મારું ગુજરાત ગુજરાત પર મેઘસંકટ: 21 ડેમ હાઈઍલર્ટ પર, 648 રસ્તા બંધ, 40 હજારથી વધુ લોકોનું સ્થળાંતર.
ગુજરાતમાં ચોમાસાની સિઝન હવે જોર પકડી રહી છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સરહદી વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ મુજબ, 24 જુલાઈથી 25 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતના પાટણ, વાવ-થરાદ અને બનાસકાંઠા વિસ્તાર ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને સુરત જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સતત વરસતા વરસાદને પગલે રાજ્યના 21 ડેમોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જ્યારે હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી છે.
ભારે વરસાદના કારણે રાજ્યના માર્ગ વ્યવહાર પર પણ ગંભીર અસર પડી છે. માર્ગ અને મકાન વિભાગના અહેવાલ મુજબ રાજ્યભરમાં કુલ 648 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. તેમાં સ્ટેટ હાઈવે, જિલ્લા માર્ગો, પંચાયત માર્ગો અને અન્ય મહત્વના રસ્તાઓનો સમાવેશ થાય છે. અનેક સ્થળોએ કોઝવે પર પાણી ફરી વળતાં વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરવી પડી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં અનેક ગામોનો સંપર્ક પણ તૂટી ગયો છે. વરસાદી પાણીના કારણે અનેક શહેરોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે અને લોકો દૈનિક જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 34 જિલ્લાના કુલ 265 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સરેરાશ 56.19 મીમી એટલે કે અંદાજે 2.2 ઈંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં 15 ઈંચ જેટલો નોંધાયો છે, જ્યારે રાધનપુરમાં 13.46 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. બનાસકાંઠાના ભાભરમાં 11.3 ઈંચ, દિયોદરમાં 10.83 ઈંચ અને ખેડા જિલ્લાના નડિયાદમાં 10.31 ઈંચ વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોના પાકને પણ નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજ્યના વિવિધ પ્રદેશોમાં વરસાદનું પ્રમાણ પણ ઝડપથી વધી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં મોસમનો સૌથી વધુ 76.39 ટકા એટલે કે 1177.98 મીમી વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં 43.33 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 43.21 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 254.88 મીમી એટલે કે 34.90 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે કચ્છ વિસ્તારમાં અત્યાર સુધીમાં માત્ર 92.90 મીમી એટલે કે 18 ટકા વરસાદ જ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી હોવાથી વહીવટી તંત્ર સતત એલર્ટ મોડ પર કાર્યરત છે.
રાજ્યના જળાશયોમાં પણ વરસાદી પાણીની આવક ઝડપથી વધી રહી છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ કુલ ક્ષમતાના 68.93 ટકા જેટલો એટલે કે 2,30,289 એમસીએફટી પાણીનો સંગ્રહ નોંધાયો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સરેરાશ 44.82 ટકા પાણી ઉપલબ્ધ થયું છે. ભારે વરસાદના કારણે 14 ડેમો સંપૂર્ણ ભરાઈ ગયા છે, જ્યારે 21 ડેમોને હાઈ એલર્ટ, 4 ડેમોને એલર્ટ અને 14 ડેમોને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
રાહત અને બચાવ કામગીરી માટે રાજ્ય સરકારે વિશાળ સ્તરે વ્યવસ્થા ગોઠવી છે. NDRFની 17 ટીમો, SDRFની 32 પ્લાટૂન તેમજ ભારતીય સેનાની 6 ટુકડીઓને વિવિધ અસરગ્રસ્ત જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાંથી 40 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. બચાવ ટીમો સતત પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા, ખોરાક, પીવાનું પાણી અને જરૂરી દવાઓ પહોંચાડવા માટે કાર્યરત છે. સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ, ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગ પણ સંકલન સાથે કામગીરી કરી રહ્યા છે.
ભારે વરસાદની અસર વીજ પુરવઠા પર પણ જોવા મળી છે. GUVNLના વીજ માળખાને નુકસાન થતાં રાજ્યના કુલ 4,525 ગામો અસરગ્રસ્ત બન્યા હતા. જોકે તંત્રની ઝડપી કામગીરીને કારણે 4,348 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે, જ્યારે હજુ પણ 177 ગામોમાં વીજળી ખોરવાયેલી છે અને તેને પૂર્વવત કરવા કામગીરી ચાલુ છે. રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નદી-નાળા અને કોઝવે નજીક ન જવા તેમજ હવામાન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.