ઈન્ડિયા સ્કૂલોમાં દીકરીઓ માટે મેન્સ્ટ્રુઅલ હાઇજીન સુવિધા ફરજિયાત : સુપ્રીમ કોર્ટનો તમામ રાજ્યોને કડક આદેશ, 15 ઓગસ્ટ સુધીમાં રિપોર્ટ આપવા સૂચના
દેશભરની સ્કૂલોમાં અભ્યાસ કરતી લાખો વિદ્યાર્થિનીઓના સ્વાસ્થ્ય, સુરક્ષા અને શિક્ષણને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કડક સૂચના આપતા જણાવ્યું છે કે આગામી 15 ઓગસ્ટ સુધીમાં દરેક સ્કૂલમાં મેન્સ્ટ્રુઅલ હાઇજીન એટલે કે માસિક ધર્મ દરમિયાન જરૂરી સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત તમામ સુવિધાઓ ફરજિયાત ઉપલબ્ધ કરાવવામાં આવે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે આ મામલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે દેશની કોઈ પણ વિદ્યાર્થિનીને માત્ર પીરિયડ્સ અથવા સ્વચ્છતા સંબંધિત સુવિધાઓના અભાવે ભણતરથી વંચિત રહેવું ન પડે. કોર્ટના આદેશ બાદ હવે તમામ રાજ્ય સરકારો અને શિક્ષણ તંત્ર પર સમયમર્યાદામાં જરૂરી સુવિધાઓ ઉભી કરવાની જવાબદારી આવી પહોંચી છે.
કોર્ટ દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ સ્કૂલોમાં છોકરીઓ માટે સ્વચ્છ અને સુરક્ષિત શૌચાલયો, સ્વચ્છ પાણીની સુવિધા, સેનિટરી નેપકિનની ઉપલબ્ધતા અને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવવા માટે જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવી પડશે. માત્ર સુવિધાઓ ઉભી કરવી પૂરતી નહીં પરંતુ તેનો વાસ્તવિક અમલ થાય છે કે નહીં તેની પણ ચકાસણી કરવી પડશે. આ માટે રાજ્યોને કોર્ટ સમક્ષ “કમ્પ્લાયન્સ રિપોર્ટ” રજૂ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે માસિક ધર્મ એક સ્વાભાવિક શારીરિક પ્રક્રિયા છે અને તેના કારણે કોઈ પણ દીકરીનું શિક્ષણ પ્રભાવિત થવું જોઈએ નહીં. દેશના અનેક ગ્રામ્ય અને પછાત વિસ્તારોમાં આજે પણ ઘણી વિદ્યાર્થિનીઓ માત્ર યોગ્ય સુવિધાઓના અભાવે સ્કૂલમાંથી ગેરહાજર રહે છે અથવા અભ્યાસ અધવચ્ચે છોડવા મજબૂર બને છે. આવી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા આ મામલે ગંભીર નોંધ લેવામાં આવી હોવાનું માનવામાં આવે છે.
આ કેસની આગામી સુનાવણી સપ્ટેમ્બર મહિનામાં હાથ ધરવામાં આવશે. તે દરમિયાન કોર્ટ દ્વારા દરેક રાજ્યએ આ દિશામાં કેટલું કામ કર્યું, કેટલી સ્કૂલોમાં સુવિધાઓ ઉભી થઈ અને વાસ્તવમાં વિદ્યાર્થિનીઓને કેટલો લાભ મળ્યો તેની વિગતવાર સમીક્ષા કરવામાં આવશે. જો કોઈ રાજ્ય આદેશના પાલનમાં બેદરકારી દાખવશે તો તેના પર કોર્ટ કડક વલણ અપનાવી શકે તેવી પણ ચર્ચા ચાલી રહી છે.
આ સમગ્ર મામલો ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે કોંગ્રેસ નેતા જયા ઠાકુર દ્વારા જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે દેશભરની તમામ સ્કૂલોમાં વિદ્યાર્થિનીઓ માટે મફત સેનિટરી નેપકિન, સ્વચ્છ શૌચાલયો અને માસિક ધર્મ દરમિયાન જરૂરી આરોગ્ય સુવિધાઓ ફરજિયાત ઉપલબ્ધ કરાવવામાં આવે. અરજીમાં જણાવાયું હતું કે હજુ પણ અનેક સરકારી અને ગ્રામ્ય સ્કૂલોમાં છોકરીઓને મૂળભૂત સ્વચ્છતા સુવિધાઓ મળતી નથી, જેના કારણે તેમના શિક્ષણ અને સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે.
આ મુદ્દો માત્ર આરોગ્ય સાથે જ નહીં પરંતુ શિક્ષણ અને મહિલા સશક્તિકરણ સાથે પણ સીધો જોડાયેલો માનવામાં આવે છે. અનેક સર્વેક્ષણોમાં સામે આવ્યું છે કે પીરિયડ્સ દરમિયાન યોગ્ય સુવિધાઓ ન હોવાના કારણે ઘણી વિદ્યાર્થિનીઓ મહિનામાં અનેક દિવસ સ્કૂલમાં હાજર રહી શકતી નથી. કેટલીક જગ્યાએ તો દીકરીઓ શરમ, સંકોચ અને સુવિધાઓના અભાવે અભ્યાસ છોડવા સુધી મજબૂર બનતી હોવાનું પણ જાણવા મળ્યું છે.
આરોગ્ય નિષ્ણાતોના મત મુજબ યોગ્ય મેન્સ્ટ્રુઅલ હાઇજીન ન જાળવવામાં આવે તો છોકરીઓમાં ઈન્ફેક્શન અને અન્ય આરોગ્ય સમસ્યાઓનું જોખમ વધી શકે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતિના અભાવ અને ગરીબીના કારણે ઘણી છોકરીઓ હજુ પણ અસુરક્ષિત અને અસ્વચ્છ વિકલ્પોનો ઉપયોગ કરતી હોવાના અહેવાલો સામે આવતા રહ્યા છે. તેથી સ્કૂલ સ્તરે જાગૃતિ અને સુવિધા બંને જરૂરી હોવાનું નિષ્ણાતો માને છે.
સામાજિક કાર્યકરો અને શિક્ષણવિદોએ પણ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે. તેમના મત મુજબ આ નિર્ણયથી માત્ર સ્વચ્છતા જ નહીં પરંતુ દીકરીઓના શિક્ષણમાં સતત હાજરી અને આત્મવિશ્વાસમાં પણ વધારો થશે. સ્કૂલોમાં યોગ્ય વાતાવરણ ઉભું થશે તો વિદ્યાર્થિનીઓ વિના સંકોચ અભ્યાસ ચાલુ રાખી શકશે.
ઘણા રાજ્યોમાં અગાઉ પણ સેનિટરી નેપકિન વિતરણ અને શૌચાલય નિર્માણ જેવી યોજનાઓ શરૂ કરવામાં આવી હતી, પરંતુ અનેક જગ્યાએ તેનો અમલ પૂરતો અસરકારક ન હોવાનું કહેવાતું હતું. હવે સુપ્રીમ કોર્ટના સીધા હસ્તક્ષેપ બાદ રાજ્યો માટે આ મુદ્દો વધુ ગંભીર બની ગયો છે.
શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે દીકરીઓ માટે સુરક્ષિત અને સ્વચ્છ સ્કૂલ વાતાવરણ ઉભું કરવું એ માત્ર સરકારની નહીં પરંતુ સમગ્ર સમાજની જવાબદારી છે. માસિક ધર્મ અંગેનો સંકોચ અને અંધશ્રદ્ધા દૂર કરવા માટે જાગૃતિ અભિયાન ચલાવવાની પણ જરૂરિયાત વ્યક્ત થઈ રહી છે.
સુપ્રીમ કોર્ટના આ આદેશને મહિલા આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. હવે દેશભરની નજર એ વાત પર ટકેલી છે કે રાજ્યો અને શિક્ષણ તંત્ર આ આદેશનું કેટલું અસરકારક પાલન કરે છે અને વાસ્તવમાં દેશની લાખો વિદ્યાર્થિનીઓને તેનો કેટલો લાભ મળે છે.