ટેક્નોલોજી ઉનાળામાં EV વાપરનારાઓ માટે ખાસ ચેતવણી : આ ભૂલો બેટરીને પહોંચાડી શકે ભારે નુકસાન
દેશભરમાં ઉનાળાની ભારે ગરમી વચ્ચે હવે ઈલેક્ટ્રિક વાહનો એટલે કે EV વાપરતા લોકો માટે ખાસ સાવચેતી રાખવી જરૂરી બની ગઈ છે. વધતી ગરમી માત્ર લોકોના સ્વાસ્થ્ય પર જ નહીં પરંતુ ઈલેક્ટ્રિક વાહનોની બેટરી અને પરફોર્મન્સ પર પણ સીધી અસર કરતી હોય છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઉનાળામાં થોડી બેદરકારી પણ EV બેટરીની લાઈફ ઘટાડવા સાથે અકસ્માતનું કારણ બની શકે છે. ખાસ કરીને ઈલેક્ટ્રિક સ્કૂટર અને બાઈક વાપરતા લોકો માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું અત્યંત જરૂરી ગણાય છે.
ગરમ બેટરીને તરત ચાર્જ ન કરો
લાંબી મુસાફરી કર્યા બાદ અથવા તડકામાં લાંબા સમય સુધી ગાડી ચલાવ્યા પછી EV બેટરી પહેલાથી જ ગરમ થઈ જાય છે. આવી સ્થિતિમાં તરત જ ચાર્જિંગ પ્લગ લગાવી દેવાથી બેટરી પર વધારાનો દબાણ આવે છે. નિષ્ણાતો સલાહ આપે છે કે વાહન ચલાવ્યા બાદ ઓછામાં ઓછા 30 થી 45 મિનિટ સુધી બેટરીને ઠંડી થવા દેવી જોઈએ અને ત્યારબાદ જ ચાર્જિંગ કરવું જોઈએ.
ગરમ બેટરીને સીધી ચાર્જ કરવાથી બેટરી સેલનું તાપમાન વધુ વધી શકે છે, જે બેટરીની કાર્યક્ષમતા ઘટાડે છે. લાંબા ગાળે આ કારણે બેટરીની ક્ષમતા ઓછી થવા સાથે સલામતીનું જોખમ પણ વધી શકે છે.
બેટરીને 40% થી 80% વચ્ચે જ રાખો
EV બેટરી માટે સૌથી મહત્વપૂર્ણ બાબતોમાં એક છે યોગ્ય ચાર્જ લેવલ જાળવવું. નિષ્ણાતો કહે છે કે બેટરીને વારંવાર 0% સુધી ખાલી થવા દેવી અથવા 100% સુધી સંપૂર્ણ ચાર્જ કરવી યોગ્ય નથી. ખાસ કરીને ઉનાળાની ગરમીમાં આ આદત વધુ નુકસાનકારક બની શકે છે.
લિથિયમ-આયન બેટરીઓમાં 0% અને 100% જેવી સ્થિતિ દરમિયાન સેલ પર વધુ દબાણ આવે છે. ગરમી સાથે મળીને આ સ્થિતિ બેટરીના આંતરિક તાપમાનમાં વધારો કરી શકે છે. તેથી શક્ય હોય ત્યાં સુધી બેટરીને 40% થી 80% વચ્ચે જ રાખવાની સલાહ આપવામાં આવે છે.
બપોરના તડકામાં મુસાફરી ટાળો
ઉનાળામાં બપોરના સમયે રસ્તાનું તાપમાન ખૂબ વધી જતું હોય છે. આવી સ્થિતિમાં લાંબા અંતરની મુસાફરી EV માટે મુશ્કેલ બની શકે છે. ભારે ગરમીમાં મોટર અને બેટરી બંને વધુ ગરમ થવાની શક્યતા રહે છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ શક્ય હોય ત્યાં સુધી બપોરના કડકડતા તડકામાં ઈલેક્ટ્રિક સ્કૂટર અથવા બાઈક લઈને બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને લાંબી મુસાફરી માટે સવાર અથવા સાંજનો સમય વધુ યોગ્ય માનવામાં આવે છે.
ટાયર પ્રેશર નિયમિત ચેક કરો
ઘણા લોકો EVમાં ટાયર પ્રેશરને ગંભીરતાથી લેતા નથી, પરંતુ તે બેટરી પર સીધી અસર કરે છે. ગરમીના કારણે ટાયરની અંદરની હવા ફેલાય છે, જેના કારણે ટાયર પ્રેશરમાં ફેરફાર થાય છે.
જો ટાયર પ્રેશર ખોટું હોય તો મોટર પર વધુ લોડ પડે છે અને વાહન વધુ પાવર ખેંચે છે. પરિણામે બેટરી વધુ ગરમ થાય છે અને તેની કાર્યક્ષમતા ઘટે છે. તેથી ઉનાળામાં ટાયર પ્રેશર નિયમિત ચેક કરવું અત્યંત જરૂરી ગણાય છે.
વાહનને છાયડામાં પાર્ક કરો
EVને સીધા સૂર્યપ્રકાશમાં લાંબા સમય સુધી પાર્ક કરવાથી બેટરી પર નકારાત્મક અસર પડી શકે છે. વધારે ગરમીમાં પાર્ક કરેલા વાહનની બેટરીનું તાપમાન ખૂબ વધી જાય છે, જેના કારણે બેટરીની લાઈફ ઓછી થઈ શકે છે.
નિષ્ણાતો ચેતવણી આપે છે કે સતત તડકામાં રહેવાથી “થર્મલ રનઅવે”નું જોખમ પણ વધી શકે છે. થર્મલ રનઅવે એવી સ્થિતિ છે જેમાં બેટરીનું તાપમાન અનિયંત્રિત રીતે વધવા લાગે છે અને આગ લાગવાની શક્યતા ઉભી થાય છે. તેથી શક્ય હોય ત્યાં સુધી વાહનને છાયડાવાળી જગ્યાએ અથવા કવર હેઠળ પાર્ક કરવું જોઈએ.
EV વાપરનારાઓ માટે વધતી જતી સાવચેતી જરૂરી
ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને લોકો EV તરફ વળી રહ્યા છે. પરંતુ સાથે સાથે બેટરી સલામતી અંગે જાગૃતિ પણ એટલી જ જરૂરી બની ગઈ છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં EVમાં આગ લાગવાની કેટલીક ઘટનાઓ સામે આવી હતી, જેના બાદ બેટરી મેનેજમેન્ટ અને સલામતી અંગે વધુ ચર્ચા શરૂ થઈ હતી. ઉનાળાની ગરમીમાં યોગ્ય કાળજી રાખવાથી આવા જોખમોને ઘણી હદ સુધી ઘટાડવામાં મદદ મળી શકે છે.
નિષ્ણાતોનું માનવું છે કે EVની બેટરીને યોગ્ય રીતે વાપરવામાં આવે તો તેની કાર્યક્ષમતા અને આયુષ્ય બંને વધારી શકાય છે. તેથી EV માલિકોએ ગરમીના દિવસોમાં ખાસ સાવચેત રહેવું જરૂરી છે.