ક્રાઇમ ગીર સોમનાથમાં ગેરકાયદેસર ગાંજાના વાવેતર પર ANTFનો દરોડો, મહિલા આરોપી ઝડપાઈ; રૂ. 4.47 લાખનો મુદ્દામાલ જપ્ત.
રાજ્યમાં માદક પદાર્થોના ઉત્પાદન અને હેરફેર સામે ચાલી રહેલા અભિયાન અંતર્ગત એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) જુનાગઢ વિંગ અને રાજકોટ ઝોન સી.આઈ.ડી. ક્રાઈમની ટીમે ગીર સોમનાથ જિલ્લામાં સફળ કાર્યવાહી હાથ ધરી છે. દરોડા દરમિયાન ગેરકાયદેસર રીતે ઉગાડવામાં આવેલા ગાંજાના છોડ સાથે એક મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ વધુ અસરકારક કામગીરી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. તે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર આર. જી. બારોટના સીધા માર્ગદર્શન હેઠળ ANTF જુનાગઢ વિંગની ટીમે બાતમીના આધારે ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના પાંચકવડ રોડ પર આવેલી જોડીયા હનુમાન મંદિર નજીક આવેલા કમ્પાઉન્ડમાં દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન સ્થળ પરથી ગેરકાયદેસર રીતે ઉગાડવામાં આવેલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી મહિલા આરોપી ગંગાદાસજી મવપૈસલિંહજી (ઉં.વ. 36), રહે. જોડીયા હનુમાન મંદિર, ઊના–પાંચકવડ રોડ, તાલુકો ઊના, જિલ્લા ગીર સોમનાથને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે સ્થળ પરથી અંદાજે 8 કિલો 833 ગ્રામ ગાંજાના છોડ તેમજ બે મોબાઇલ ફોન કબજે કર્યા હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે રૂ. 4,47,150 હોવાનું પોલીસે જણાવ્યું છે.
આ સમગ્ર મામલે મહિલા આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ, 1985ની કલમ 8(c) અને 20(b)(ii) હેઠળ ઊના પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે કે ગાંજાનું વાવેતર વ્યક્તિગત ઉપયોગ માટે કરવામાં આવ્યું હતું કે તેની પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે.
આ સફળ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર આર. જી. બારોટ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર. બી. દેવમુરારી, હેડ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ બાબુભાઈ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ મનુભા, પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ ડાયાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ નિલેશકુમાર નાનાભાઈ તેમજ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ લાખણશીભાઈ ભુતીયા સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
પોલીસે જણાવ્યું છે કે રાજ્યમાં માદક પદાર્થોના ગેરકાયદેસર ઉત્પાદન અને વેપાર સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ સતત કાર્યવાહી ચાલુ રહેશે અને આવા ગુનાઓમાં સંડોવાયેલા લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.