જાહેરાત
તાજા સમાચાર
રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. |
પાછા મુખ્ય સમાચાર પર
આંતરરાષ્ટ્રીય ૧૧૩ વાર જોવાયેલ • 3 મહિના પેહલા

આંતરરાષ્ટ્રીય અમેરિકાના હવાઈ હુમલા બાદ ઈરાનનો વળતો પ્રહાર, કુવૈત અને બહેરીનમાં મિસાઈલ-ડ્રોન હુમલાથી તણાવ ચરમસીમાએ.

અમેરિકાના હવાઈ હુમલા બાદ ઈરાનનો વળતો પ્રહાર, કુવૈત અને બહેરીનમાં મિસાઈલ-ડ્રોન હુમલાથી તણાવ ચરમસીમાએ.

મનામા/તેહરાન: મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ગંભીર સ્તરે પહોંચી ગયો છે. અમેરિકી સેનાએ ઈરાનના અનેક લશ્કરી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા બાદ ઈરાને બહેરીન અને કુવૈતમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવી ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા હોવાનું બંને પક્ષો તરફથી જણાવાયું છે. હુમલા બાદ બહેરીનમાં ઇમરજન્સી સાયરન વાગ્યા હતા અને નાગરિકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ જવા સૂચના આપવામાં આવી હતી.

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)ના જણાવ્યા મુજબ, અમેરિકાએ ઈરાનના 80થી વધુ લશ્કરી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલામાં ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના એર ડિફેન્સ સિસ્ટમ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, કોસ્ટલ રડાર, એન્ટી-શિપ મિસાઈલ લોન્ચર, ડ્રોન લોન્ચ સાઇટ તેમજ 60થી વધુ ઝડપી પેટ્રોલ બોટને નિશાન બનાવવામાં આવી હતી. હુમલામાં બંદર અબ્બાસ, કેશ્મ દ્વીપ અને સીરિક વિસ્તારના અનેક લશ્કરી ઠેકાણાઓને પણ નુકસાન પહોંચ્યું હોવાનું અમેરિકાએ દાવો કર્યો છે.

આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી જ્યારે ઈરાનમાં સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના અંતિમ સંસ્કારની વિધિઓ ચાલી રહી હતી. આ કારણે સમગ્ર વિસ્તારમાં તણાવ વધુ વધી ગયો છે.

અમેરિકાના હુમલાના થોડા સમય બાદ ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ બહેરીન અને કુવૈતમાં આવેલા અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવી મિસાઈલ અને ડ્રોન હુમલાની જવાબદારી સ્વીકારી હતી. ઈરાને આ હુમલાને અમેરિકી કાર્યવાહીનો જવાબ ગણાવ્યો છે.

હુમલા બાદ બહેરીનના ગૃહ મંત્રાલયે સમગ્ર દેશમાં ઇમરજન્સી સાયરન વગાડ્યા હતા અને નાગરિકો તેમજ વિદેશી રહેવાસીઓને નજીકના સુરક્ષિત આશ્રયસ્થાનોમાં જવા અપીલ કરી હતી. સાથે જ લોકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર સરકારી માધ્યમો દ્વારા જારી કરવામાં આવતી માહિતી પર વિશ્વાસ રાખવા સૂચના આપવામાં આવી હતી.

બીજી તરફ કુવૈતના સૈન્યએ જણાવ્યું કે તેની એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરવામાં આવી છે અને આવતી મિસાઈલો તથા ડ્રોનને હવામાં જ અટકાવવાના પ્રયાસો કરવામાં આવ્યા. સૈન્યએ લોકોને વિસ્ફોટના અવાજોથી ગભરાવું નહીં અને સુરક્ષા દળોની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

આ નવી અથડામણને કારણે મધ્ય પૂર્વમાં ફરી વ્યાપક સંઘર્ષની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે જો બંને દેશો વચ્ચેનો તણાવ વધુ વધશે તો તેની અસર માત્ર ખાડી દેશો સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ વૈશ્વિક ઊર્જા પુરવઠો, તેલના ભાવ અને આંતરરાષ્ટ્રીય વેપાર પર પણ પડી શકે છે.

હાલ પરિસ્થિતિ પર સમગ્ર વિશ્વની નજર છે અને વિવિધ દેશો સંયમ રાખવા તેમજ રાજદ્વારી માર્ગે ઉકેલ લાવવાની અપીલ કરી રહ્યા છે. બંને પક્ષો તરફથી આવનારા દિવસોમાં શું પગલાં લેવામાં આવે છે તેના આધારે મધ્ય પૂર્વની સુરક્ષા સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ