મારું શહેર ગિફ્ટ સિટીમાં HCL ટેકનું ગ્લોબલ ટેકનોલોજી સેન્ટર શરૂ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું લોકાર્પણ, ગુજરાતના યુવાનો માટે ખુલશે IT ક્ષેત્રની નવી તકો.
‘કમ બેક હોમ’ પહેલથી ગુજરાતના પ્રતિભાશાળી યુવાનોને વતનમાં જ મળશે વૈશ્વિક સ્તરની કારકિર્દી બનાવવાની તક
ગુજરાતના આઈટી અને ટેકનોલોજી ક્ષેત્રના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન ઉમેરાયું છે. દેશની અગ્રણી અને ઝડપથી વિકસતી આઈટી કંપની HCL ટેક દ્વારા ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે ગ્લોબલ ટેકનોલોજી સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ નવા સેન્ટરનું લોકાર્પણ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે આ પહેલને ગિફ્ટ સિટી તેમજ સમગ્ર ગુજરાતના આઈટી ક્ષેત્રના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટી આજે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના ફાઇનાન્સ અને ટેકનોલોજી ક્ષેત્રનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે. તેમાં HCL ટેક જેવી વૈશ્વિક કંપનીનું આગમન રાજ્યના આઈટી ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે. તેમણે જણાવ્યું કે, સામાન્ય રીતે મોટી આઈટી કંપનીઓ પોતાના વિસ્તરણ માટે અન્ય રાજ્યોમાંથી મેનપાવર લેતી હોય છે, પરંતુ HCL ટેક દ્વારા સ્થાનિક સ્તરે રોજગારીની તકો ઊભી કરવા અને સ્થાનિક પ્રતિભાને પ્રોત્સાહન આપવાની નીતિ અપનાવવામાં આવી રહી છે, જે ખરેખર પ્રશંસનીય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના યુવાનોમાં પ્રતિભાની કોઈ કમી નથી. રાજ્યના અનેક યુવાનો બેંગલુરુ, પુણે, હૈદરાબાદ તેમજ વિદેશના વિવિધ દેશોમાં આઈટી ક્ષેત્રમાં ઉત્તમ કારકિર્દી બનાવી રહ્યા છે. પરંતુ ઘણી વખત રોજગારીની તકોના અભાવે તેમને પરિવારથી દૂર રહેવું પડે છે. HCL ટેકની ‘કમ બેક હોમ’ ઝુંબેશ આવા પ્રતિભાશાળી યુવાનો માટે નવી આશા બની છે. હવે ગુજરાતના યુવાનો પોતાના પરિવાર અને માતા-પિતા સાથે રહીને પોતાના વતનમાં જ આંતરરાષ્ટ્રીય સ્તરની આઈટી કારકિર્દી ઘડી શકશે.
HCL ટેકના આ ગ્લોબલ ટેકનોલોજી સેન્ટરની શરૂઆતના તબક્કામાં અંદાજે 100 લોકોની ટીમ સાથે કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં મોટાભાગે ગુજરાતના સ્થાનિક યુવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં આ સેન્ટરનું વિસ્તરણ થવાની સંભાવના છે, જેના પરિણામે વધુ રોજગારીની તકો સર્જાશે અને ગુજરાતના આઈટી ક્ષેત્રને નવી ગતિ મળશે.
આ સેન્ટરમાં HCL ટેક દ્વારા ફાઇનાન્સ આઈટી ક્ષેત્રની સેવાઓ સાથે અત્યાધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) લેબ પણ સ્થાપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ AI લેબને ભવિષ્યની ટેકનોલોજી માટે ગેમ-ચેન્જર ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજના સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ ટેકનોલોજી અને ઓટોમેશન જેવા ક્ષેત્રો વિશ્વભરમાં ઝડપથી વિકસી રહ્યા છે. આવા સમયમાં ગુજરાતમાં આ પ્રકારના આધુનિક ટેકનોલોજી સેન્ટરની સ્થાપના રાજ્યના યુવાનોને નવીન ટેકનોલોજી સાથે જોડાવા માટે મહત્વપૂર્ણ તક પૂરી પાડશે.
નાયબ મુખ્યમંત્રીએ ગિફ્ટ સિટીના વિકાસના ઇતિહાસને યાદ કરતા જણાવ્યું હતું કે, થોડા વર્ષો પહેલાં જ્યાં માત્ર ઉજ્જડ જમીન હતી, ત્યાં આજે વિશ્વ કક્ષાનું ફાઇનાન્સિયલ અને ટેકનોલોજી હબ ઉભું થયું છે. તેમણે જણાવ્યું કે, યોગ્ય નેતૃત્વ, દ્રઢ સંકલ્પ અને સતત મહેનતથી કોઈપણ મોટા સપનાને સાકાર કરી શકાય છે તેનું ઉત્તમ ઉદાહરણ ગિફ્ટ સિટી છે.
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષો પહેલાં ગિફ્ટ સિટીને વૈશ્વિક કક્ષાના ફાઇનાન્સિયલ ટેક સિટી તરીકે વિકસાવવાનું સપનું જોયું હતું, જે આજે વાસ્તવિકતા બની રહ્યું છે. ગિફ્ટ સિટી હવે દેશ-વિદેશની મોટી કંપનીઓ માટે રોકાણ અને વિકાસનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ HCL ટેકને આ નવી શરૂઆત બદલ શુભેચ્છાઓ પાઠવી હતી અને આશા વ્યક્ત કરી હતી કે હાલ બે ફ્લોરથી શરૂ થયેલું આ સેન્ટર ભવિષ્યમાં વધુ વિસ્તરણ કરશે. તેમણે કંપનીને ગુજરાતમાં વધુ મોટા પાયે રોકાણ કરવા અને વધુ યુવાનોને રોજગારીની તકો આપવા માટે પણ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે HCL ટેકના વરિષ્ઠ અધિકારીઓ શ્રી વિજયકુમાર, શ્રી રાહુલ સિંહ, શ્રી સંજય કૌલ સહિત આઈટી ક્ષેત્રના અગ્રણીઓ, યુવા પ્રોફેશનલ્સ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. HCL ટેકના આ નવા સેન્ટરની શરૂઆત સાથે ગુજરાતના આઈટી ક્ષેત્રમાં નવી ઊર્જાનો સંચાર થયો છે અને રાજ્યના યુવાનો માટે વૈશ્વિક સ્તરની ટેકનોલોજી કારકિર્દીના નવા દ્વાર ખુલ્યા છે.