મારું ગુજરાત ડ્રાય સ્ટેટ ગુજરાતમાં દારૂનો કહેર! 10 મહિનામાં દારૂ પીને મારામારીના 93 હજારથી વધુ કેસ, રોજના 300થી વધુ પોલીસ કોલ.
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂને કારણે સર્જાતી અશાંતિ અને ગુનાઓના આંકડા ચોંકાવનારા સામે આવ્યા છે. રાજ્યમાં પોલીસ ઈમરજન્સી માટે કાર્યરત ‘112’ સેવામાં છેલ્લા 10 મહિનામાં દારૂ પીને મારામારીના 93,746 કેસ નોંધાયા છે. એટલે કે સરેરાશ દરરોજ 300થી વધુ કેસમાં પોલીસને દોડવું પડ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, 1 સપ્ટેમ્બર 2025થી 30 જૂન 2026 દરમિયાન રાજ્યમાં પોલીસ મદદ માટે કુલ 8.30 લાખથી વધુ ઈમરજન્સી કોલ નોંધાયા છે. આ સમયગાળામાં સૌથી વધુ કોલ મારામારી અને જાહેરમાં તકરારના કેસ માટે આવ્યા હતા.
મારામારી અને તકરારમાં પોલીસ સૌથી વધુ વ્યસ્ત
આંકડા પ્રમાણે, સામાન્ય મારામારીના 1.52 લાખથી વધુ કેસ નોંધાયા છે, જ્યારે જાહેરમાં તકરારના 1.35 લાખ કેસ સામે આવ્યા છે. ત્યારબાદ દારૂ પીને મારામારીના કેસો ત્રીજા ક્રમે રહ્યા છે.
આ ઉપરાંત રોડ અકસ્માતના 70,655 કેસ, ધ્વનિ પ્રદૂષણના 53,544 કેસ, મહિલા અને બાળકો સાથે મારામારીના 41,083 કેસ તેમજ ચોરીના 29,636 કેસ નોંધાયા છે.
અમદાવાદમાં પોલીસ ઈમરજન્સીના સૌથી વધુ કોલ
પોલીસ ઈમરજન્સીના સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદમાં 1,91,288 કોલ નોંધાયા છે, જ્યારે સુરત શહેર 1,21,116 કેસ સાથે બીજા ક્રમે રહ્યું છે.
અન્ય શહેરોમાં વડોદરા સિટી 57,279 કેસ સાથે આગળ છે, જ્યારે રાજકોટ સિટીમાં 40,742 પોલીસ ઈમરજન્સી કોલ નોંધાયા છે.
દારૂબંધી છતાં પ્રોહિબિશનના 19 હજારથી વધુ કેસ
ગુજરાતમાં દારૂબંધી અમલમાં હોવા છતાં આ સમયગાળા દરમિયાન પ્રોહિબિશનના 19,065 કેસ નોંધાયા છે. દારૂના સેવન બાદ થતી મારામારી અને જાહેર અશાંતિ પોલીસ માટે મોટો પડકાર બની રહી છે.
112 સેવા બની લોકો માટે તાત્કાલિક સહાયનું માધ્યમ
પોલીસ સહાય, મેડિકલ ઈમરજન્સી, ફાયર બ્રિગેડ, મહિલા અને બાળ સુરક્ષા સહિતની સેવાઓ માટે શરૂ કરવામાં આવેલી ‘112’ ઈમરજન્સી સેવા હેઠળ દરરોજ સરેરાશ 2741 જેટલા કોલ મળી રહ્યા છે.
ગુજરાતમાં દારૂબંધીના દાવા વચ્ચે દારૂને કારણે સર્જાતા વિવાદો અને હિંસાના આ આંકડા કાયદો-વ્યવસ્થા માટે ગંભીર ચિંતાનો વિષય બની રહ્યા છે. પોલીસ તંત્ર સામે હવે ગેરકાયદે દારૂના નેટવર્કને રોકવા સાથે દારૂના કારણે થતા ગુનાઓને નિયંત્રિત કરવાનો મોટો પડકાર છે.