જાહેરાત
તાજા સમાચાર
દેવભૂમિ દ્વારકામાં જુગારધામો પર પોલીસનો સપાટોઃ એક જ દિવસમાં 11 કેસ, 39 આરોપીઓ સામે કાર્યવાહી | નખત્રાણામાં ભયાનક બ્લાસ્ટઃ છોટા હાથીની ડીઝલ ટાંકીમાં વિસ્ફોટ, 4 લોકોના મોત | ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 2 મોતઃ મૃત્યુઆંક 11 થયો, 26 દર્દીઓને સારવાર બાદ રજા | અંબાજી મંદિરમાં રાજુલાના માઈભક્તની અનોખી ભક્તિઃ મા અંબાના ચરણોમાં ₹82,800ની ચાંદીની પાદુકા અર્પણ | ₹15 હજારની આવક અને ₹975 કરોડની ટેક્સ નોટિસ! અજમેરના દરજીને હચમચાવી દેનારો મામલો | મ્યુનિસિપલ એકાઉન્ટન્ટની ભરતીમાં મોટી રાહત! ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ | Jioની મોટી જાહેરાત! ₹300માં મળશે Prime મેમ્બરશિપ | Appleમાં મોટી છટણીઃ 200થી વધુ કર્મચારીઓની નોકરી ગઈ, Siri અને Vision Pro ટીમો પર અસર | હવે દવાઓ પણ નકલી? ગુજરાતમાં મેડિકલ સ્ટોર્સ-એજન્સીઓ પર તંત્રના દરોડા. | ગુજરાત પોલીસમાં મોટો બદલી નિર્ણય: પતિ-પત્નીના કેસમાં 415 કર્મચારીઓની એકસાથે બદલી |
પાછા મુખ્ય સમાચાર પર
આંતરરાષ્ટ્રીય ૫૬ વાર જોવાયેલ 2 મહિના પેહલા

આંતરરાષ્ટ્રીય “સુરક્ષિત સ્થળાંતર અને બાળમજૂરી નાબૂદી” માટે સૌએ મળીને કામ કરવું જરૂરી: મંત્રી કુંવરજીભાઈ બાવળીયા.

“સુરક્ષિત સ્થળાંતર અને બાળમજૂરી નાબૂદી” માટે સૌએ મળીને કામ કરવું જરૂરી: મંત્રી કુંવરજીભાઈ બાવળીયા.

વિશ્વ બાળમજૂરી વિરોધ દિન નિમિત્તે ગાંધીનગરમાં બે દિવસીય આંતર-રાજ્ય ચર્ચાસત્રનો પ્રારંભ, બાળ અધિકારોના સંરક્ષણ અને બાળમજૂરી નાબૂદી પર ભાર

ગાંધીનગર: બાળમજૂરી જેવી ગંભીર સામાજિક સમસ્યાના ઉકેલ માટે સરકાર, સમાજ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકોએ સંયુક્ત પ્રયાસો કરવાની જરૂર હોવાનું રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક કહ્યું કે “સુરક્ષિત સ્થળાંતર અને બાળમજૂરી નાબૂદી” માત્ર વહીવટી કે કાનૂની જવાબદારી નથી, પરંતુ એક માનવીય અને સામાજિક કર્તવ્ય છે, જેને સૌએ મળીને નિભાવવું પડશે.

વિશ્વ બાળમજૂરી વિરોધ દિનના અનુસંધાને સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA), ગાંધીનગર ખાતે આયોજિત બે દિવસીય આંતર-રાજ્ય ચર્ચાસત્રના ઉદ્ઘાટન પ્રસંગે તેઓ સંબોધન કરી રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, મહાત્મા ગાંધી લેબર સંસ્થાન (MGLI) અને યુનિસેફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.

વિકાસની ગાથામાં પ્રવાસી શ્રમિકોનું મહત્વપૂર્ણ યોગદાન

મંત્રીશ્રીએ જણાવ્યું કે ભારતના ઔદ્યોગિક, કૃષિ, બાંધકામ અને સેવા ક્ષેત્રના વિકાસમાં પ્રવાસી શ્રમિકોનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે. તેઓ દેશના વિકાસના સાચા આધારસ્તંભ છે. ગુજરાત જેવા ઔદ્યોગિક રાજ્યમાં દેશના વિવિધ ભાગોમાંથી લાખો શ્રમિકો રોજગારી માટે આવે છે અને રાજ્યની આર્થિક પ્રગતિમાં સહભાગી બને છે.

જો કે, સ્થળાંતર સાથે અનેક પડકારો પણ જોડાયેલા હોય છે. જ્યારે કોઈ શ્રમિક પરિવાર રોજગાર માટે સ્થળ બદલે છે ત્યારે તેમના બાળકોનું શિક્ષણ ખોરવાય છે, આરોગ્ય સેવાઓમાં વિક્ષેપ આવે છે અને તેઓ ઘણી વખત સામાજિક સુરક્ષા તેમજ બાળ સંરક્ષણના અધિકારોથી વંચિત રહી જાય છે. આવી પરિસ્થિતિઓ બાળમજૂરી, બાળ તસ્કરી અને વિવિધ પ્રકારના શોષણને પ્રોત્સાહન આપી શકે છે.

 

બાળમજૂરી સામે રાજ્ય સરકારના બહુઆયામી પ્રયાસો

કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું કે ગુજરાત સરકાર બાળમજૂરી અને બાળ શોષણ જેવી સમસ્યાઓના નિવારણ માટે બહુઆયામી અભિગમ અપનાવી રહી છે. રાજ્યમાં જિલ્લા કક્ષાએ કાર્યરત ટાસ્ક ફોર્સને વધુ સશક્ત બનાવવામાં આવી રહી છે. ઉપરાંત વિવિધ વિભાગો વચ્ચે સંકલન વધારી બાળકોના બચાવ, પુનર્વસન અને પુનઃસ્થાપનની પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.

તેમણે જણાવ્યું કે શ્રમિકોના ઓનલાઈન રજીસ્ટ્રેશન, વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમો અને સામાજિક સુરક્ષા યોજનાઓના વ્યાપને વિસ્તૃત કરવા સરકાર સતત કાર્યરત છે.

મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે બાળમજૂરી નાબૂદ કરવા માટે માત્ર કાયદો પૂરતો નથી. દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ, સુરક્ષિત વાતાવરણ, આરોગ્ય સેવાઓ અને સમાન તકો ઉપલબ્ધ કરાવવી એટલી જ જરૂરી છે.

બાળમજૂરી બાળકોના ભવિષ્ય પર સીધો પ્રહાર

ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું કે બાળમજૂરી માત્ર કાયદાનું ઉલ્લંઘન નથી, પરંતુ બાળકોના સપનાઓ, અધિકારો અને ભવિષ્ય પર થતો સીધો હુમલો છે.

તેમણે જણાવ્યું કે દરેક બાળકને સુરક્ષિત બાળપણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, સંરક્ષણ અને સન્માનપૂર્વક જીવન જીવવાનો સમાન અધિકાર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના “વિકસિત ભારત 2047”ના સ્વપ્નને સાકાર કરવા માટે દેશના બાળકોનું શિક્ષિત અને સુરક્ષિત હોવું અનિવાર્ય છે.

તેમણે બાળમજૂરી અને માનવ તસ્કરી જેવા જોખમો સામે તમામ રાજ્યોને સંકલિત અભિગમ અપનાવવાની અપીલ કરી હતી. માહિતીના આદાન-પ્રદાન, બાળકોની ટ્રેકિંગ સિસ્ટમ અને પુનર્વસન પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

બાળમજૂરી માત્ર કાનૂની નહીં પરંતુ સામાજિક પ્રશ્ન

ગુજરાતના લેબર કમિશનર શ્રી કે.ડી. લાખાણીએ જણાવ્યું કે બાળમજૂરીને માત્ર કાનૂની અથવા આર્થિક દૃષ્ટિકોણથી જોવી પૂરતી નથી. તે શિક્ષણ, આરોગ્ય, પોષણ અને સામાજિક સુરક્ષા સાથે સંકળાયેલો વ્યાપક સામાજિક પ્રશ્ન છે.

તેમણે જણાવ્યું કે રોજગારની શોધમાં સ્થળાંતર કરતા પરિવારોના બાળકોને સતત શિક્ષણ, પોષણ અને સુરક્ષા મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. કોઈપણ માતા-પિતા પોતાના બાળકનું ભવિષ્ય અંધકારમય બને તેવું ઇચ્છતા નથી, તેથી બાળમજૂરી પાછળ રહેલા મૂળ કારણોને સમજવું અને તેનો કાયમી ઉકેલ લાવવો જરૂરી છે.

બે દિવસીય વર્કશોપમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા

લેબર કમિશનરશ્રીએ જણાવ્યું કે આ બે દિવસીય ચર્ચાસત્ર દરમિયાન સ્થળાંતર અને બાળમજૂરીના જોખમો, કાનૂની માળખું, બચાવ કામગીરી, પુનર્વસન પ્રક્રિયા, પુનઃસમાવેશ અને સમુદાય આધારિત હસ્તક્ષેપો જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

વિવિધ રાજ્યોના અનુભવ, સફળ મોડેલ અને શ્રેષ્ઠ પ્રથાઓના આદાન-પ્રદાન દ્વારા બાળમજૂરીમુક્ત સમાજના નિર્માણ માટે અસરકારક રોડમેપ તૈયાર કરવાનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.

વિકસિત ભારત માટે બાળમજૂરીનો અંત જરૂરી

MGLIના ડિરેક્ટર જનરલ શ્રી પ્રવીણ સોલંકીએ જણાવ્યું કે બાળમજૂરીને માત્ર એક અલગ સમસ્યા તરીકે નહીં પરંતુ સામાજિક અને આર્થિક પરિપ્રેક્ષ્યમાં જોવાની જરૂર છે. દેશ વિકસિત રાષ્ટ્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે ત્યારે બાળમજૂરી સમાજ માટે એક કલંક સમાન છે.

તેમણે વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓને ખુલ્લા મનથી પોતાના અનુભવો શેર કરવાની અપીલ કરી હતી જેથી સફળ મોડેલો અન્ય રાજ્યોમાં પણ અમલમાં મૂકી શકાય.

યુનિસેફનો ભાર: શિક્ષણ સૌથી મોટું સુરક્ષા કવચ

યુનિસેફના પ્રતિનિધિ ડૉ. નારાયણ ગાંવકરે જણાવ્યું કે ગુજરાતમાં મોટા પ્રમાણમાં અન્ય રાજ્યોમાંથી શ્રમિકો સ્થળાંતર કરે છે. આર્થિક પ્રગતિ મહત્વપૂર્ણ છે, પરંતુ તે બાળકોના શિક્ષણ, સુરક્ષા અને સ્વાસ્થ્યના ભોગે ન થવી જોઈએ.

તેમણે જણાવ્યું કે યુનિસેફ વર્ષોથી બાળમજૂરી નિવારણ માટે સરકાર સાથે મળીને કાર્ય કરી રહ્યું છે. તેના ત્રણ મુખ્ય આધારસ્તંભ છે – બાળમજૂરીનું નિવારણ, કિશોરોને શિક્ષણ અને કૌશલ્ય વિકાસ તરફ દોરવા તથા દરેક બાળક સુધી સતત શિક્ષણ પહોંચાડવું.

તેમના મતે શિક્ષણ જ બાળમજૂરી સામેનું સૌથી મજબૂત અને અસરકારક સુરક્ષા કવચ છે.

વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ જોડાયા

સ્પીપા ખાતે આયોજિત આ મહત્વપૂર્ણ ચર્ચાસત્રમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના શ્રમ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, બાળ અધિકાર ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ, નીતિ નિર્માતાઓ અને વિષય નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.

બે દિવસ દરમિયાન બાળમજૂરી નાબૂદી માટેની શ્રેષ્ઠ પ્રથાઓ, સફળ મોડેલ, પુનર્વસન વ્યવસ્થાઓ અને ભાવિ કાર્યયોજનાઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે. નિષ્ણાતોના મત અનુસાર આવા સંકલિત પ્રયાસો દ્વારા જ બાળમજૂરીમુક્ત અને શિક્ષિત ભારતના સ્વપ્નને સાકાર કરી શકાય છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ