જાહેરાત
તાજા સમાચાર
જામનગર મનપાની કાર્યવાહી, પ્રિન્ટેડ પસ્તીમાં ફરસાણ આપતા વેપારીઓને ચેતવણી. | અંકલેશ્વરમાં ACBનો સપાટો, ત્રણ પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા. | ઈરાન-અમેરિકા તણાવથી ક્રૂડમાં ઉછાળો, સોનામાં ઘટાડા બાદ ફરી તેજી. | સેન્સેક્સમાં તેજી, નિફ્ટી પણ વધ્યો; એનર્જી અને સિમેન્ટ શેરોમાં ખરીદીનો માહોલ. | સમીમાં એલસીબીનો મોટો દરોડો, ₹60.91 લાખનો વિદેશી દારૂ ઝડપાયો. | તિરુપતિમાં પ્રથમ આરતીના અધિકારને લઈને વિવાદ, કર્ણાટક સરકારના પ્રસ્તાવ સામે વિરોધ. | ‘NAMASTE દિન’ નિમિત્તે રાજકોટમાં સફાઈ કામદારો માટે આરોગ્ય ચકાસણી અને સુરક્ષા શિબિર યોજાઈ. | ઇકોનોમિક ટાઇમ્સની ‘વેડિંગ પાવર લિસ્ટ 2026’માં E9 Eventsને સ્થાન. | જાણો, તા. 15 જુલાઈ 2026, બુધવાર અને અષાઢ સુદ એકમનું રાશિફળ. | તારીખ ૧૫/૦૭/૨૦૨૬ નું ન્યૂઝ પેપર. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૩૭ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું શહેર સમીમાં એલસીબીનો મોટો દરોડો, ₹60.91 લાખનો વિદેશી દારૂ ઝડપાયો.

સમીમાં એલસીબીનો મોટો દરોડો, ₹60.91 લાખનો વિદેશી દારૂ ઝડપાયો.

પાટણ જિલ્લાના સમી તાલુકામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ પ્રોહિબિશન વિરોધી અભિયાન હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ભુસાની બોરીઓની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાના પ્રયાસને નિષ્ફળ બનાવતાં પોલીસે અંદાજે ₹60.91 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કાર્યવાહી દરમિયાન રાજસ્થાનના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂ સપ્લાય કરનાર, પાયલોટિંગ કરનાર અને દારૂ મંગાવનાર સહિત ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ આગામી રથયાત્રાને ધ્યાનમાં રાખીને જિલ્લામાં પ્રોહિબિશન વિરોધી વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ સમી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે RJ-19-GF-7749 નંબરની અશોક લેલેન્ડ ટ્રકને અટકાવી તેની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

 

પોલીસ તપાસ દરમિયાન ટ્રકમાં ભરેલી ભુસાની બોરીઓની નીચે ખૂબ જ ચાલાકીપૂર્વક સંતાડીને રાખવામાં આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી કુલ 22,800 બોટલ અને ટીન કબજે કર્યા હતા, જેની અંદાજિત કિંમત ₹45,73,560 હોવાનું સામે આવ્યું છે. ટ્રક, દારૂ અને અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹60,91,900નો પ્રોહિબિશન મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ટ્રક પર ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

આ કેસમાં પોલીસે રાજેશ દેવારામ જાટ (ઉંમર 22 વર્ષ) અને જગદીશ નારાણારામ જાટ, બંને રહેવાસી બાડમેર (રાજસ્થાન)ની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં દારૂ ભરનાર તરીકે પ્રકાશ બિશ્નોઇ, પાયલોટિંગ કરનાર બાલાજી તથા કડી વિસ્તારના એક અજાણ્યા દારૂ મંગાવનારની સંડોવણી સામે આવી છે. ત્રણેય આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની ધરપકડ માટે વિવિધ ટીમો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પોલીસે આ મામલે સમી પોલીસ મથકે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. કબજે કરાયેલા મુદ્દામાલમાં વિદેશી દારૂ ઉપરાંત ટ્રક, ભુસાની બોરીઓ, ત્રણ મોબાઇલ ફોન, તાડપત્રી અને ખોટી નંબર પ્લેટનો પણ સમાવેશ થાય છે. પોલીસ હવે દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોના માટે મોકલવામાં આવી રહ્યો હતો અને સમગ્ર નેટવર્કમાં અન્ય કોની સંડોવણી છે તે દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે.

 

આ સફળ કામગીરી એલસીબી પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.બી. સોલંકી, પીએસઆઈ પી.વી. ચૌધરી, એએસઆઈ લાલાભાઈ ચેહાભાઈ, એએસઆઈ ઘનશ્યામસિંહ જગતસિંહ, હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ રાણાજી, પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ જેસંગજી તથા ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ જાલમસંગ ભારૂજી સહિતની એલસીબી ટીમે પાર પાડી હતી. પોલીસની આ કામગીરીથી રાજ્યમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે અને આગામી તહેવારો તથા રથયાત્રાને ધ્યાનમાં રાખી આવા ગેરકાયદે કારોબાર સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવો સંદેશ પણ આપવામાં આવ્યો છે.

 

રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ