એજ્યુકેશન ઘેડ વિસ્તારમાં વિદ્યાર્થીઓમાં સ્વસ્થ જીવનશૈલી અને વ્યસનમુક્તિ અંગે જાગૃતિઃ પેકેટ ફૂડ સામે શાળાઓની અનોખી પહેલ.
પોરબંદર: ઘેડ વિસ્તારમાં વિદ્યાર્થીઓમાં સ્વસ્થ જીવનશૈલી, પોષણયુક્ત આહાર અને વ્યસનમુક્તિ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી ઘેડ સામાજિક વિકાસ સમિતિ દ્વારા વિવિધ પ્રાથમિક શાળાઓમાં જાગૃતિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
મિત્રાળા, દેરોદર, એસરડા, નેરાણા અને પાદરડી પ્રાથમિક શાળાઓ ખાતે યોજાયેલા કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને નાની ઉંમરથી જ સ્વસ્થ આહાર, નિયમિત જીવનશૈલી અને શારીરિક પ્રવૃત્તિનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
સ્વાસ્થ્ય અને વ્યસનમુક્તિ અંગે ડૉ. ભરત ચૌહાણનું માર્ગદર્શન
કાર્યક્રમ દરમિયાન ડૉ. ભરત ચૌહાણ દ્વારા વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય જાળવણી, આયુર્વેદ અને વ્યસનમુક્તિ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને બજારમાં સરળતાથી ઉપલબ્ધ પેકેટ ફૂડ અને જંક ફૂડના વધુ પડતા સેવનથી સ્વાસ્થ્ય પર થતી સંભવિત આડઅસરો અંગે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યા હતા.
તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં નિયમિતતા, અનુશાસન, શિસ્ત અને ધ્યેય નિર્ધારણ જેવા ગુણો કેળવવા પ્રેરણા આપી હતી. નાની ઉંમરથી સ્વસ્થ ટેવો વિકસાવવાથી ભવિષ્યમાં સ્વસ્થ અને સફળ જીવન જીવવામાં મદદ મળે છે તે અંગે પણ સમજણ આપવામાં આવી હતી.
મોબાઇલ અને ટીવીના વધુ પડતા ઉપયોગ સામે પણ જાગૃતિ
ત્યારબાદ બળેજ ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય ભરતભાઈ જાડેજા દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસમાં એકાગ્રતા વધારવા માટે વિવિધ ઉપયોગી સૂચનો આપવામાં આવ્યા હતા.
મોબાઇલ ફોન અને ટીવી સ્ક્રીનના વધુ પડતા ઉપયોગથી થતી આડઅસરો અંગે વિદ્યાર્થીઓને સરળ અને રસપ્રદ રીતે સમજાવવામાં આવ્યું હતું. સાથે જ વિદ્યાર્થીઓને મોબાઇલ અને સ્ક્રીન પાછળ વધુ સમય પસાર કરવાને બદલે બહારની રમતો, કસરત અને અન્ય શારીરિક પ્રવૃત્તિઓમાં સમય ફાળવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
એસરડા શાળામાં પેકેટ નાસ્તા પર પ્રતિબંધનો નિર્ણય
આ જાગૃતિ કાર્યક્રમ બાદ એસરડા ગ્રામ પંચાયત, સરપંચશ્રી અને પ્રાથમિક શાળા દ્વારા બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
શાળામાં હવે કોઈપણ વિદ્યાર્થી બજારમાંથી મળતો પેકેટવાળો નાસ્તો લાવી શકશે નહીં. નાની ઉંમરથી જ બાળકોમાં પોષણયુક્ત અને સ્વસ્થ આહારની ટેવ વિકસે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પાદરડી પ્રાથમિક શાળામાં પણ આવો નિયમ અગાઉથી અમલમાં હોવાનું જણાવાયું છે. શાળા અને ગ્રામ પંચાયત દ્વારા બાળકોના સ્વાસ્થ્યને લઈને લેવામાં આવી રહેલી આ પહેલને પ્રશંસનીય ગણવામાં આવી રહી છે.
શાળા અને ગ્રામ પંચાયતનો સહયોગ
ઘેડ સામાજિક વિકાસ સમિતિના આ જાગૃતિ અભિયાનને વિવિધ શાળાઓ તેમજ ગ્રામ પંચાયતોનો સહયોગ મળી રહ્યો છે. વિદ્યાર્થીઓમાં સ્વસ્થ આહાર, વ્યસનથી દૂર રહેવા, મોબાઇલનો મર્યાદિત ઉપયોગ કરવા અને શારીરિક પ્રવૃત્તિ વધારવા અંગે સતત જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
કાર્યક્રમમાં ઘેડ સામાજિક વિકાસ સમિતિના પ્રમુખ લીલાભાઈ પરમાર, ઉપપ્રમુખ કરશનભાઈ ઓડેદરા, ઘેડ સામાજિક વિકાસ સમિતિ પોરબંદર તાલુકા પ્રમુખ વિરમભાઈ પરમાર, તેમજ મિત્રાળાના સરપંચ કારાભાઈ ભૂતિયા, એસરડાના સરપંચ જીવાભાઈ ઓડેદરા, દેરોદરના રામભાઈ ભૂતિયા સહિત આગેવાનો, શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
વિદ્યાર્થીઓને અમૃત પેય ઉકાળાનું વિતરણ
કાર્યક્રમના અંતે આયુષ્માન આરોગ્ય મંદિર, સેગરસ દ્વારા સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિ જાળવવામાં મદદરૂપ એવા અમૃત પેય ઉકાળાનું વિદ્યાર્થીઓ તેમજ ઉપસ્થિત લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનો મુખ્ય સંદેશ “સ્વસ્થ બાળક – સ્વસ્થ સમાજ – સ્વસ્થ ઘેડ” રહ્યો હતો. બાળકોમાં નાની ઉંમરથી જ સ્વસ્થ આહાર, વ્યસનમુક્ત જીવન, શારીરિક પ્રવૃત્તિ અને શિસ્તબદ્ધ જીવનશૈલી અંગે જાગૃતિ આવે તે દિશામાં આ અભિયાન મહત્વપૂર્ણ બની રહ્યું છે.
રીપોર્ટર – સુભાષ માવદીયા