ધર્મ સાચી ભક્તિ દેખાવામાં નહીં, નિઃસ્વાર્થ ‘ભાવ’માં હોય છે.
એક નાનકડા ગામમાં એક ગરીબ વૃદ્ધા રહેતી હતી. જીવનમાં તેની પાસે કોઈ મોટું ધન નહોતું, પરંતુ હૃદયમાં ભગવાન શ્રીરામ અને હનુમાનજી પ્રત્યે અખૂટ શ્રદ્ધા હતી. રોજ સવારે તે પ્રેમથી ખીચડી બનાવતી અને સૌથી પહેલાં પોતાના આરાધ્ય દેવ હનુમાનજીને ભોગ ધરાવતી. તેની એક જ પ્રાર્થના રહેતી—“હે બજરંગબલી! આવો અને મારા હાથની ખીચડી સ્વીકારો.”
એક દિવસ હનુમાનજીએ પોતાની ભક્તિની પરીક્ષા લેવાનું વિચાર્યું. તેઓ એક ગરીબ, ભૂખ્યા અને ધૂળથી ખરડાયેલા બાળકનું રૂપ ધારણ કરીને વૃદ્ધાની ઝૂંપડી બહાર જઈને બેસી ગયા. વૃદ્ધા જ્યારે ભગવાનને ભોગ ધરાવવા માટે ખીચડી લઈને બેઠી ત્યારે બાળકના મોઢેથી ધીમો અવાજ આવ્યો, “મા, મને ખૂબ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું મળશે?”
વૃદ્ધાએ બાળક તરફ જોયું. તેને લાગ્યું કે આ બાળક ખરેખર ભૂખ્યું છે. તેણે એક ક્ષણ પણ વિચાર્યું નહીં કે આ ખીચડી તો હનુમાનજીના ભોગ માટે બનાવેલી છે. તેણે તરત જ આખી ખીચડી બાળક સામે મૂકી દીધી. બાળક જાણે ઘણા દિવસોથી ભૂખ્યું હોય તેમ ખીચડી ખાવા લાગ્યું.
થોડી જ વારમાં બાળક મસ્તીના મૂડમાં આવી ગયું. તેણે ખીચડી પોતાના હાથ, મોઢા અને કપડાં પર લગાવી દીધી અને ઝૂંપડીમાં પણ ખીચડી વેરાઈ ગઈ. છતાં વૃદ્ધા ગુસ્સે થઈ નહીં. તે પ્રેમથી બાળકનું મોઢું સાફ કરવા લાગી.
બાળકે આશ્ચર્યથી પૂછ્યું, “મા, આ ભોજન તો તમે તમારા ભગવાન માટે બનાવ્યું હતું. મેં તો બધું ખરાબ કરી નાખ્યું. તમને દુઃખ નથી થતું?”
વૃદ્ધાએ પ્રેમથી જવાબ આપ્યો, “બેટા, તરસ્યાને પાણી અને ભૂખ્યાને ભોજન મળી જાય તો મારા હનુમાનજીને ભોગ લાગી ગયો એમ જ માનવું. મારા ભગવાનનું પેટ ભરાયું છે, એટલે મારી ભક્તિ સફળ થઈ.”
આ શબ્દો સાંભળતાં જ બાળકનું સ્વરૂપ બદલાઈ ગયું. ઝૂંપડી દિવ્ય પ્રકાશથી ઝળહળી ઊઠી અને હનુમાનજી પોતાના સાચા સ્વરૂપમાં પ્રગટ થયા. તેમણે વૃદ્ધાને કહ્યું, “મા, તમે આજે માત્ર મને ખીચડી નથી ખવડાવી, પરંતુ તમારા નિઃસ્વાર્થ પ્રેમનો ભોગ ધરાવ્યો છે. તમારી સેવા અને કરુણાથી હું પ્રસન્ન છું.”
હનુમાનજીએ વૃદ્ધાને આશીર્વાદ આપ્યો કે તેની ઝૂંપડીમાં ક્યારેય અન્નની અછત નહીં રહે અને જીવનના અંતે તેને ભગવાન શ્રીરામના ચરણોમાં સ્થાન મળશે.
આ કથા આપણને એક અત્યંત સુંદર સંદેશ આપે છે—ભગવાનને પ્રસન્ન કરવા માટે માત્ર દેખાવ, વિધિ કે ભવ્ય પૂજા જરૂરી નથી; સાચી ભક્તિ હૃદયના ભાવમાં વસે છે. ભૂખ્યા માણસને ભોજન આપવું, તરસ્યાને પાણી આપવું, દુઃખી વ્યક્તિને સહારો આપવો અને જરૂરિયાતમંદની નિઃસ્વાર્થ સેવા કરવી પણ ભગવાનની જ સેવા છે.
રામચરિતમાનસમાં ભાવ વ્યક્ત થાય છે—“સિયારામમય સબ જગ જાની”, એટલે કે સમગ્ર જગતમાં સિયારામનો વાસ છે. જો આપણે દરેક જીવમાં પરમાત્માનું સ્વરૂપ જોઈ શકીએ, તો આપણી દૃષ્ટિ પણ બદલાય અને આપણી ભક્તિ પણ સાચા અર્થમાં સાર્થક બને.
માત્ર મંદિર સુધી સીમિત રહેતી ભક્તિ કરતાં માનવસેવામાં વ્યક્ત થતી ભક્તિ વધુ ઊંડી છે. કારણ કે ભગવાનને ખુશામત નહીં, પરંતુ સારા આચરણ અને નિઃસ્વાર્થ કર્મ પ્રિય છે. કોઈ ગરીબની મદદ કરવી, અનાથને સહારો આપવો, વૃદ્ધની સેવા કરવી, જરૂરિયાતમંદ પરિવારને મદદ કરવી કે દુઃખી વ્યક્તિના જીવનમાં આશાનું કિરણ બનવું—આ બધું જ પરમાત્માની આરાધના સમાન છે.
માનવ શરીર મળવું એ માત્ર જન્મ છે, પરંતુ બીજાના દુઃખને સમજવું અને જરૂરિયાતના સમયે મદદ માટે આગળ આવવું એ સાચી માનવતા છે. આત્મિયતા વગરની માનવતા અધૂરી છે અને માનવતા વગરની ભક્તિ પણ અધૂરી છે.
સાચો ભક્ત એ છે જે પોતાના સ્વાર્થ કરતાં બીજાના કલ્યાણને મહત્વ આપે. જે લોકો નિઃસ્વાર્થ ભાવથી સમાજની સેવા કરે છે, દુઃખી અને નબળા લોકોનો સહારો બને છે અને કોઈ અપેક્ષા વિના પરોપકાર કરે છે, તેમના જીવનમાં જ સાચી ભક્તિનું સૌંદર્ય જોવા મળે છે.
આપણે કદાચ રોજ લાંબી પૂજા ન કરી શકીએ, મંત્રોના જાપ ન કરી શકીએ કે મોટા ધાર્મિક અનુષ્ઠાન ન કરી શકીએ. પરંતુ કોઈ ભૂખ્યાને એક ટંકનું ભોજન આપી શકીએ, કોઈ નિરાશ વ્યક્તિને બે સાંત્વનાના શબ્દો કહી શકીએ અને કોઈ જરૂરિયાતમંદને યથાશક્તિ મદદ કરી શકીએ. આ નાનકડાં કાર્યોમાં પણ ભગવાન સુધી પહોંચતો પ્રેમ છુપાયેલો છે.
આથી જીવનમાં એક વાત હંમેશાં યાદ રાખીએ—પરોપકારથી મોટું કોઈ પુણ્ય નથી અને નિઃસ્વાર્થ સેવા કરતાં મોટી કોઈ ભક્તિ નથી. બીજાના જીવનમાં સુખ, શાંતિ અને આશા લાવવાનો પ્રયત્ન કરીએ. કારણ કે જ્યારે આપણે કોઈ જરૂરિયાતમંદની આંખમાં ખુશી લાવીએ છીએ, ત્યારે કદાચ એ જ ક્ષણે આપણા આરાધ્ય ભગવાનને સાચો ભોગ ધરાવી રહ્યા હોઈએ છીએ.
સાચી ભક્તિ મંદિરમાં દીવો પ્રગટાવવામાં જ નથી, પરંતુ કોઈના અંધકારમય જીવનમાં પ્રકાશ બનીને ઊભા રહેવામાં છે.