જાહેરાત
તાજા સમાચાર
કલ્યાણપુરના લાંબા ગામે ગમખ્વાર અકસ્માત : ઈકો કારની ઠોકરે પરણીતાનું કરુણ મોત, પરિવારમાં શોકનો માહોલ. | દરેડ ફેઝ-૩માં કન્સ્ટ્રક્શન સાઇટ વિવાદે લીધો ઉગ્ર વળાંક : બંને પક્ષે પોલીસમાં સામસામી ફરિયાદ, ધમકી અને બોલાચાલીના આક્ષેપો. | જામનગરમાં ઇબોલા વાયરસને લઈને આરોગ્ય તંત્ર એલર્ટ જી.જી. હોસ્પિટલ ખાતે ઉચ્ચ અધિકારીઓની તાત્કાલિક બેઠક, આગોતરા પગલાં માટે આયોજન શરૂ. | ગીરમાં બાળસિંહોના શંકાસ્પદ મૃત્યુ બાદ વન વિભાગ એલર્ટ મોડમાં ડીટિકિંગ, આઇસોલેશન અને વેટરનરી ટીમોની કામગીરી તેજ; સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ હોવાનો વન મંત્રીનો દાવો. | જામજોધપુરના વેરાવળ ગામે જાહેરમાં ચાલતા તિનપત્તીના જુગાર પર પોલીસનો દરોડો : 6 શખ્સો ઝડપાયા, ₹10 હજારથી વધુની રોકડ કબ્જે | આજે ટ્રેડિંગના અંતિમ કલાકોમાં શેરબજાર કેમ તૂટી ગયું? સેન્સેક્સ, નિફ્ટી 50 ગગડ્યા - મુખ્ય કારણો તપાસો | જામનગરમાં સજા વોરંટની ફરાર મહિલા આરોપી ઝડપાઈ : સીટી-સી ડિવિઝન પોલીસની સફળ કાર્યવાહી, મહિલા જેલ હવાલે. | જામનગરમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો કલેક્ટર પી.બી. પંડ્યાના અધ્યક્ષસ્થાને ૪૯ અરજીઓનો હકારાત્મક નિકાલ, અરજદારોએ વ્યક્ત કર્યો સંતોષ. | જામનગર જિલ્લામાં પવનચક્કીઓ બન્યાં તસ્કરોના નિશાને : ખાયડી અને ધૂનધોરાજીમાંથી ₹87 હજારના કોપર વાયર ચોરી, પોલીસ તપાસ તેજ | એકતામાં જ બળ છે. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૪૮ વાર જોવાયેલ

મારું શહેર મહીસાગર આરોગ્ય વિભાગમાં RTI કાયદાના ખોટા અર્થઘટનનો મામલો ગરમાયો માહિતી આયોગે આરોગ્ય અધિકારીને ફટકાર્યો રૂ. ૧૫ હજારનો દંડ, અરજદારે હવે પોલીસ ફરિયાદની તૈયારી દર્શાવી.

S
samay sandesh
11 કલાક પેહલા
મહીસાગર આરોગ્ય વિભાગમાં RTI કાયદાના ખોટા અર્થઘટનનો મામલો ગરમાયો માહિતી આયોગે આરોગ્ય અધિકારીને ફટકાર્યો રૂ. ૧૫ હજારનો દંડ, અરજદારે હવે પોલીસ ફરિયાદની તૈયારી દર્શાવી.

મહીસાગર જિલ્લાના આરોગ્ય વિભાગમાં માહિતી અધિકાર કાયદા હેઠળ આપવામાં આવેલી માહિતી પર કાયદા વિરુદ્ધનો રબર સ્ટેમ્પ મારી માહિતીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના મામલે રાજ્ય માહિતી આયોગે કડક વલણ અપનાવતાં આરોગ્ય વિભાગના જાહેર માહિતી અધિકારી અને વહીવટી અધિકારી ભાઉભાઈ જે. માલીવાડને રૂપિયા ૧૫ હજારનો દંડ ફટકાર્યો છે. સમગ્ર મામલો લુણાવાડાના જાણીતા અરજદાર ડોક્ટર એસ.પી. પટેલ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. તેમણે પોતાના વકીલ જશવંતકુમાર ઉર્ફે જશુભાઈ બારોટ મારફતે માહિતી આયોગ ગાંધીનગરમાં ફરિયાદ દાખલ કરતા આ મુદ્દો રાજ્ય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. માહિતી આયોગે પોતાના આદેશમાં જણાવ્યું છે કે જાહેર માહિતી અધિકાર અધિનિયમની કલમોનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે અને સરકારના પરિપત્રોનું પાલન કરવામાં આવ્યું નથી. આ કેસ હવે માત્ર માહિતી અધિકારનો મુદ્દો ન રહી આરોગ્ય વિભાગની વહીવટી કામગીરી અને પારદર્શકતાને લઈને પણ ગંભીર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર લુણાવાડાના અરજદાર ડોક્ટર એસ.પી. પટેલે મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગમાં આરટીઆઈ હેઠળ માહિતી માગી હતી. અરજદારના જણાવ્યા મુજબ આરોગ્ય વિભાગ દ્વારા કેટલાક ઓપરેશનોના આંકડા અને વિગતોમાં ગેરરીતિ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ સંદર્ભે તેમણે નામ-સરનામા સહિતની પ્રમાણિત માહિતી મેળવવા માટે જાહેર માહિતી અધિકારી ભાઉભાઈ જે. માલીવાડ પાસે અરજી કરી હતી. જોકે અરજદારનો આક્ષેપ છે કે શરૂઆતમાં માંગેલી માહિતી આપવામાં આવી નહોતી અને બાદમાં પણ અધૂરી તથા ગેરમાર્ગે દોરતી માહિતી આપવામાં આવી હતી.

માહિતી ન મળતા અરજદાર ડોક્ટર એસ.પી. પટેલે પ્રથમ અપીલ સત્તાધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સી.આર. પટેલીયાને અપીલ કરી હતી. તેમ છતાં સંતોષકારક અને કાયદેસર પ્રમાણિત માહિતી આપવામાં આવી નહોતી. ત્યારબાદ અરજદારે પોતાના વકીલ જશવંતકુમાર ઉર્ફે જશુભાઈ બારોટ મારફતે રાજ્ય માહિતી આયોગ ગાંધીનગરમાં બીજી અપીલ દાખલ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન માહિતી આયોગે આરોગ્ય વિભાગને કુલ ૨૧૮૫ પાનાની માહિતી પ્રમાણિત કરીને આપવા હુકમ કર્યો હતો.

જોકે સમગ્ર મામલો ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે અરજદારે માહિતી મેળવ્યા બાદ જોયું કે દરેક પાનાં પર એક ખાસ રબર સ્ટેમ્પ મારવામાં આવ્યો હતો. આ સ્ટેમ્પમાં લખવામાં આવ્યું હતું કે “સદર માહિતી અરજદારને જાણવા જોગ હોઈ આ માહિતી કોઈ કોર્ટ કેસ કે અન્ય આધાર પુરાવા તરીકે ઉપયોગમાં લઈ શકાશે નહિ.” આ લખાણ સાથે વહીવટી અધિકારી (આરોગ્ય), જિલ્લા પંચાયત મહીસાગર લુણાવાડાની સહી પણ હતી. અરજદાર ડોક્ટર એસ.પી. પટેલે આ સ્ટેમ્પને કાયદા વિરુદ્ધ ગણાવ્યો હતો અને આ અંગે વધુ માહિતી માંગતા નવી અરજી કરી હતી.

અરજદારે પોતાની અરજીમાં માંગ કરી હતી કે આ રબર સ્ટેમ્પ કોણે બનાવ્યો, ક્યારે બનાવ્યો, ક્યાં છપાવ્યો, તેની ચુકવણી કેવી રીતે કરવામાં આવી, તેમજ અન્ય કેટલા અરજદારોને આવી શરત સાથે માહિતી આપવામાં આવી છે તેની વિગતો આપવામાં આવે. ઉપરાંત આ મુદ્દે ગુજરાતી દૈનિકમાં પ્રસિદ્ધ થયેલા સમાચારના સંદર્ભમાં પણ માહિતી માંગવામાં આવી હતી. જોકે અરજદારના જણાવ્યા મુજબ આ માહિતી બાબતે પણ ગેરમાર્ગે દોરતા જવાબો આપવામાં આવ્યા હતા.

આથી અરજદારે ફરી પ્રથમ અપીલ સત્તાધિકારી સમક્ષ અપીલ કરી હતી, પરંતુ ત્યાંથી પણ સંતોષકારક જવાબ ન મળતાં આખરે રાજ્ય માહિતી આયોગ ગાંધીનગરમાં જાહેર માહિતી અધિકારી અને પ્રથમ અપીલ સત્તાધિકારી વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદની સુનાવણી ૨૨ એપ્રિલ ૨૦૨૬ના રોજ યોજાઈ હતી. સુનાવણી દરમિયાન અરજદાર ડોક્ટર એસ.પી. પટેલ પોતાના વકીલ જશવંતકુમાર બારોટ સાથે રૂબરૂ હાજર રહ્યા હતા, જ્યારે મહીસાગર આરોગ્ય વિભાગના પ્રતિનિધિઓ વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા.

સુનાવણી દરમિયાન બંને પક્ષોએ પોતાની દલીલો રજૂ કરી હતી. અરજદાર પક્ષે દલીલ કરી હતી કે માહિતી અધિકાર કાયદા હેઠળ આપવામાં આવતી માહિતી પર આવી શરત મૂકવાનો કોઈ કાયદાકીય આધાર નથી. જાહેર માહિતી કોઈ વ્યક્તિને માત્ર “જાણવા જોગ” આપી અને તેને કોર્ટ કે પુરાવા તરીકે ઉપયોગમાં ન લઈ શકાય તેવી શરત મૂકવી માહિતી અધિકાર કાયદાની ભાવનાનો ભંગ છે. અરજદાર પક્ષે આ પ્રકારના રબર સ્ટેમ્પને કાયદા વિરુદ્ધ અને ભ્રામક ગણાવ્યો હતો.

માહિતી આયોગે પણ આ મામલે ગંભીર નોંધ લીધી હતી. સુનાવણી દરમિયાન માહિતી કમિશ્નરે જાહેર માહિતી અધિકારીને સવાલો પૂછ્યા હતા અને આ પ્રકારનો સ્ટેમ્પ કયા કાયદા હેઠળ ઉપયોગમાં લેવામાં આવ્યો તે અંગે ખુલાસો માંગ્યો હતો. માહિતી અધિકારી દ્વારા આપેલા જવાબો અને કારણોને અરજદાર તથા તેમના વકીલે પડકાર્યા હતા. આખરે માહિતી આયોગે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું કે જાહેર માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫નું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે અને ભારત સરકાર તથા ગુજરાત સરકારના પરિપત્રોનું પાલન કરવામાં આવ્યું નથી.

આયોગે પોતાના હુકમમાં જાહેર માહિતી અધિકારી અને વહીવટી અધિકારી ભાઉભાઈ જે. માલીવાડને જવાબદાર ઠેરવી માહિતી અધિકાર અધિનિયમની કલમ ૨૦(૧) હેઠળ રૂપિયા ૧૫ હજારનો દંડ ફટકાર્યો હતો. આ દંડ વ્યક્તિગત રીતે ભરવાનો રહેશે અથવા તેમના પગાર અને ભથ્થામાંથી કપાત કરીને વસૂલવાનો રહેશે તેવું પણ આદેશમાં જણાવાયું હતું. સાથે જ દંડની રકમ નિર્ધારિત સમયમર્યાદામાં સરકારી તિજોરીમાં જમા કરાવી તેની નકલ આયોગને મોકલવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો.

આયોગે વધુમાં જિલ્લા વિકાસ અધિકારી મહીસાગરને પણ આ મામલે જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. જો નિર્ધારિત સમયમર્યાદામાં દંડ ભરવામાં નહીં આવે તો પગારમાંથી કપાત કરીને રકમ વસૂલવાની સૂચના પણ આપવામાં આવી હતી. આ નિર્ણય બાદ સમગ્ર મામલો રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

જોકે આયોગે પોતાના હુકમમાં એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા પણ કરી હતી. અરજદાર દ્વારા જાહેર માહિતી અધિકારી અને પ્રથમ અપીલ સત્તાધિકારી સામે પોલીસ ફરિયાદ અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી, પરંતુ આયોગે જણાવ્યું હતું કે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ આયોગનું કાર્યક્ષેત્ર માત્ર માહિતી ઉપલબ્ધ કરાવવાના મુદ્દા સુધી મર્યાદિત છે. પોલીસ ફરિયાદ અથવા ગુનાહિત કાર્યવાહી અંગે નિર્ણય લેવાનો અધિકાર આયોગ પાસે નથી.

સુનાવણી બાદ અરજદાર ડોક્ટર એસ.પી. પટેલ અને તેમના વકીલ જશવંતકુમાર બારોટે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે માહિતી આયોગે કાયદાના દાયરામાં રહી કાર્યવાહી કરી અને દંડ ફટકાર્યો તે આવકારદાયક છે. જોકે તેઓએ આરોપ મૂક્યો હતો કે જાહેર માહિતી અધિકારી અને પ્રથમ અપીલ સત્તાધિકારી બંનેએ મળીને કાયદા વિરુદ્ધનો સિક્કો બનાવ્યો હતો અને તેની જવાબદારી માત્ર એક અધિકારી સુધી મર્યાદિત રહી શકે નહીં.

અરજદાર પક્ષે વધુમાં જણાવ્યું હતું કે હવે તેઓ માહિતી આયોગના આદેશના આધારે પોલીસમાં ફરિયાદ નોંધાવશે તેમજ નામદાર કોર્ટમાં પણ માનહાની અને અન્ય મુદ્દાઓને લઈને કેસ દાખલ કરશે. તેઓએ આરોપ મૂક્યો હતો કે ખોટા ઓપરેશનો દર્શાવવાની બાબત પણ ગંભીર છે અને તેની પણ કાનૂની તપાસ થવી જોઈએ.

આ સમગ્ર બનાવે માહિતી અધિકાર કાયદાની અમલવારી અને સરકારી વિભાગોમાં પારદર્શકતા અંગે ફરી ચર્ચા ઉભી કરી છે. માહિતી અધિકાર કાર્યકરોનું કહેવું છે કે RTI કાયદો નાગરિકોને માહિતી મેળવવાનો બંધારણીય અધિકાર આપે છે અને તેમાં આવી ગેરકાયદેસર શરતો ઉમેરવી કાયદાની ભાવનાના વિરુદ્ધ છે. ઘણા કાર્યકરોએ આ નિર્ણયને મહત્વપૂર્ણ ગણાવ્યો છે અને કહ્યું છે કે આ નિર્ણય ભવિષ્યમાં અન્ય સરકારી વિભાગો માટે પણ ચેતવણીરૂપ બનશે.

કાનૂની નિષ્ણાતોના મતે જો કોઈ સરકારી અધિકારી માહિતી અધિકાર કાયદાની જોગવાઈઓનું ખોટું અર્થઘટન કરીને નાગરિકોના અધિકારો પર મર્યાદા લાદવાનો પ્રયાસ કરે તો તે ગંભીર બાબત ગણાય છે. તેઓનું કહેવું છે કે આ કેસ ભવિષ્યમાં RTI સંબંધિત અનેક મુદ્દાઓમાં મહત્વપૂર્ણ સંદર્ભ બની શકે છે.

હાલ સમગ્ર મહીસાગર જિલ્લામાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો હવે આગળ શું કાર્યવાહી થાય છે તેના પર નજર રાખી રહ્યા છે. માહિતી આયોગના આદેશ બાદ હવે પોલીસ ફરિયાદ અને કોર્ટ કેસની શક્યતાઓ વચ્ચે મામલો વધુ ગંભીર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ