જાહેરાત
તાજા સમાચાર
બે વર્ષ પહેલાં જ બે રાષ્ટ્રીય ખિતાબ: સુરતના કર્ણે વધાર્યું બાબર સમાજનું ગૌરવ. | ચંપત રાય વિરુદ્ધ ઉઠ્યો વિરોધનો સૂર, વકીલોનો કેસ નહીં લડવાનો નિર્ણય; સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો | દિલ્હીના કનોટ પ્લેસમાં વૃદ્ધ વાંસળીવાદકનો ભાવુક કરી દેનારો વીડિયો વાયરલ, ‘હું ભિખારી નથી...’ લખેલા સંદેશે લાખો લોકોના દિલ જીતી લીધા. | 30 સેકન્ડમાં 30 લાખની ચોરી, સુરતના જ્વેલરી કારખાનામાંથી બંગાળી કારીગર સોનું-હીરા લઈને ફરાર | સુજલામ સુફલામ અભિયાનથી જળસંચયમાં ઐતિહાસિક વધારો.... | દ્વારકા જિલ્લાના રોજીવાડા ગામમાં ધોળા દિવસે તસ્કરોનો તરખાટ, બંધ મકાનમાંથી રૂ.11.14 લાખના દાગીના અને રોકડની ચોરી | સંવિધાન હત્યા દિવસ નિમિત્તે ભાજપ કાર્યાલય ખાતે કટોકટી વિષયક વિશેષ પ્રદર્શન યોજાયું, લોકશાહી મૂલ્યોના સંરક્ષણનો અપાયો સંદેશ. | જામનગર પોલીસે ગણતરીના કલાકોમાં ગુમ થયેલો મોબાઇલ શોધી માલિકને પરત આપ્યો | જામનગરમાં વેગનઆર કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, કારચાલક પોલીસને જોઈ ફરાર; રૂ. 5.71 લાખનો મુદ્દામાલ જપ્ત | 'વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ – મધ્ય ગુજરાત'નો આજથી વડોદરામાં પ્રારંભ, ઔદ્યોગિક વિકાસને મળશે દિશા |
પાછા મુખ્ય સમાચાર પર
ક્રાઇમ ૭૫ વાર જોવાયેલ એક કલાક પેહલા

ક્રાઇમ દ્વારકા જિલ્લાના રોજીવાડા ગામમાં ધોળા દિવસે તસ્કરોનો તરખાટ, બંધ મકાનમાંથી રૂ.11.14 લાખના દાગીના અને રોકડની ચોરી

દ્વારકા જિલ્લાના રોજીવાડા ગામમાં ધોળા દિવસે તસ્કરોનો તરખાટ, બંધ મકાનમાંથી રૂ.11.14 લાખના દાગીના અને રોકડની ચોરી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રોજીવાડા ગામમાં ધોળા દિવસે બનેલી ચોરીની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. પરિવાર ધાર્મિક દર્શન માટે બહાર ગયો હોવાનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ ખેડૂત ગંગદાસભાઈ માલદેવભાઈ સોલંકી અને તેમનો પરિવાર શનિવારે સવારે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે ઘર બંધ કરીને નીકળ્યો હતો. પરિવારની ગેરહાજરી દરમિયાન તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરીને ચોરીને અંજામ આપ્યો હતો.

સાંજના સમયે પરિવાર દર્શન કરીને ઘરે પરત ફર્યો ત્યારે ઘરના મુખ્ય દરવાજાના તાળા તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા. ઘરમાં પ્રવેશ કરતા જ તમામ સામાન વેરવિખેર પડેલો જોવા મળ્યો હતો, જેના કારણે પરિવારને ચોરી થઈ હોવાની આશંકા જાગી હતી. કબાટ સહિત ઘરના અન્ય સામાનની તપાસ કરતાં અંદર રાખેલા કિંમતી દાગીના અને રોકડ રકમ ગાયબ હોવાનું સામે આવ્યું હતું.  સમગ્ર બનાવની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી.

તસ્કરોએ ઘરના કબાટ તોડી અંદર રાખેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ પર હાથ ફેરવ્યો હતો. ચોરી થયેલા મુદ્દામાલમાં સોનાની ચેઈન, બુટી, હાર, ઈયરિંગ સહિત અંદાજે 15 તોલા જેટલા સોનાના દાગીનાનો સમાવેશ થાય છે. ઉપરાંત ઘરમાં રહેલા ચાંદીના દાગીના અને રૂ.17 હજારની રોકડ રકમ પણ તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. પ્રાથમિક અંદાજ મુજબ માત્ર સોનાના દાગીનાની કિંમત આશરે રૂ.10.80 લાખ જેટલી હોવાનું સામે આવ્યું છે.

સોનાના દાગીના ઉપરાંત ચાંદીના દાગીના અને રોકડ રકમને મળીને કુલ રૂ.11.14 લાખનો મુદ્દામાલ ચોરાઈ ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ધોળા દિવસે અને ગામની વચ્ચે આવેલી રહેણાંક જગ્યામાં ચોરીની ઘટનાએ સ્થાનિક લોકોમાં સુરક્ષા અંગેની ચિંતા વધારી દીધી છે. ગામલોકોમાં આ બનાવને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે અને દિવસ દરમિયાન પણ તસ્કરો નિર્ભય બનીને આવી ઘટનાને અંજામ આપતા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

ચોરીની ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર સ્થળનું નિરીક્ષણ હાથ ધર્યું હતું. ત્યારબાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ જાણ કરવામાં આવતા ડીવાયએસપી સહિત અન્ય અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ઘરના વિવિધ ભાગોની તપાસ કરીને તસ્કરો કયા માર્ગે ઘરમાં પ્રવેશ્યા અને કયા માર્ગે ફરાર થયા તે અંગે માહિતી મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. સાથે જ આસપાસના વિસ્તારમાં પણ જરૂરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

તપાસને વધુ અસરકારક બનાવવા માટે ડોગ સ્ક્વોડ તેમજ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ)ની ટીમની મદદ લેવામાં આવી હતી. ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેથી તસ્કરો સુધી ઝડપથી પહોંચી શકાય. પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ આગળ વધારવામાં આવી રહી છે અને ઘટનાને લગતી દરેક સંભાવનાની ચકાસણી કરવામાં આવી રહી છે. ચોરીની આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવા માટે વિવિધ તકનિકી અને પરંપરાગત તપાસ પદ્ધતિઓનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસ સ્ટેશનના પીઆઈ વી.કે. કોડીયાના માર્ગદર્શન હેઠળ વધુ તપાસ ચાલી રહી છે. પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસનો દોર તેજ કર્યો છે. ધોળા દિવસે બનેલી આ મોટી ચોરીની ઘટનાએ રોજીવાડા ગામ સહિત સમગ્ર વિસ્તારમાં ચિંતાનું વાતાવરણ સર્જ્યું છે, જ્યારે પોલીસ દ્વારા ઘટનાનો ભેદ ઉકેલી ચોરાયેલા મુદ્દામાલની પુનઃપ્રાપ્તિ અને આરોપીઓની ધરપકડ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ