મારું શહેર ‘બિલ નહીં ભરો તો ગેસ કનેક્શન કપાશે...’
ગેસ બિલના નામે અમદાવાદના વેપારી સાથે રૂ.10.12 લાખની સાયબર ઠગાઈ
લિંક ન ખોલી હોવા છતાં મોબાઈલ એક્સેસ મેળવી ખાતામાંથી રકમ ઉપાડી
અમદાવાદ શહેરમાં ગેસ બિલ અપડેટ કરવાના બહાને સાયબર ફ્રોડના બનાવો સામે આવી રહ્યા છે. ખાસ કરીને વેપારીઓ, આધેડ અને વૃદ્ધ લોકોને નિશાન બનાવવામાં આવતા હોવાના કિસ્સાઓ વચ્ચે વાસણામાં રહેતા 51 વર્ષીય મેન્યુફેક્ચરિંગ વેપારી જિગ્નેશ શાહ સાથે રૂ.10.12 લાખની સાયબર છેતરપિંડી થયાની ફરિયાદ સામે આવી છે. ફરિયાદ મુજબ, સાયબર ઠગે વોટ્સએપ પર ગેસ કંપનીના લોગોવાળા પ્રોફાઇલમાંથી મેસેજ મોકલીને બાકી બિલના નામે ગેસ કનેક્શન કાપી નાખવાની ધમકી આપી હતી. આ મેસેજથી ગભરાયેલા વેપારીએ પોતાનું બિલ ભર્યું હતું, પરંતુ ત્યારબાદ તેમના અલગ-અલગ બેન્ક ખાતામાંથી મોટી રકમ ઉપડી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, 8 સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે જિગ્નેશ શાહના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો. મેસેજ મોકલનારના પ્રોફાઇલ પિક્ચરમાં ગેસ કંપનીનો લોગો હોવાનું જણાવાયું છે. મેસેજમાં અગાઉનું ગેસ બિલ અપડેટ ન હોવાથી રાત્રે ગેસ કનેક્શન કાપી નાખવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી હતી. સાથે જ બિલ અપડેટ કરવા માટે એક અધિકારીના મોબાઈલ નંબર પર સંપર્ક કરવા જણાવાયું હતું. ઘરે ગેસ કનેક્શન હોવાથી ફરિયાદીને મેસેજ સાચો હોવાનો વિશ્વાસ આવ્યો અને તેમણે આપેલા નંબર પર સંપર્ક કરવાની કાર્યવાહી કરી હતી.
આ પછી જિગ્નેશ શાહે પોતાનું રૂ.1,851નું ગેસ બિલ ઓનલાઈન ભરી દીધું હતું. બિલ ભર્યા બાદ તેનો મેસેજ પણ વોટ્સએપ પર મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમણે મેસેજમાં આપવામાં આવેલા નંબર પર ફોન કરીને બિલ ભરાઈ ગયું હોવાનું જણાવ્યું હતું અને ગેસ કનેક્શન કાપવામાં ન આવે તેવી વિનંતી કરી હતી. ફોન પર વાત કરનાર વ્યક્તિએ વધુ એક લિંક મોકલીને બિલ અપડેટ કરવાની વાત કરી હતી. જોકે, અહીં ફરિયાદીએ સાવચેતી દાખવી હતી અને લિંક ખોલવાનો ઇનકાર કરી ફોન કાપી નાખ્યો હતો. ફરિયાદીના જણાવ્યા મુજબ ત્યારબાદ તેમણે ઠગ દ્વારા મોકલવામાં આવેલી કોઈપણ લિંક ઓપન કરી નહોતી.
પરંતુ આશ્ચર્યજનક રીતે ફોન પર વાત થયાના આશરે દોઢ કલાક બાદ તેમના મોબાઈલનો એક્સેસ મેળવી લેવાયો હોવાનો આરોપ છે. ત્યારબાદ તેમના બેન્ક ખાતામાંથી રકમ ઉપડવાની શરૂઆત થઈ હતી. સૌથી પહેલા રૂ.5 લાખ ડેબિટ થયાનો મેસેજ ફરિયાદીના મોબાઈલ પર આવ્યો હતો. ખાતામાંથી મોટી રકમ ઉપડી જતાં તેઓ તાત્કાલિક પોતાનું એકાઉન્ટ બ્લોક કરાવવા માટે નજીકની બેન્ક શાખા તરફ જવા નીકળ્યા હતા. જોકે, બેન્ક સુધી પહોંચે તે પહેલાં જ ખાતામાંથી વધુ રૂ.5 લાખ ઉપડી ગયા હતા.
ફરિયાદી બેન્કમાં હાજર હતા ત્યારે પણ ટ્રાન્ઝેક્શન અટક્યું નહોતું. આ દરમિયાન તેમના એક ખાતામાંથી વધુ રૂ.10 હજાર અને અન્ય એકાઉન્ટમાંથી રૂ.12,210 ઉપાડવામાં આવ્યા હતા. આમ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂ.10,12,210ની રકમ ટ્રાન્સફર થઈ ગઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સમગ્ર ઘટના સમજાયા બાદ વેપારીએ તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સાવચેતીના ભાગરૂપે મોબાઈલ ફોન ફોર્મેટ પણ કરી દેવામાં આવ્યો હતો.
આ ઘટનામાં ખાસ બાબત એ છે કે ફરિયાદીનો દાવો છે કે તેમણે ઠગ દ્વારા મોકલવામાં આવેલી લિંક ખોલી જ નહોતી. તેમ છતાં તેમના મોબાઈલ અને બેન્ક ખાતાઓ સાથે જોડાયેલી રકમમાંથી લાખો રૂપિયા ઉપડી ગયા હતા. આથી સાયબર સુરક્ષા અંગે અનેક સવાલો ઊભા થાય છે. અજાણ્યા નંબર પરથી આવતા ગેસ, વીજળી, બેન્ક અથવા અન્ય સેવા સંબંધિત મેસેજમાં આપવામાં આવેલી માહિતી પર તરત વિશ્વાસ ન કરવા અને કોઈપણ વ્યક્તિને OTP, PIN, પાસવર્ડ કે બેન્કિંગ વિગતો ન આપવા નિષ્ણાતો સતત સલાહ આપે છે. ખાસ કરીને કનેક્શન કાપી નાખવાની ધમકી આપતા મેસેજથી ગભરાઈને તાત્કાલિક ઓનલાઈન કાર્યવાહી કરવાથી બચવું જરૂરી છે.
ફરિયાદ બાદ સાયબર ક્રાઈમ તંત્ર દ્વારા રકમના ટ્રાન્ઝેક્શન અને ઘટનાક્રમ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. ફરિયાદી દ્વારા 1930 હેલ્પલાઈન પર સમયસર જાણ કરવામાં આવી હતી અને બાદમાં ડેબિટ થયેલી રકમમાંથી રૂ.10,000 તેમના ખાતામાં પરત આવ્યા હોવાનું જણાવાયું છે. સમગ્ર બનાવ ફરી એકવાર ચેતવણી આપે છે કે ગેસ બિલ, વીજળી બિલ અથવા કોઈપણ સરકારી-ખાનગી સેવા બંધ કરવાની ધમકી આપતો મેસેજ આવે તો પહેલા સંબંધિત કંપનીની સત્તાવાર એપ, વેબસાઇટ અથવા કસ્ટમર કેર નંબર પરથી તેની ખરાઈ કરવી જોઈએ. સાયબર ઠગાઈનો ભોગ બન્યા બાદ શક્ય તેટલી વહેલી તકે 1930 પર જાણ કરવાથી નાણાં રોકવાની કાર્યવાહી માટે મદદ મળી શકે છે.