રાજકારણ મોંઘવારી અને ભેળસેળ સામે AAP મેદાનમાં, કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
ગુજરાતમાં સતત વધી રહેલી મોંઘવારી અને બજારમાં નકલી તથા ભેળસેળયુક્ત વસ્તુઓના વેચાણ સામે આમ આદમી પાર્ટી દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે. આ મુદ્દે 20 નવેમ્બર, 2026ના રોજ આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સામાન્ય જનતાને રાહત આપવાની માંગ કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે. ગેસ સિલિન્ડર, પેટ્રોલ-ડીઝલ, ખાદ્યતેલ, શાકભાજી સહિત જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે.
આમ આદમી પાર્ટીએ વધુમાં જણાવ્યું હતું કે એક તરફ મોંઘવારીનો માર પડી રહ્યો છે, તો બીજી તરફ બજારમાં નકલી અને ભેળસેળયુક્ત વસ્તુઓનું વેચાણ પણ બેરોકટોક થઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં સામાન્ય પરિવારોને બાળકોના શિક્ષણ, વડીલોની દવાઓ અને રોજિંદી જરૂરિયાતો પૂરી કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આવેદનપત્ર મારફતે ગેસ, પેટ્રોલ-ડીઝલ અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર નિયંત્રણ લાવવા, નકલી અને ભેળસેળયુક્ત વસ્તુઓના વેચાણ સામે કડક કાર્યવાહી કરવા તેમજ બજારો, દુકાનો અને ગોડાઉનોમાં નિયમિત તપાસ હાથ ધરવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ મોંઘવારીથી પીડાતી સામાન્ય જનતાને રાહત મળે તે માટે સરકાર તાત્કાલિક અસરથી યોગ્ય પગલાં ભરે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી આ ગંભીર જનહિતના મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવા અને સામાન્ય નાગરિકોને મોંઘવારી તથા ભેળસેળની સમસ્યામાંથી રાહત અપાવવા માંગ કરવામાં આવી હતી.