મારું ગુજરાત હવે ટ્રાફિક ફરિયાદો માટે એક જ નંબર ‘112’: ગુજરાત પોલીસનો મહત્વપૂર્ણ નિર્ણય, જૂનો હેલ્પલાઇન નંબર થશે બંધ.
નાગરિકોની સુવિધા અને ઝડપી પ્રતિસાદ વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા ટ્રાફિક ફરિયાદ વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે રાજ્યમાં ટ્રાફિક સંબંધિત કોઈપણ ફરિયાદ, સૂચન અથવા રજૂઆત માટે નાગરિકોએ અલગ નંબર યાદ રાખવાની જરૂર રહેશે નહીં. તા. 1 ઓગસ્ટ, 2026થી ટ્રાફિક ફરિયાદો માટે માત્ર એક જ ઈમરજન્સી નંબર ‘112’નો ઉપયોગ કરી શકાશે.
ગુજરાત પોલીસ દ્વારા ટ્રાફિક ફરિયાદો માટે કાર્યરત અલગ હેલ્પલાઇન નંબરને હવે સમગ્ર દેશમાં કાર્યરત 112 Emergency Response Support System (ERSS) સાથે સંકલિત કરવામાં આવ્યો છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ તમામ પ્રકારની ઈમરજન્સી સેવાઓને એક જ વ્યવસ્થા હેઠળ લાવી નાગરિકોને ઝડપી અને સરળ સહાય પૂરી પાડવાનો છે.
અગાઉ ટ્રાફિક સંબંધિત ફરિયાદો માટે કાર્યરત ટોલ ફ્રી નંબર 1800 233 1122 પર નાગરિકો પોતાની ફરિયાદો નોંધાવતા હતા. જોકે, આ નંબર પર પ્રમાણમાં ઓછી ફરિયાદો નોંધાતી હોવાને કારણે અને કેન્દ્ર સરકારની ઈમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ હેઠળ તમામ સેવાઓને એક પ્લેટફોર્મ પર લાવવાના હેતુથી આ નંબરને હવે 112 સાથે મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત પોલીસના સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હેલ્પલાઇન નંબર બદલાયો છે પરંતુ ટ્રાફિક સંબંધિત ઓનલાઇન અને એપ આધારિત ફરિયાદ વ્યવસ્થાઓ યથાવત રહેશે. નાગરિકો અગાઉની જેમ ડિજિટલ માધ્યમો દ્વારા પણ પોતાની ફરિયાદો અને સૂચનો આપી શકશે.
આ નિર્ણય ખાસ કરીને વરસાદી પરિસ્થિતિમાં વાહનચાલકો માટે ઉપયોગી સાબિત થશે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, વૃક્ષો ધરાશાયી થવા અથવા માર્ગ અવરોધ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આવી પરિસ્થિતિમાં ટ્રાફિક સમસ્યા કે કોઈપણ તાત્કાલિક મદદની જરૂર હોય તો વાહનચાલકો હવે સીધો 112 નંબર પર સંપર્ક કરી શકશે.
પોલીસ તંત્ર દ્વારા જણાવાયું છે કે, વરસાદી આફત કે અન્ય કોઈ ઈમરજન્સી દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રાખવા માટે જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે. નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ ટ્રાફિક સંબંધિત તમામ ફરિયાદો, માર્ગ અવરોધ, અકસ્માત અથવા તાત્કાલિક સહાય માટે માત્ર ‘112’ હેલ્પલાઇનનો ઉપયોગ કરે અને પોલીસ તંત્રને સહયોગ આપે.
હવે નાગરિકો માટે અલગ અલગ હેલ્પલાઇન નંબર યાદ રાખવાની જરૂર નહીં રહે. એક જ ઈમરજન્સી નંબર 112 દ્વારા ટ્રાફિક સહિતની વિવિધ આપત્તિ અને તાત્કાલિક સેવાઓ માટે ઝડપી મદદ મેળવી શકાશે. ગુજરાત પોલીસનો આ નિર્ણય રાજ્યમાં ટ્રાફિક વ્યવસ્થા અને જાહેર સુરક્ષાને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.