ક્રાઇમ કેશોદમાં જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા, રોકડ સહિત મુદ્દામાલ જપ્ત.
કેશોદ: જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમતા ચાર શખ્સોને કેશોદ પોલીસે ઝડપી પાડી તેમની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ કેશોદ ટાઉન પોલીસને બાતમી મળી હતી કે શહેરના જુના શાક માર્કેટ ગલી, જવાહર ચોક વિસ્તારમાં કેટલાક લોકો જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ટીમ બનાવી સ્થળ પર દરોડો પાડ્યો હતો.
પોલીસની રેઇડ દરમિયાન ચાર વ્યક્તિઓ ઘોડી પાસાનો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી જુદા-જુદા દરની ચલણી નોટો સહિત કુલ રૂ. 3,860ની રોકડ રકમ કબજે કરી હતી. ઉપરાંત જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પકડાયેલા આરોપીઓમાં હસન અલ્લારખાભાઈ જાડેજા, અફજલ દોસમામનભાઈ રાવુકડા, ફારૂક હશનભાઈ શોઢા અને હબીબશા આમદભાઈ સર્વદીનો સમાવેશ થાય છે. ચારેય આરોપીઓને સ્થળ પરથી જ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
આરોપીઓ સામે સંબંધિત જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને આરોપીઓ અગાઉ પણ આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલા હતા કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
કેશોદ પોલીસનું કહેવું છે કે જાહેરમાં જુગાર, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને કાયદો-વ્યવસ્થાને અસર કરતી પ્રવૃત્તિઓ સામે સતત કાર્યવાહી ચાલુ રહેશે. પોલીસે નાગરિકોને પણ અપીલ કરી છે કે આવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે માહિતી મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરે, જેથી સમયસર કાર્યવાહી કરી શકાય.
રિપોર્ટર શોભના બાલસકેશોદ