મારું શહેર દ્વારકા માટે ગૌરવની ક્ષણ: ડૉ. કે.જે. ગઢવી ‘પેન ઈન્ડિયા સ્ટાર રાઇટર’ તરીકે સન્માનિત.
દ્વારકા જિલ્લા માટે ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ છે. જાણીતા લેખક અને સાહિત્યકાર ડૉ. કે.જે. ગઢવીની ‘ટોપ પેન ઈન્ડિયા રાઇટર’ તરીકે પસંદગી કરવામાં આવી છે. વિશ્વના જાણીતા લેખકો, કવિઓ અને સાહિત્યકારોની વિવિધ રચનાઓમાંથી સમાજ અને દેશ માટે ઉપયોગી, પ્રેરણાદાયી તથા ઉત્તમ કૃતિઓની પસંદગી કરતી પેન ઈન્ડિયા જ્યુરી દ્વારા ડૉ. ગઢવીની ‘પુનર્જન્મ’ નામની કહાનીને શ્રેષ્ઠ રચના તરીકે પસંદ કરવામાં આવી છે.
વૃદ્ધાશ્રમના વિષયને કેન્દ્રમાં રાખીને લખાયેલી ‘પુનર્જન્મ’ કહાનીમાં માનવીય સંવેદના, સંબંધો, વૃદ્ધાવસ્થા અને સમાજની જવાબદારી જેવા મહત્વપૂર્ણ પાસાઓને સ્પર્શવામાં આવ્યા છે. આ કૃતિને જ્યુરી દ્વારા વિશેષ પસંદગી મળતાં ડૉ. કે.જે. ગઢવીને ‘મેગા પેન સ્ટાર રાઇટર’ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.
ડૉ. ગઢવી વર્તમાન સામાજિક અને રાજકીય જીવન સાથે સંકળાયેલા વિવિધ પ્રશ્નોને પોતાની કલમ દ્વારા રજૂ કરવા માટે જાણીતા છે. તેઓ કવિતા, ગઝલ, લેખ અને વાર્તા જેવા વિવિધ સાહિત્ય સ્વરૂપોમાં સર્જન કરે છે. તેમની રચનાઓમાં સામાજિક પ્રશ્નો ઉપરાંત માનવીય સંવેદના, સંબંધો અને જીવનમૂલ્યોને વિશેષ સ્થાન આપવામાં આવે છે.
ડૉ. કે.જે. ગઢવીને અગાઉ પણ સાહિત્ય ક્ષેત્રે તેમના યોગદાન બદલ સંત મીરાંબાઈ એવોર્ડ તથા અહલ્યાબાઈ હોલકર એવોર્ડ સહિતના સન્માન પ્રાપ્ત થઈ ચૂક્યા છે. હવે ‘પુનર્જન્મ’ કહાનીની પસંદગી અને ‘મેગા પેન સ્ટાર રાઇટર’ તરીકે મળેલા સન્માનથી તેમની સાહિત્યિક સિદ્ધિઓમાં વધુ એક મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાયો છે.
દ્વારકા જિલ્લાના સાહિત્ય અને સર્જનાત્મક ક્ષેત્ર માટે આ સિદ્ધિ ગૌરવની બાબત બની છે. ડૉ. ગઢવીની આ ઉપલબ્ધિથી સાહિત્યપ્રેમીઓ અને તેમના શુભેચ્છકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. તેમના સર્જન દ્વારા સામાજિક મુદ્દાઓને નવી દૃષ્ટિથી રજૂ કરવાની તેમની યાત્રા આગળ પણ સતત ચાલુ રહે અને તેઓ રાષ્ટ્રીય સ્તરે વધુ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.