ડિસ્પ્લે ઉત્પાદન, ચિપ એસેમ્બલી અને ટેસ્ટિંગ ક્ષેત્રને મજબૂત બનાવી આયાત પરની નિર્ભરતા ઘટાડવાનો છે. આ મિશનના અમલીકરણમાં ગુજરાત સૌથી આગળ રહ્યું છે. રાજ્યમાં મંજૂર થયેલા છ મોટા પ્રોજેક્ટ્સમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ, માઇક્રોન ટેક્નોલોજી, CG પાવર એન્ડ ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સ (CG Semi), કેઇન્સ સેમિકોન, સુચી સેમિકોન અને ક્રિસ્ટલ મેટ્રિક્સ જેવી અગ્રણી કંપનીઓનો સમાવેશ થાય છે. આ તમામ પ્રોજેક્ટ્સ ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનમાં મહત્વપૂર્ણ સ્થાન અપાવવામાં નિર્ણાયક સાબિત થશે.

ગુજરાતમાં કેટલાક પ્રોજેક્ટ્સનું ઉત્પાદન પહેલેથી જ શરૂ થઈ ગયું છે. સાણંદ GIDC ખાતે માઇક્રોન ટેક્નોલોજી અને કેઇન્સ સેમિકોનની OSAT (Outsourced Semiconductor Assembly and Test) સુવિધાઓ કાર્યરત થઈ ચૂકી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં બંને પ્લાન્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. ઉપરાંત CG Semi દ્વારા પણ તેની OSAT સુવિધામાં વ્યાવસાયિક ઉત્પાદન શરૂ કરવાની તૈયારી પૂર્ણ કરવામાં આવી છે, જે રાજ્યના સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે. સુરતમાં સુચી સેમિકોનનો OSAT પાયલટ પ્લાન્ટ પહેલેથી જ કાર્યરત છે અને તેને તાજેતરમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશનની સત્તાવાર મંજૂરી પણ મળી છે, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) ખાતે વિકસાવવામાં આવી રહેલી ટાટા ઇલેક્ટ્રોનિક્સની સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન (Fab) સુવિધાનું બાંધકામ અદ્યતન તબક્કામાં છે. આ પ્લાન્ટ ભારતની પ્રથમ વ્યાવસાયિક સેમિકન્ડક્ટર ફાઉન્ડ્રી તરીકે ઉભરી આવશે. બીજી તરફ ક્રિસ્ટલ મેટ્રિક્સ દ્વારા પણ ધોલેરામાં ભારતનું પ્રથમ વ્યાવસાયિક મિની અને માઇક્રો-LED ડિસ્પ્લે ફેબ તથા પેકેજિંગ યુનિટ સ્થાપિત કરવાની યોજના છે, જેનું બાંધકામ ટૂંક સમયમાં શરૂ થવાની અપેક્ષા છે. આ તમામ પ્રોજેક્ટ્સ સાથે મળીને ચિપ ડિઝાઇનથી લઈને ફેબ્રિકેશન, પેકેજિંગ, એસેમ્બલી અને ટેસ્ટિંગ સુધીની સંપૂર્ણ સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઇન ગુજરાતમાં વિકસિત થઈ રહી છે.

માત્ર મોટા પ્લાન્ટ્સ પૂરતા જ નહીં પરંતુ સેમિકન્ડક્ટર ક્ષેત્રને જરૂરી સહાયક ઉદ્યોગોનું મજબૂત નેટવર્ક પણ ગુજરાતમાં ઝડપથી ઊભું થઈ રહ્યું છે. વિશ્વની અનેક અગ્રણી કંપનીઓએ ગુજરાતમાં રોકાણ કર્યું છે અથવા રોકાણ કરવાની જાહેરાત કરી છે. તેમાં લિન્ડે, તાઇવાનની TSMT, જાપાનની TNSI, ફુજીફિલ્મ, નિપ્પોન એક્સપ્રેસ, જર્મનીની ઇન્ફિનિયોન ટેક્નોલોજીસ, મલેશિયાની હોતાયી સહિત અનેક કંપનીઓનો સમાવેશ થાય છે. આ કંપનીઓ અલ્ટ્રા-હાઇ પ્યોરિટી ગેસ, વિશેષ કેમિકલ્સ, સેમિકન્ડક્ટર સાધનો, મટીરિયલ સપ્લાય, લોજિસ્ટિક્સ અને અન્ય ટેક્નિકલ સેવાઓ પૂરી પાડીને સમગ્ર સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને મજબૂત બનાવી રહી છે. પરિણામે ગુજરાત વૈશ્વિક ધોરણનું એક સંકલિત સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે વિકસી રહ્યું છે, ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ પોલિસી પણ કેન્દ્ર સરકારની SPECS (Scheme for Promotion of Electronic Components and Semiconductors) યોજના સાથે સુસંગત રીતે કાર્ય કરી રહી છે. આ પોલિસી હેઠળ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન, ઇલેક્ટ્રોનિક કોમ્પોનેન્ટ્સ ઉત્પાદન, પેકેજિંગ, ટેસ્ટિંગ, મટીરિયલ સપ્લાયર્સ, ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ અને અન્ય સંબંધિત ઉદ્યોગોને વિવિધ નાણાકીય અને ઔદ્યોગિક પ્રોત્સાહનો આપવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઝડપી મંજૂરી પ્રક્રિયા, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને પારદર્શક શાસન પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય રોકાણકારો માટે ગુજરાત પ્રથમ પસંદગી બની રહ્યું છે.

તાજેતરમાં કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0 (ISM 2.0) માટે ₹1.25 લાખ કરોડના ખર્ચને મંજૂરી આપી છે, જેને ટૂંક સમયમાં કેન્દ્રીય મંત્રીમંડળ સમક્ષ અંતિમ મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. આ નવી પહેલ ભારતની સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષમતાને વધુ મજબૂત બનાવશે અને ગુજરાતને વૈશ્વિક સેમિકન્ડક્ટર નકશા પર અગ્રણી સ્થાન અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. રાજ્યમાં ચાલી રહેલા વિશાળ રોકાણ, અદ્યતન ટેક્નોલોજી, મજબૂત ઔદ્યોગિક માળખું અને કુશળ માનવબળના વિકાસને કારણે ગુજરાત આગામી વર્ષોમાં ભારતના સૌથી મોટા સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી આવવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ