જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૯૪ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

મારું શહેર દત્તક વિધાનથી બે નિરાધાર શિશુઓને મળ્યો પરિવારનો પ્રેમ, જામનગરથી રાજસ્થાનના દંપતિઓને સોંપાયા બાળકો.

દત્તક વિધાનથી બે નિરાધાર શિશુઓને મળ્યો પરિવારનો પ્રેમ, જામનગરથી રાજસ્થાનના દંપતિઓને સોંપાયા બાળકો.

જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લાગણીસભર દત્તક વિધાન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા કલેક્ટરશ્રી પી.બી. પંડ્યાના હસ્તે જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં ઉછરી રહેલા બે નિરાધાર શિશુઓને રાજસ્થાનના બે દંપતિઓને દત્તક વિધાન અંતર્ગત સોંપવામાં આવ્યા હતા. સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી (CARA)ની માર્ગદર્શિકા મુજબ તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ બાળકોને નવા પરિવારની હુંફ મળી, જ્યારે સંતાન સુખથી વંચિત રહેલા બે પરિવારોનું સ્વપ્ન પણ સાકાર બન્યું.

જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં રહેલા આ બંને શિશુઓ માટે રાજસ્થાનના દંપતિઓએ દત્તક લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા જરૂરી દસ્તાવેજી અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. ત્યારબાદ કલેક્ટરશ્રીના હસ્તે બાળકોને તેમના નવા વાલીઓને સોંપવામાં આવ્યા. સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને કાયદાકીય નિયમો અનુસાર પૂર્ણ કરવામાં આવી હતી.

બાળક દત્તક લેનાર એક દંપતીએ જણાવ્યું હતું કે નોંધણી કરાવ્યાના દિવસથી લઈને બાળક મળ્યો ત્યાં સુધી સ્થાનિક વહીવટી તંત્ર, જિલ્લા બાળ સુરક્ષા એકમ અને કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ દ્વારા સતત માર્ગદર્શન અને સહયોગ મળ્યો હતો. સરકારના વિવિધ વિભાગોની મદદના કારણે આજે તેમનો પરિવાર પૂર્ણ બન્યો છે. તેમણે આશા વ્યક્ત કરી કે દરેક નિરાધાર બાળકને પણ આવો જ પ્રેમાળ પરિવાર મળે.

અન્ય એક દંપતીએ જણાવ્યું કે તેમણે ત્રણ વર્ષ પહેલાં CARAના માધ્યમથી દત્તક પ્રક્રિયા શરૂ કરી હતી. લાંબી રાહ બાદ આજે તેમને માત્ર બાળક જ નહીં, પરંતુ જીવનની સૌથી મોટી ખુશી મળી છે. તેમણે જણાવ્યું કે દુનિયામાં અનેક બાળકો એવા છે, જેમને પરિવારની જરૂર છે અને અનેક દંપતિ એવા છે, જે સંતાન સુખથી વંચિત છે. દત્તક વિધાન જેવી વ્યવસ્થા બંને માટે આશીર્વાદ સમાન છે.

 

વાલીઓએ જિલ્લા વહીવટી તંત્ર, બાળ કલ્યાણ સમિતિ, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, જિલ્લા બાળ સુરક્ષા એકમ તથા કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આ તમામ વિભાગોની સંવેદનશીલ કામગીરીના કારણે બે બાળકોના જીવનમાં નવી આશા અને નવા પરિવારનું સુખ આવ્યું છે.

કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, નિવાસી અધિક કલેક્ટરશ્રી વિમલ ચૌધરી, સમાજ સુરક્ષા અધિકારી હસમુખભાઈ એમ. રામાણી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર.જે. શિયાર, બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ભાવિનભાઈ ભોજાણી, સમિતિના સભ્યો, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના મેનેજર ઉર્વીબેન સીતાપરા સહિત સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા વહીવટી તંત્રે જણાવ્યું હતું કે દત્તક વિધાન માત્ર કાનૂની પ્રક્રિયા નથી, પરંતુ બે નિરાધાર બાળકોને પરિવારનો પ્રેમ, સુરક્ષા અને ઉજ્જવળ ભવિષ્ય આપવાનો માનવતાભર્યો પ્રયાસ છે. આવી પહેલ સમાજમાં અનાથ બાળકોને સન્માનપૂર્ણ જીવન આપવા અને સંતાનની ઈચ્છા ધરાવતા પરિવારોને ખુશીઓ આપવાનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ