મારું શહેર શહેરા પાલિકાની ઘોર બેદરકારી? ભાવસાર હોસ્પિટલ સામે ગટરના ગંદા પાણી ઉભરાતા રોગચાળાની ભીતિ.
પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં નગરપાલિકાની સફાઈ અને ગટર વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા, શહેરાના હોળી ચકલા વિસ્તારમાં આવેલી ભાવસાર હોસ્પિટલ નજીક ગટરની લાઈનો ચોકઅપ થતા ગંદા પાણી મુખ્ય માર્ગ પર ફરી વળ્યા અને સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ તથા ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું, હોસ્પિટલ જેવા અતિ સંવેદનશીલ સ્થળની સામે જ લાંબા સમયથી ગંદા પાણી ભરાયેલા રહેતા સ્થાનિક રહીશો, દર્દીઓ અને રાહદારીઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો, લોકો દ્વારા તાત્કાલિક ગટર વ્યવસ્થા સુધારી કાયમી ઉકેલ લાવવાની માંગ ઉઠી,
સ્થાનિકોના જણાવ્યા મુજબ ભાવસાર હોસ્પિટલ સામેની ગટર લાઈન છેલ્લા ઘણા સમયથી નિયમિત રીતે ચોકઅપ થતી રહી, જેના કારણે ગટરના ગંદા પાણી રસ્તા પર ઉભરાઈ રહ્યા, પરિણામે સમગ્ર વિસ્તાર દુર્ગંધથી ભરાઈ ગયો અને મુખ્ય માર્ગ પર ગંદા પાણીના ખાબોચિયાં સર્જાયા, રોજબરોજ મોટી સંખ્યામાં દર્દીઓ, તેમના સ્વજનો અને સામાન્ય નાગરિકો આ રસ્તાનો ઉપયોગ કરતા હોવાથી તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો,
હોસ્પિટલ સામે જ ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા આરોગ્ય સંબંધિત ચિંતાઓ પણ વધી, દર્દીઓ સારવાર માટે હોસ્પિટલ પહોંચતા પહેલા જ ગંદા પાણી અને દુર્ગંધમાંથી પસાર થવાની ફરજ પડતી હોવાના કારણે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી, હોસ્પિટલ જેવા સ્થળે સ્વચ્છતા જાળવવી અત્યંત જરૂરી હોવા છતાં ગટર સમસ્યાનો લાંબા સમયથી ઉકેલ ન આવતા પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા, મુખ્ય માર્ગ પર ભરાયેલા ગંદા પાણીના કારણે વાહનચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો, ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો માટે રસ્તા પર ઉભા રહેલા ગંદા પાણી અને ખાબોચિયાં અકસ્માતનું જોખમ ઉભું કરી રહ્યા, વરસાદી માહોલ દરમિયાન આ સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી,

સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ ગંદા પાણી લાંબા સમય સુધી ભરાયેલા રહેવાના કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો, જેના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી, રહેવાસીઓનું કહેવું કે જો સમયસર ગટર સાફ કરવામાં આવે અને પાણીનો નિકાલ કરવામાં આવે તો અનેક આરોગ્ય સમસ્યાઓ ટાળી શકાય,
સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી, ગટર સાફ કરવાની કામગીરી નિયમિત ન થવાના કારણે થોડા સમયાંતરે ફરી એ જ સ્થિતિ સર્જાઈ રહી, જેના કારણે લોકોમાં પાલિકા તંત્ર પ્રત્યે અસંતોષ વધી રહ્યો, નગરજનોની માંગ મુજબ પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ગટર લાઈનની સફાઈ કરી ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે, મુખ્ય માર્ગનું સમારકામ કરવામાં આવે તેમજ ભવિષ્યમાં આવી સમસ્યા ફરી સર્જાય નહીં તે માટે કાયમી આયોજન કરવામાં આવે, સાથે જ હોસ્પિટલ વિસ્તારને સ્વચ્છ રાખવા માટે વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવાની પણ માંગ કરવામાં આવી,
હાલ શહેરા નગરમાં આ સમસ્યા ચર્ચાનો વિષય બની રહી, સ્થાનિકોનું માનવું કે સ્વચ્છતા અને આરોગ્ય જેવી મૂળભૂત સેવાઓમાં બેદરકારી કોઈપણ સંજોગોમાં ચલાવી શકાય નહીં, હવે લોકોની નજર નગરપાલિકા તંત્રના આગામી પગલાં પર મંડાઈ રહી અને વહેલી તકે ગટર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી ઉગ્ર લોકમાંગ ઉઠી રહી....
રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ