ક્રાઇમ જામજોધપુરના મેઘપર આંબરડીમાં રૂ. 42.38 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ટ્રક-બોલેરો સહિતનો મુદ્દામાલ કબજે.
જામનગર: જામજોધપુર તાલુકાના મેઘપર આંબરડી ગામની બહાર નદીના કાંઠે આવેલા ખુલ્લા પટમાંથી શેઠવડાળા પોલીસે રૂ. 42.37 લાખથી વધુના ગેરકાયદેસર વિદેશી દારૂ, વાહનો અને અન્ય મુદ્દામાલનો જંગી જથ્થો ઝડપી પાડી પ્રોહિબિશન અધિનિયમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે, જ્યારે મુખ્ય આરોપીઓ હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયના માર્ગદર્શન અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિમોહન સૈનીની સૂચના મુજબ જિલ્લામાં દારૂ અને જુગાર વિરોધી અભિયાન ચાલી રહ્યું છે. તે અંતર્ગત લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભાના માર્ગદર્શન હેઠળ શેઠવડાળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. સોલંકીના નેતૃત્વમાં પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી.
પેટ્રોલિંગ દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે મેઘપર આંબરડી ગામના ભાયાભાઈ લખમણભાઈ છેલાણા અને ભીમાભાઈ ભાયાભાઈ છેલાણા ગામની બહાર નદી કિનારે આવેલા ખુલ્લા પટમાં ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂનો જથ્થો સંગ્રહ કરી તેની હેરાફેરી કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

દરોડા દરમિયાન પોલીસે 2,917 બોટલ વિદેશી દારૂ (રૂ. 20,17,898), 4,986 ચપટા (રૂ. 4,98,600), એક ટ્રક (રૂ. 10 લાખ), એક બોલેરો પીકઅપ (રૂ. 5 લાખ), ટ્રકમાં ભરેલો અંદાજે 30 મેટ્રિક ટન બેન્ટોનાઇટ પાવડર (રૂ. 2,20,500) તેમજ એક તાડપત્રી (રૂ. 1,000) સહિત કુલ રૂ. 42,37,998નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ મામલે ભાયાભાઈ લખમણભાઈ છેલાણા, ભીમાભાઈ ભાયાભાઈ છેલાણા (બંને રહે. મેઘપર આંબરડી, તા. જામજોધપુર) તેમજ ટ્રક નં. GJ-38-T-4535ના ચાલક સહિત તપાસમાં ખુલનારા અન્ય શખ્સો સામે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ તમામ ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આ સમગ્ર સફળ કાર્યવાહી શેઠવડાળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ નવલભાઈ એન. આસાણી, વનિતાબેન પોપટભાઈ સોલંકી તેમજ પોલીસ કોન્સ્ટેબલ વરજાંગભાઈ કટારા, અર્જુનભાઈ ડુવા, રાજવીરસિંહ પરમાર અને માલદેભાઈ બડીયાવદરા સહિતની ટીમે પાર પાડી હતી.