ક્રાઇમ ખંભાળિયાના સોડસલા રોડ પરથી ગેરકાયદે રેતી વહન કરતા ત્રણ ટ્રેક્ટર ઝડપાયા
ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં ગેરકાયદે ખનીજ ચોરી સામે સ્થાનિક ગુના શોધક શાખા (એલસીબી)એ વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે સોડસલા-વિસોત્રી માર્ગ પર વોચ ગોઠવી ગેરકાયદેસર રીતે રેતીનું પરિવહન કરતા ત્રણ ટ્રેક્ટર ઝડપી પાડ્યા હતા. ઉપરાંત નદીના પટ્ટામાંથી વધુ એક ખાલી ટ્રેક્ટર પણ કબજે કરવામાં આવ્યું છે. સમગ્ર મામલે ખાણ-ખનીજ વિભાગને કાયદેસરની કાર્યવાહી માટે જાણ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે ખંભાળિયા તાલુકાના સોડસલા ગામથી વિસોત્રી તરફ જતા માર્ગ પરથી કોઈપણ પ્રકારની કાયદેસરની મંજૂરી વગર નદીમાંથી કાઢવામાં આવેલી રેતીનું પરિવહન કરવામાં આવી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે માર્ગ પર વોચ ગોઠવી વાહનોની તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન જી.જે.-૧૦-એમ-૨૫૮૬, જી.જે.-૩૭-બી-૮૭૨૮ અને જી.જે.-૩૭-બી-૩૯૪૭ નંબરના ત્રણ ટ્રેક્ટરોમાં ગેરકાયદેસર રીતે રેતી ભરેલી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ત્રણેય ટ્રેક્ટરોને અટકાવી તપાસ કરતા જરૂરી રોયલ્ટી પાસ કે અન્ય સરકારી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નહોતા.
પોલીસે ત્રણેય ટ્રેક્ટરોમાં ભરેલી અંદાજે આઠ ટન રેતી કબજે કરી હતી. આ ઉપરાંત તપાસ દરમિયાન નજીકના નદીના પટ્ટામાંથી વધુ એક ખાલી ટ્રેક્ટર પણ મળી આવ્યું હતું, જેને પણ કબજે લેવામાં આવ્યું હતું. આમ કુલ ચાર ટ્રેક્ટર પોલીસ કબજામાં લેવામાં આવ્યા છે.
એલસીબી પોલીસે સમગ્ર કાર્યવાહી અંગે ખાણ-ખનીજ વિભાગને જાણ કરી છે. હવે ખાણ-ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદે ખનીજ પરિવહન અને ખનન સંબંધિત નિયમો મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન અને પરિવહન સામે પોલીસ અને ખાણ-ખનીજ વિભાગ દ્વારા સંયુક્ત રીતે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે કુદરતી સંપત્તિની ચોરી અને ગેરકાયદે ખનીજ પરિવહન કરનારાઓ સામે આગામી સમયમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.