જાહેરાત
તાજા સમાચાર
ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે GPSCની પ્રાથમિક પરીક્ષા મોકૂફ, 26 જુલાઈની કસોટી હવે નવી તારીખે યોજાશે | હિમાચલ પ્રદેશમાં કરૂણ દુર્ઘટના, લાહૌલ-સ્પિતિમાં કાર પર પહાડ તૂટતા 13નાં મોત; 6 મહિનાનું બાળક પણ ભોગ બન્યું | બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનનું રાજીનામું, રાજકીય ઉથલપાથલ વચ્ચે લીધો નિર્ણય | ક્રિસ્ટોફર નોલાનની ‘ધ ઓડિસી’નો બોક્સ ઓફિસ પર દબદબો, ભારતમાં 7 દિવસમાં 100 કરોડની કમાણી | જામનગરના જગા ગામે ફૂડ પોઈઝનિંગથી 46 ઘેટાં-બકરાંના મોત, પશુપાલન વિભાગે હાથ ધરી સારવાર. | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મેદાનમાં | ભારે વરસાદને પગલે અમદાવાદ શહેર પૂર્વની તમામ શાળાઓ અને કોલેજોમાં આવતીકાલે રજા જાહેર. | વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત | ટ્રમ્પ પ્રશાસનનો મોટો વેપારી નિર્ણય, ભારત સહિત 60 દેશો પર નવા આયાત ટેરિફની જાહેરાત | બગોદરા–સનાથલ હાઈવે પર 7 ફૂટ પાણી, માર્ગ બંને તરફથી બંધ; અમદાવાદ-રાજકોટ માટે ડાયવર્ઝન જાહેર |
પાછા મુખ્ય સમાચાર પર
હવામાન ૧૯ વાર જોવાયેલ એક કલાક પેહલા

હવામાન ગુજરાતમાં મેઘતાંડવ: નવસારીમાં 15 શ્રમિકોનું એરલિફ્ટિંગ, રાજ્યભરમાં 38 હજારથી વધુ લોકો સુરક્ષિત સ્થળે ખસેડાયા.

ગુજરાતમાં મેઘતાંડવ: નવસારીમાં 15 શ્રમિકોનું એરલિફ્ટિંગ, રાજ્યભરમાં 38 હજારથી વધુ લોકો સુરક્ષિત સ્થળે ખસેડાયા.
દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં અવિરત અને ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. નવસારી, વલસાડ, તાપી, પંચમહાલ, બનાસકાંઠા, પાટણ અને અમરેલી સહિતના જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે અને વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યભરમાં અત્યાર સુધીમાં 38,653થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયા છે, જ્યારે 5,547થી વધુ લોકોનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના મેંધર ભાટ ગામે ઝીંગાના તળાવમાં છેલ્લા 18 કલાકથી ફસાયેલા 15 શ્રમિકોને ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમે એરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. ભારે વરસાદને કારણે ચારેય તરફ પાણી ભરાઈ જતાં તેઓ બહાર નીકળી શકતા નહોતા. ફસાયેલા શ્રમિકોએ વીડિયો મારફતે મદદની અપીલ કર્યા બાદ તાત્કાલિક બચાવ અભિયાન હાથ ધરાયું અને તમામને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા. ભારે વરસાદની અસર રાજ્યના માર્ગ વ્યવહાર પર પણ જોવા મળી રહી છે. પંચમહાલ જિલ્લાના શહેરા વિસ્તારમાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાતા હાલોલ–શામળાજી હાઈવે પર પાણી ભરાઈ ગયું, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે તંત્રને JCBની મદદથી હાઈવેના ડિવાઈડરનો એક ભાગ તોડવાની ફરજ પડી હતી. સ્થાનિકોએ દર વર્ષે સર્જાતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના અહેવાલ મુજબ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદનો જોર યથાવત છે. વાવ-થરાદ જિલ્લાના દિયોદરમાં બે કલાકમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો, જ્યારે ભાભર, ધનસુરા, લીલિયા અને સાંતલપુરમાં પણ 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની અવરજવર પ્રભાવિત થઈ છે. રાજ્યમાં ઉભી થયેલી કટોકટીની સ્થિતિને પહોંચી વળવા NDRF અને SDRFની કુલ 49 ટીમો વિવિધ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત અમદાવાદ, નવસારી અને વલસાડમાં ભારતીય સેનાની ટીમો, જ્યારે વડોદરામાં એરફોર્સ અને નવસારી, વલસાડ તથા તાપીમાં કોસ્ટ ગાર્ડ દ્વારા સતત રાહત અને બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે. પૂરની સ્થિતિનું એરિયલ સર્વેક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ અમરેલી જિલ્લાના લીલિયા વિસ્તારમાં મફત પ્લોટ સહિતના વિસ્તારોમાં ઘરોમાં ગોઠણસમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે અનેક પરિવારોની ઘરવખરી અને અનાજને નુકસાન થયું છે. રાજ્યમાં આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી વચ્ચે વહીવટી તંત્રે લોકોને નદી-નાળા, કોઝવે અને જળબંબાકાર વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. હાલ સમગ્ર રાજ્યમાં બચાવ, રાહત અને સ્થળાંતરની કામગીરી સતત ચાલુ છે.
આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ