મારું શહેર અમદાવાદમાં DEOનો કડક આદેશ: લાયસન્સ અને હેલ્મેટ વગર વાહન લાવનારા વિદ્યાર્થીઓને શાળામાં 'નો-એન્ટ્રી'
અમદાવાદ: શહેરમાં સગીર વિદ્યાર્થીઓ દ્વારા લાયસન્સ વગર વાહન ચલાવવાના અને હેલ્મેટ વિના શાળાએ આવવાના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)એ તમામ શાળાઓ માટે કડક પરિપત્ર જાહેર કર્યો છે. નવા આદેશ મુજબ 18 વર્ષથી ઓછી ઉંમરના અથવા માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ વગરના વિદ્યાર્થીઓ જો દ્વિચક્રી કે ચતુર્થચક્રી વાહન લઈને શાળાએ આવશે અથવા હેલ્મેટ વિના દ્વિચક્રી વાહન ચલાવીને આવશે તો તેમને શાળા પરિસરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
DEOએ જણાવ્યું કે સગીર વિદ્યાર્થીઓ દ્વારા બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના કારણે ગંભીર અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. તેથી વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવી અને વાલીઓને જવાબદાર બનાવવી સમયની જરૂરિયાત છે.
આગામી 7 દિવસમાં રોડ સેફ્ટી અભિયાન ફરજિયાત
પરિપત્ર મુજબ તમામ શાળાઓએ આગામી સાત દિવસમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમો યોજવાના રહેશે. પ્રાર્થના સભા, વર્ગખંડ માર્ગદર્શન અને વાલી મીટિંગમાં માર્ગ સલામતી અંગે સતત સમજ આપવામાં આવશે. ઉપરાંત RTO, ટ્રાફિક પોલીસ અથવા રોડ સેફ્ટી નિષ્ણાતોને આમંત્રિત કરીને વિશેષ માર્ગદર્શન કાર્યક્રમો પણ યોજવા સૂચના આપવામાં આવી છે.
વાલીઓને લેખિત જાણ કરવી ફરજિયાત
શાળાઓને સૂચના આપવામાં આવી છે કે તમામ વાલીઓને લેખિત પત્ર, વોટ્સએપ, એસએમએસ અથવા અન્ય માધ્યમથી સ્પષ્ટ જાણ કરવામાં આવે કે 18 વર્ષથી ઓછી ઉંમરના અથવા લાઇસન્સ વગરના વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારનું વાહન ચલાવવા માટે મંજૂરી આપવી નહીં.
જો કોઈ વિદ્યાર્થી નિયમનો ભંગ કરીને વાહન લઈને શાળાએ આવે તો તેને કેમ્પસમાં પ્રવેશ આપવામાં નહીં આવે. શાળા દ્વારા તાત્કાલિક વાલીને બોલાવી સમજણ આપવામાં આવશે અને ભવિષ્યમાં આવી ઘટના નહીં બને તેની લેખિત ખાતરી પણ લેવામાં આવશે.
ટ્રાફિક નિયમો અંગે વિશેષ ભાર
શાળાઓને વિદ્યાર્થીઓમાં નીચેની બાબતો અંગે જાગૃતિ લાવવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે:
- હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ
- સીટબેલ્ટ પહેરવાની ટેવ
- ગતિ મર્યાદાનું પાલન
- વાહન ચલાવતી વખતે મોબાઇલનો ઉપયોગ ન કરવો
- તમામ ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવું
સરપ્રાઇઝ ચેકિંગ પણ થશે
DEOએ જણાવ્યું કે ટ્રાફિક પોલીસ અને RTO સાથે સંકલન કરીને શાળાઓમાં સરપ્રાઇઝ ચેકિંગ પણ કરવામાં આવશે. જો શાળા પરિસરમાં સગીર વિદ્યાર્થીઓ દ્વારા લાવવામાં આવેલા વાહનો જોવા મળશે તો તેની તપાસ કરવામાં આવશે. કોઈ શાળાની બેદરકારી સામે આવશે તો સંબંધિત શાળા સામે પણ જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
કાયદાકીય જોગવાઈઓ
મોટર વાહન અધિનિયમ, 1988 હેઠળ:
- કલમ 3: માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ વગર વાહન ચલાવવું ગેરકાયદેસર છે.
- કલમ 4: નિર્ધારિત વય પહેલાં વાહન ચલાવી શકાય નહીં.
- કલમ 5: વાહનના માલિક અથવા વાલીની જવાબદારી નિર્ધારિત કરવામાં આવી છે.
- કલમ 181: લાઇસન્સ વગર વાહન ચલાવવા બદલ દંડની જોગવાઈ.
- કલમ 199A: સગીર દ્વારા વાહન ચલાવવામાં આવે તો વાહનના માલિક અથવા વાલી સામે ગુનો નોંધવાની સાથે દંડાત્મક કાર્યવાહી અને અન્ય કાયદેસરની સજાની જોગવાઈ કરવામાં આવી છે.
શિક્ષણ વિભાગનું માનવું છે કે શાળા, વાલી અને તંત્રના સંયુક્ત પ્રયાસોથી જ વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ આવશે અને માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવામાં મદદ મળશે.