મારું શહેર સજા વોરંટના આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડ્યો, કોર્ટમાં રજૂ કર્યા બાદ રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે.
સમય સંદેશ રિપોર્ટ | આરીફ દિવાન | મોરબી
મોરબી જિલ્લા પોલીસ દ્વારા સજા વોરંટના આરોપીઓ સામે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત ટંકારા પોલીસે વધુ એક સફળ કાર્યવાહી કરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલના માર્ગદર્શન તથા વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના સુપરવિઝન હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. ઝાલાની આગેવાનીમાં સજા વોરંટના આરોપીને ઝડપી પાડી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
ટંકારા પોલીસ સ્ટેશનને નામદાર અદાલતો તરફથી મળતા સમન્સ અને વોરંટોની અસરકારક બજવણી માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે દરમિયાન રાજકોટની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (સ્પેશિયલ નેગોશિએબલ કોર્ટ) દ્વારા ફોજદારી કેસ નં. 16759/2019માં કલ્યાણપર ગામના રહેવાસી મહેશભાઈ વાઘજીભાઈ ઝાપડા (ઉંમર 40 વર્ષ) સામે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ સજા ફટકારવામાં આવી હતી.
સજા બાદ આરોપી કોર્ટમાં હાજર ન રહેતાં તેની સામે ફરતું સજા વોરંટ જારી કરવામાં આવ્યું હતું. વોરંટની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ટંકારા પોલીસે આરોપી અંગે માહિતી એકત્રિત કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે કલ્યાણપર ગામેથી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલા આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા અદાલતના આદેશ અનુસાર તેને રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફે સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. જિલ્લા પોલીસ દ્વારા સમન્સ અને વોરંટોની સમયસર બજવણી માટે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના પરિણામે ફરાર આરોપીઓ સામે અસરકારક કાર્યવાહી થઈ રહી છે.