ક્રાઇમ જામનગરમાં ભાડાના મકાનમાંથી શ્રમિકનો સડી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર.
જામનગર શહેરના અંધાશ્રમ વિસ્તારમાં આવેલા જૂના આવાસના એક મકાનમાંથી શ્રમિક યુવાનનો મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ અંધાશ્રમ જૂનું આવાસ, બ્લોક નં. 37, રૂમ નં. 02માં ભાડેથી રહેતા દિલીપભાઈ ચમનભાઈ પોલરા (ઉ.વ. 57), મૂળ સોની સમાજના અને મજૂરી કામ કરતા હતા. તેઓ પોતાના રહેણાંક મકાનના રસોડામાં જમીન પર મૃત હાલતમાં મળી આવ્યા હતા.
પ્રાથમિક તપાસ દરમિયાન મૃતકના શરીરની ચામડી ઉખડી ગયેલી તેમજ શરીર ફૂલી ગયેલી હાલતમાં જોવા મળ્યું હતું, જેના કારણે મૃત્યુને કેટલાક દિવસો વીતી ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો પણ સ્થળે એકત્રિત થઈ ગયા હતા.
બનાવની જાણ મકાન માલિક કિશોરભાઈ વિરજીભાઈ વાડોલીયાએ પોલીસને કરી હતી. માહિતી મળતાં સીટી "સી" ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા તજવીજ શરૂ કરી છે. હાલ પ્રાથમિક દૃષ્ટિએ કોઈ ગુનાહિત બાબત સામે આવી નથી, પરંતુ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોનો સંપર્ક સાધવાની તેમજ તેમના સ્વાસ્થ્ય અને અન્ય સંજોગોની માહિતી મેળવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થશે.
આ ઘટના બાદ અંધાશ્રમ વિસ્તારના રહેવાસીઓમાં પણ ચિંતા અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.