મારું શહેર જામનગરમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક: ધારાસભ્યોના જનપ્રશ્નોના સમયસર નિકાલ માટે જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશાનો કડક નિર્દેશ.
જામનગર કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિકાસકાર્યો, વિવિધ વિભાગોની કામગીરી તથા પ્રજાલક્ષી પ્રશ્નોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. ઉપસ્થિત ધારાસભ્યો સર્વશ્રી રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા અને હેમંતભાઈ ખવાએ પોતાના મતવિસ્તાર તેમજ જિલ્લાના વિવિધ વિસ્તારોને સ્પર્શતા જનકલ્યાણલક્ષી પ્રશ્નો રજૂ કર્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીએ તમામ પ્રશ્નોનો હકારાત્મક અભિગમ સાથે સમયમર્યાદામાં નિકાલ લાવવા સંબંધિત વિભાગોના અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
બેઠક દરમિયાન જિલ્લાના વિકાસલક્ષી પ્રોજેક્ટો અને પાયાની સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ વિભાગ તેમજ પંચાયત હસ્તકના વિવિધ વિકાસકાર્યોની હાલની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને રસ્તાના અધૂરા કામો ઝડપથી પૂર્ણ કરવા, નવા પુલિયા અને માઇનોર બ્રિજના નિર્માણમાં ગતિ લાવવા, ચોમાસાના કારણે કોઝવે અને રસ્તાઓને થયેલા ધોવાણની મરામત કરવા તેમજ ડેમમાં પાણી ભરાવાથી અસરગ્રસ્ત માર્ગોને ફરી કાર્યક્ષમ બનાવવા માટે અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત વાગડિયા જળસિંચાઈ યોજનામાં ડૂબમાં ગયેલા અસરગ્રસ્ત પરિવારોને પ્લોટ ફાળવણી, રહેણાંકની વ્યવસ્થા તથા ચેકડેમના બાંધકામની ગુણવત્તા અંગે પણ ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી હતી.
પીવાના શુદ્ધ પાણીના પુરવઠાને વધુ સુદ્રઢ બનાવવા માટે બેઠકમાં વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં દરરોજ નિયમિત પાણી પુરવઠો સુનિશ્ચિત કરવા, ચોખ્ખા અને સ્વચ્છ પાણીનું વિતરણ જાળવવા, જૂની અથવા ખામીયુક્ત પાઇપલાઇન ખસેડવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા, નર્મદાની નવી પાણી લાઇન નાખવા તથા પાઇપલાઇન સંબંધિત વળતર ચૂકવણીના પ્રશ્નોનો સમયસર ઉકેલ લાવવા સંબંધિત વિભાગોને સૂચનાઓ આપવામાં આવી હતી. અધિકારીઓને લોકોને પાણી માટે મુશ્કેલી ન પડે તે માટે ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગોતરી આયોજન કરવાની પણ સૂચના આપવામાં આવી હતી.

ઊર્જા વિભાગને લગતા પ્રશ્નોની પણ બેઠકમાં વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. ખેડૂતોને નવા વીજ કનેક્શન ઝડપથી ઉપલબ્ધ કરાવવા, ટ્રાન્સફોર્મરમાંથી અલગ લાઇન ડિવાઇડ કરવાની કામગીરી પૂર્ણ કરવા, કોમન પ્લોટમાં લાઇટ કનેક્શન આપવા તેમજ લો-વોલ્ટેજ અને વારંવાર સર્જાતા વીજ ફોલ્ટની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. ઉપરાંત ખેડૂતોને વીજ મીટર સાથેના કનેક્શનની પ્રક્રિયા ઝડપી બનાવવા, ગૌચર જમીનમાં ટ્રાન્સમિશન લાઇનના પોલ ઉભા કરવાની કામગીરી તથા ખેતીની જમીનમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન માટે ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાની બાબતે પણ ચર્ચા કરીને જરૂરી કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.
મહેસૂલ અને જમીન સુધારણા વિભાગને લગતા વિવિધ પ્રશ્નો પણ બેઠકના કેન્દ્રસ્થાને રહ્યા હતા. રી-સર્વે પ્રમોલગેશન બાદ ઉભી થયેલી ક્ષતિઓ દૂર કરવી, પ્રોપર્ટી કાર્ડની કામગીરી ઝડપથી પૂર્ણ કરવી, સરકારી જમીન પરના દબાણો દૂર કરવા, બોજા મુક્તિની નોંધ ચડાવવી, ગૌચર માટે જમીન ફાળવવી તેમજ ખાલસા થયેલી ખેતીની જમીનનું રીગ્રાન્ટ અને સનદ વિતરણ જેવી કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ તમામ અધિકારીઓને આવી કામગીરીમાં અનાવશ્યક વિલંબ ન થાય તેની ખાસ તકેદારી રાખવા સૂચના આપી હતી.
બેઠકમાં સામાજિક સુવિધાઓ અને કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ અંગે પણ મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. મંજૂર થયેલી આંગણવાડીઓ અને શાળાના નવા ઓરડાના કામો તાત્કાલિક શરૂ કરવા, મકાન સહાયના બાકી હપ્તાઓ ચૂકવવા, જી.આઇ.ડી.સી. તેમજ વાલ્મીકી સમાજના સ્મશાનમાં પાયાની સુવિધાઓ ઉભી કરવા, પેવરબ્લોક અને રેનબસેરાના કામોને ગતિ આપવા તેમજ ટેકાના ભાવે કરાયેલી કૃષિ પેદાશોની ખરીદીના બાકી પેમેન્ટ ખેડૂતોને વહેલી તકે ચૂકવવા સંબંધિત વિભાગોને દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા. ઉપરાંત GSFCની વિવિધ વિકાસલક્ષી યોજનાઓના કામો ઝડપથી શરૂ થાય તે માટે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

જનસુખાકારી અને જાહેર સેવાઓને લગતા અનેક મહત્વપૂર્ણ પ્રશ્નો પર પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં વિવિધ રિપોર્ટિંગ સેવાઓની સ્થિતિ, હોસ્પિટલમાં ખાલી પડેલા મહેકમની ભરતી, BSNL ટાવરની નેટવર્ક સમસ્યાનું નિરાકરણ, ખાનગી વિન્ડ ફાર્મ કંપની દ્વારા વીજપોલ હટાવવાની કામગીરી, બંધ પડેલા એસ.ટી. બસ રૂટો ફરી શરૂ કરવા તેમજ અકસ્માત નિવારણ માટે જરૂરી સ્થળોએ સ્પીડ બ્રેકર મૂકવા જેવા પ્રજાલક્ષી મુદ્દાઓ પર અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. બેઠકના અંતે જિલ્લા વિકાસ અધિકારીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ધારાસભ્યો દ્વારા રજૂ થતા પ્રશ્નો સીધા જનહિત સાથે જોડાયેલા હોવાથી તમામ વિભાગોએ સંકલન સાથે કામ કરીને સમયસર અને અસરકારક ઉકેલ લાવવો જરૂરી છે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી રંજનબેન જીવાણી, જિલ્લા સંકલન સમિતિના સભ્યો, અમલીકરણ અધિકારીઓ તથા વિવિધ વિભાગોના વડાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.