જાહેરાત
તાજા સમાચાર
લાલપુર પંથકના ખેડૂતોની માંગઃ રૂપાવટી ડેમમાં સૌની યોજના મારફતે નર્મદાનું પાણી છોડવામાં આવે, સિંચાઈ માટે તાત્કાલિક રાહતની અપીલ | આમોદના સરભાણ ગામે શાળા પ્રવેશોત્સવની ઉજવણી : ધારાસભ્ય ડી.કે. સ્વામીએ બાળકોને નિયમિત અભ્યાસ અને ઉચ્ચ લક્ષ્ય માટે પ્રેરણા આપી | જામનગર મનપાની ફરિયાદ વ્યવસ્થામાં મોટો ફેરફાર : હવે OTP વેરિફિકેશન બાદ જ ગણાશે ફરિયાદનો નિકાલ. | રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે દિવસીય જામનગર પ્રવાસે : પ્રાકૃતિક ખેતી, વૃક્ષારોપણ અને ખેડૂતો સાથે સંવાદ સહિતના કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત | સલાયામાં જાહેરમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો: 6 શખ્સ ઝડપાયા, રૂ. 35 હજારથી વધુનો મુદ્દામાલ કબજે. | પુણે કેતન અગ્રવાલ હત્યાકાંડઃ પિતાની રાષ્ટ્રપતિને ભાવુક અપીલ, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપી સુનાવણીની માંગ | જાંબુડા વોટર પાર્કમાં કરુણ ઘટના: નહાતી વેળાએ 14 વર્ષના તરુણને છાતીમાં દુઃખાવો ઉપડ્યો, સારવાર દરમિયાન મોત. | ભરૂચમાં ‘લંડનથી સોનું’ની લાલચ આપી ઓનલાઈન ઠગાઈનો પ્રયાસ નિષ્ફળઃ 181 અભયમની સતર્કતાથી મહિલા આત્મઘાતી પગલું ભરતા બચી | જામનગરમાં ઓફિસબોયની કરતૂતનો પર્દાફાશ: મેનેજરનું ચોરાયેલું લેપટોપ રહેણાંક રૂમમાંથી મળી આવ્યું. | ચેક બાઉન્સ કેસમાં અભિનેતા રાજપાલ યાદવને 3 મહિનાની જેલ. |
પાછા મુખ્ય સમાચાર પર
રાજકારણ ૧૦ વાર જોવાયેલ 56 મિનિટ પેહલા

રાજકારણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે દિવસીય જામનગર પ્રવાસે : પ્રાકૃતિક ખેતી, વૃક્ષારોપણ અને ખેડૂતો સાથે સંવાદ સહિતના કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે દિવસીય જામનગર પ્રવાસે : પ્રાકૃતિક ખેતી, વૃક્ષારોપણ અને ખેડૂતો સાથે સંવાદ સહિતના કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત

જામનગર, તા. ૧૦ જુલાઈ : ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત તા. ૧૨ અને ૧૩ જુલાઈ ૨૦૨૬ના રોજ જામનગર જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારશે. રાજ્યપાલશ્રીના આગમન અને વિવિધ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી પી.બી. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન રાજ્યપાલશ્રીના પ્રવાસને લઈ સુરક્ષા વ્યવસ્થા, પ્રોટોકોલ, વાહન વ્યવસ્થા, કાર્યક્રમ સ્થળોની તૈયારી, સ્વચ્છતા વ્યવસ્થા, પાર્કિંગ સુવિધા, વીજ પુરવઠો, આરોગ્ય સેવાઓ તેમજ વિવિધ સરકારી વિભાગો વચ્ચે સંકલન સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

કલેક્ટરશ્રી પી.બી. પંડ્યાએ સંબંધિત વિભાગોના અધિકારીઓને સોંપવામાં આવેલી જવાબદારીઓ સમયસર અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી. રાજ્યપાલશ્રીના સમગ્ર પ્રવાસ દરમિયાન કોઈપણ પ્રકારની અગવડતા કે અવ્યવસ્થા ન સર્જાય તે માટે તમામ વિભાગોએ પરસ્પર સંકલન સાથે કામગીરી કરવા તેમણે જણાવ્યું હતું.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના જામનગર પ્રવાસ દરમિયાન પ્રાકૃતિક ખેતી, પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા અને ગ્રામ વિકાસને લગતા વિવિધ કાર્યક્રમો યોજાશે. તેઓ ખેડૂતો સાથે સીધો સંવાદ કરી પ્રાકૃતિક ખેતીના મહત્વ અંગે માર્ગદર્શન આપશે.

તા. ૧૨ જુલાઈના રોજ સવારે ૯:૧૫ કલાકે રાજ્યપાલશ્રી જામનગર એરપોર્ટ ખાતે આગમન કરશે. ત્યારબાદ તેઓ લાખાબાવળ સ્થિત વેદગર્ભવિહારની મુલાકાત લેશે. સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ દરમિયાન જામનગર સ્થિત શ્રી ધીરુભાઈ અંબાણી ચેમ્બર ઓફ કોમર્સ ખાતે યોજાનાર ગર્ભવિજ્ઞાન, ગર્ભસંસ્કાર, ડોક્ટર ટ્રેનિંગ દીક્ષાંત સમારોહ અને રાષ્ટ્રીય સંગોષ્ઠિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

ત્યારબાદ સવારે ૧૧:૫૦ કલાકે જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે. આ કેન્દ્ર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પોતાના ઉત્પાદનોના વેચાણ માટે નવી તક મળશે.

સાંજે રાજ્યપાલશ્રી ધ્રોલ તાલુકાના લતીપુર ગામની મુલાકાત લેશે. જ્યાં કોલોની વિસ્તાર, સિંચાઈ વિભાગ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી બનશે. ત્યારબાદ ચભાડિયા શેરી વિસ્તારમાં યોજાનાર સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરશે.

લતીપુર ખાતે ભોજન બાદ રાજ્યપાલશ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે સ્થાનિક નાગરિકો સાથે ‘ખાટલા પરિષદ’ અંતર્ગત સંવાદ કરશે. આ કાર્યક્રમમાં ગ્રામજનોની સમસ્યાઓ, સૂચનો અને સ્થાનિક વિકાસના મુદ્દાઓ અંગે સીધો સંવાદ યોજાશે.

પ્રવાસના બીજા દિવસે તા. ૧૩ જુલાઈના રોજ સવારે ૫:૪૫ કલાકે રાજ્યપાલશ્રી લતીપુર તાલુકા પ્રાથમિક શાળા ખાતે યોજાનાર યોગ કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારબાદ ગૌસેવા અંતર્ગત ગાય દોહન કાર્યક્રમમાં પણ સહભાગી બનશે.

સવારે ૭:૦૦ કલાકે તેઓ લતીપુરના ખેડૂત બલદેવભાઈ ખાત્રાણીના પ્રાકૃતિક ખેતી ફાર્મની મુલાકાત લેશે અને ખેડૂતો સાથે સંવાદ કરશે. રાજ્યપાલશ્રી પ્રાકૃતિક ખેતીના અનુભવો, તેના લાભો અને ખેતીમાં થતા પરિવર્તનો અંગે ખેડૂતો પાસેથી માહિતી મેળવશે.

ત્યારબાદ સવારે ૯:૪૫ કલાકે ધ્રોલ સ્થિત જી.એમ. પટેલ કન્યા વિદ્યાલય ખાતે યોજાનાર પ્રાકૃતિક ખેતી પ્રદર્શનની મુલાકાત લેશે. અહીં તેઓ કૃષિકારો સાથે પરિસંવાદ કરશે તેમજ કૃષિસખી અને સીઆરપી સાથે પણ સંવાદ કરશે.

રાજ્યપાલશ્રીના આ પ્રવાસ દરમિયાન જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન, પર્યાવરણ જાગૃતિ, સ્વચ્છતા અભિયાન અને ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર પ્રવાસને સફળ બનાવવા માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ